Sun Mar 08 2026

Logo

સૅમસન સુપરહીરો, ભારતને પહોંચાડી દીધું ઇંગ્લૅન્ડ સામેની વાનખેડેની સેમિ ફાઇનલમાં...

6 days ago
Author: Ajay Motiwala
Article Image

કોલકાતાઃ વર્લ્ડ નંબર-વન અને ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારતે રવિવારે ઈડન ગાર્ડન્સમાં વેસ્ટ ઇન્ડિઝને ટી-20 વર્લ્ડ કપમાં ક્વૉર્ટર ફાઇનલ સમાન સુપર-એઇટ મૅચમાં પાંચ વિકેટે હરાવીને સેમિ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો જેમાં ગુરુવાર, પાંચમી માર્ચે વાનખેડે સ્ટેડિયમમાં ભારતનો ઇંગ્લૅન્ડ સામે મુકાબલો થશે. એ પહેલાં, પ્રથમ સેમિ ફાઇનલ બુધવાર, ચોથી માર્ચે કોલકાતામાં સાઉથ આફ્રિકા અને ન્યૂ ઝીલૅન્ડ વચ્ચે રમાશે. ફાઇનલ આઠમી માર્ચે મોટા ભાગે અમદાવાદમાં રમાવાની છે. સંજુ સૅમસન (97 અણનમ, 50 બૉલ, ચાર સિક્સર, બાર ફોર) આ મૅચનો સુપરહીરો હતો અને તેના આ અણનમ સમગ્ર કરીઅરની શ્રેષ્ઠ ઇનિંગ્સમાં ગણાશે.

ભારતે 196 રનનો લક્ષ્યાંક 19.2 ઓવરમાં 5/199ના સ્કોર સાથે મેળવી લીધો હતો. સૅમસન ખરા સમયે ટીમને કામ લાગ્યો છે. તેણે શરૂઆતથી જ સંયમ અને સમજબૂઝ સાથે અને સહજતાથી બૅટિંગ કરી હતી. બોલર્સની લાઇન અને લેન્ગ્થ બરાબર પારખીને તેણે જોખમ ઉઠાવ્યા વિના સ્કોરિંગ શૉટ માર્યા હતા અને એક પછી એક પાર્ટનર સાથે ભાગીદારી કરીને ભારતને જિતાડ્યું હતું. એમાં ખાસ કરીને સૂર્યકુમાર સાથે તેની 58 રનની પાર્ટનરશિપ થઈ હતી.


સૅમસને સદી ફટકારવાની લાલચ રાખવાને બદલે ટીમને જિતાડવા પર જ બધું ધ્યાન કેન્દ્રીત કર્યું હતું અને છેલ્લે વિનિંગ સિક્સર તથા ફોર ફટકારી હતી. સૅમસનની તુલનામાં હવે અભિષેક શર્મા તથા ઇશાન કિશન ઝાંખા પડી ગયા છે અને ટીમ માટે જાણે બોજ બની ગયા છે. સેમિ ફાઇનલની ટીમમાંથી અભિષેક-ઇશાન, આ બેમાંથી એકનું પત્તું કપાવાની સંભાવના નકારી ન શકાય.

રવિવારે અભિષેકે માંડ 10 રન, ઇશાને પણ 10 રન કર્યા હતા અને કૅપ્ટન સૂર્યકુમાર યાદવે 18 રન, તિલક વર્માએ 27 રન તથા હાર્દિકે 17 રનનું યોગદાન આપ્યું હતું. શિવમ દુબે (આઠ અણનમ, ચાર બૉલ, બે ફોર) સૅમસન સાથે છેક સુધી ક્રીઝ પર હતો. હોલ્ડર અને શમારે બે-બે વિકેટ લીધી હતી.

એ પહેલાં, બૅટિંગ મળ્યા બાદ વેસ્ટ ઇન્ડિઝે 20 ઓવરમાં ચાર વિકેટે 195 રન બનાવ્યા હતા. અભિષેક અને તિલકે આસાન કૅચ છોડ્યા હતા. ભારતની ખરાબ ફીલ્ડિંગ વચ્ચે પાંચ કૅરિબિયન બૅટ્મસેનોએ પચીસથી વધુ રન કર્યા હતા જેમાં રૉસ્ટન ચેઝના 40 રન હાઇએસ્ટ હતા. ચેઝ 14 રને હતો ત્યારે અભિષેકે તેનો કૅચ છોડ્યો હતો અને પછી ચેઝ છેક 40 રન પર આઉટ થયો હતો.

રૉવમૅન પોવેલ (34 અણનમ, 19 બૉલ, બે સિક્સર, ત્રણ ફોર) અને જેસન હોલ્ડર (37 અણનમ, બાવીસ બૉલ, ત્રણ સિક્સર, બે ફોર) વચ્ચે પાંચમી વિકેટ માટે 76 રનની અતૂટ ભાગીદારી થઈ હતી.

ચોથી વિકેટ વખતે સ્કોર 119 રન હતો અને તેમણે ટોટલ 195 સુધી પહોંચાડ્યું હતું. બુમરાહને બે વિકેટ તથા હાર્દિક અને વરુણને એક-એક વિકેટ મળી હતી. અર્શદીપ સિંહ અને અક્ષર પટેલને વિકેટ ન મળી.