Sun Aug 23 2026

Logo

યશસ્વી-ગિલની દમદાર બૅટિંગ-પ્રૅક્ટિસ પછી સિરાજે પણ બૅટથી બતાવી તાકાત

Colombo   2026-08-09 20:21:36
Author: Ajay Motiwala
Article Image

BCCI


આખી મૅચમાં એક જ વિકેટ લેનાર સિરાજે પાંચ બૉલમાં ચાર સિક્સર ફટકારી ભારતને છેલ્લી ક્ષણોમાં જિતાડ્યું

કોલંબોઃ શ્રીલંકા (SriLanka)ના પ્રવાસમાં રવિવારે ભારતની શાનદાર જીત સાથે પૂરી થયેલી એકમાત્ર વૉર્મ-અપ મૅચમાં ઓપનર યશસ્વી જયસ્વાલ (61 રન રિટાયર્ડ આઉટ, 46 બૉલ, બે છગ્ગા, નવ ચોગ્ગા)એ પ્રથમ દાવના શૂન્યને ભૂલીને અને કૅપ્ટન શુભમન ગિલ (44 રન, 54 બૉલ, સાત ચોગ્ગા)એ ઈજા બાદ હાથની આંગળીનો રહ્યોસહ્યો દુખાવો અવગણીને ઉપયોગી બૅટિંગ-પ્રૅક્ટિસ કરી હતી. બન્નેની 105 રનની ભાગીદારીએ ત્રણ દિવસીય મૅચના અંતિમ દિવસે ભારતના વિજયનો પાયો નાખ્યો હતો.

ભારતીયોની જીત્યા પછી પણ બૅટિંગ શા માટે?

ટીમ ઇન્ડિયાએ શ્રીલંકાની ટૂરમાં વિજયી શરૂઆત કરી જેમાં આ પ્રૅક્ટિસ-મૅચ (Practice Match) છ વિકેટે જીતી લીધી. મૅચની અંતિમ ક્ષણોમાં મોહમ્મદ સિરાજે પાંચ બૉલમાં ચાર છગ્ગા ફટકારીને ભારતને જિતાડી દીધું હતું. સિરાજે 15 બૉલમાં ચાર સિક્સર અને એક ફોરની મદદથી અણનમ 32 રન બનાવ્યા હતા. ભારતે 207 રનનો લક્ષ્યાંક ચાર વિકેટના ભોગે મેળવી લીધો હતો. ભારતીય ટીમ 4/208 રનના સ્કોર સાથે જ વિજયી ઘોષિત થયું હોત, પરંતુ આ પ્રૅક્ટિસ-મૅચ હતી જેમાં ભારતીય ઇનિંગ્સની 45મી ઓવર (દિવસની કુલ 90 ઓવર) પૂરી કરવાની હોવાથી અમ્પાયરે ભારતના વિજય પછી પણ રમત ચાલુ રહેવા દીધી હતી અને 45મી ઓવરને અંતે ભારતના 4/214ના સ્કોર સાથે મૅચ સમાપ્ત જાહેર કરવામાં આવી હતી.

BCCI

શ્રીલંકાને પૂંછડિયા ભારતીયોનો `ઇશારો'

સિરાજને આખી મૅચમાં 69 રનમાં ફક્ત એક વિકેટ મળી હતી, પણ તેણે છેલ્લે બૅટિંગમાં ટૂંકી ઇનિંગ્સમાં પરચો બતાવ્યો હતો. પ્રથમ ઇનિંગ્સમાં બીજા પેસ બોલર ગુરનૂર બ્રારે ચાર છગ્ગા અને બે ચોગ્ગાની મદદથી 18 બૉલમાં અણનમ 36 રન બનાવ્યા હતા. એ સાથે, ભારતના પૂંછડિયા ખેલાડીઓએ શનિવાર, 15મી ઑગસ્ટે શરૂ થનારી પ્રથમ ટેસ્ટ માટેની શ્રીલંકન ટીમને સંકેત આપી દીધો કે તેઓ પણ ટીમને જરૂર પડે ત્યારે સારી બૅટિંગ કરી શકે છે.

ભારતીય બોલર્સને પણ સારી પ્રૅક્ટિસ થઈ

પ્રથમ દાવમાં દેવદત્ત પડિક્કલે 164 બૉલમાં 18 ચોગ્ગાની મદદથી અણનમ 142 રન બનાવીને ખૂબ સારી બૅટિંગ પ્રૅક્ટિસ કરી હતી. શ્રીલંકા ઇલેવને પ્રથમ દાવમાં 8/363ના સ્કોર પર દાવ ડિક્લેર કર્યો ત્યાર બાદ ભારતે દેવદત્ત પડિક્કલના 142 અણનમ ઉપરાંત રવીન્દ્ર જાડેજા (63 રન રિટાયર્ડ આઉટ), માનવ સુથાર (41 રન), કે. એલ. રાહુલ (40 રન), ગુરનૂર બ્રાર (36 અણનમ) અને સારાંશ જૈન (બાવીસ રન રિટાયર્ડ આઉટ)ના યોગદાનોની મદદથી 6/357ના સ્કોર પર દાવ સમાપ્ત જાહેર કર્યો હતો.

બીજા દાવમાં શ્રીલંકા ઇલેવને 6/200 ડિક્લેર્ડના સ્કોર સાથે ભારતને જીતવાનો પડકાર આપ્યો હતો અને ભારતે જીતી બતાવ્યું હતું. આ મૅચમાં ભારત વતી રવીન્દ્ર જાડેજાએ સૌથી વધુ ચાર વિકેટ અને ફાસ્ટ બોલર ગુરનૂર બ્રારે ત્રણ વિકેટ લીધી. ભારતીય બોલર્સને પણ આ મૅચમાં ઉપયોગી પ્રૅક્ટિસ થઈ હતી. ભારતની બોલિંગ-બ્રિગેડમાં સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના તેમ જ સ્પિનર કુલદીપ યાદવ, માનવ સુથાર તથા સારાંશ જૈનનો પણ સમાવેશ છે.

શનિવારથી પ્રથમ ટેસ્ટ

હવે શનિવાર, 15મી ઑગસ્ટે ગૉલમાં ભારત-શ્રીલંકાની પ્રથમ ટેસ્ટ (સવારે 10.00 વાગ્યાથી લાઇવ) શરૂ થશે. બીજી અને અંતિમ ટેસ્ટ 23મી ઑગસ્ટથી કોલંબોમાં રમાશે.