Thu Mar 12 2026

Logo

દુબઈમાં હૅટ-ટ્રિક લપડાક લગાવી, હવે કોલંબોમાં જોરદાર કરન્ટ આપવાનો છે

3 weeks ago
Article Image

સ્પોર્ટ્સમૅનઃ અજય મોતીવાલા

2021ની 24મી ઑક્ટોબરનો દિવસ ભારત માટે સારો નહોતો, કારણકે એ દિવસે (રવિવારે) દુબઈમાં ટી-20 વર્લ્ડ કપમાં ભારતનો પાકિસ્તાન સામે પરાજય થયો હતો, પરંતુ ત્યાર પછીના લાગલગાટ પાંચ રવિવાર પર ભારતનો ઇજારો જોવા મળ્યો છે અને આવતી કાલે (15મી ફેબ્રુઆરીએ) વધુ એક રવિવાર આવી રહ્યો છે જેમાં બન્ને કટ્ટર દેશ વચ્ચે હાઈ-વૉલ્ટેજ ટક્કર થવાની છે. પાંચ વર્ષ પહેલાંની હાર ક્રિકેટ વર્લ્ડ કપના સંપૂર્ણ (વન-ડે તેમ જ ટી-20) ઇતિહાસમાં ભારતની પાકિસ્તાન સામેની એકમાત્ર હાર છે અને એક પછી એક ભારતીય ટીમે પાકિસ્તાનને ધૂળ ચાટતું કરવાની જે પરંપરા જાળવી છે એને આવતી કાલે સૂર્યકુમાર યાદવ ઍન્ડ કંપનીએ જાળવવાની છે.

છેલ્લાં સાડાચાર વર્ષમાં ભારતે પાકિસ્તાનનું ક્રિકેટના મેદાન પર વારંવાર નાક કાપ્યું છે. બીજી રીતે કહીએ તો આ જંગમાં છેલ્લા પાંચ રવિવાર ભારતીય ટીમ માટે સુપર સન્ડે સાબિત થયા છે. 2021ની 24મી ઑક્ટોબરના રવિવારે ભારતે પાકિસ્તાન સામે 10 વિકેટે હાર જોઈ ત્યાર પછી સતત પાંચ મુકાબલા રવિવારે જ થયા અને એમાં પાકિસ્તાનને જોરદાર લપડાક પડી હતી. 2022ની 23મી ઑક્ટોબરે રવિવાર હતો અને મેલબર્નમાં ટી-20 વિશ્વ કપની મૅચમાં ભારતે પાકિસ્તાનને ચાર વિકેટે પરાજિત કર્યું હતું. 

2024ના ટી-20 વર્લ્ડ કપમાં નવમી જાન્યુઆરીએ પણ રવિવાર હતો અને ન્યૂ યૉર્કમાં રોહિત શર્માના સુકાનમાં ભારતે પાકિસ્તાનને છ રનથી હરાવ્યું હતું. 2025ના એશિયા કપમાં સૂર્યકુમાર યાદવના સુકાનમાં ભારતે ઉપરાઉપરી ત્રણ રવિવારે પાકિસ્તાનને થપાટ મારી હતી જેમાંની છેલ્લી લપડાક ફાઇનલમાં હતી. હવે આવતી કાલે સતત છઠ્ઠા રવિવારે (કોલંબોમાં ટી-20 વર્લ્ડ કપની લીગ મૅચ) જીતીને સૂર્યા અને તેની ટીમે દુશ્મન-દેશ સામે જીતનો સિલસિલો જાળવવાનો છે.

ભારત-પાકિસ્તાનના ક્રિકેટના મેદાન પરના અગાઉના તમામ જંગની તુલનામાં આવતી કાલનો મુકાબલો સાવ અલગ છે જેનું કારણ આપણે બધા સારી રીતે જાણીએ છીએ. પાકિસ્તાન સરકાર અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ બે અઠવાડિયાં સુધી ડ્રામા કર્યા બાદ (કરોડો રૂપિયાના આર્થિક નુકસાનના ડરથી) આવતી કાલની ભારત સામેની મૅચ રમવાની તૈયારી બતાવી છે. એક રીતે પાકિસ્તાને ભારત સામે રમવાનું નક્કી કરીને બાંગ્લાદેશને દગો આપ્યો છે. 

હિન્દુ નાગરિકોની કત્લેઆમ માટે જવાબદારી બાંગ્લાદેશના પેસ બોલર મુસ્તફિઝુર રહમાનને બીસીસીઆઇએ આઇપીએલમાંથી કાઢી નાખ્યો એના પ્રત્યાઘાતમાં બાંગ્લાદેશને ભારતમાં વર્લ્ડ કપની મૅચો રમવાનો ઇનકાર કરી દીધો એટલે પાકિસ્તાને બાંગ્લાદેશની તરફેણ કરીને ભારત સામેની મૅચનો બહિષ્કાર કર્યો હતો. પાકિસ્તાને તો આખી ટૂર્નામેન્ટનો બૉયકૉટ કરવાની ધમકી પણ આપીને બાંગ્લાદેશને ખુશ કર્યું હતું. 

જોકે ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ લાલ આંખ બતાવી અને બ્રૉડકાસ્ટર્સ તથા ઍડવર્ટાઇઝર્સે કરોડો રૂપિયાના વળતરનો દાવો માંડવા બાંયો ચઢાવી એટલે ગભરાઈ ગયેલા પાકિસ્તાનની સાન ઠેકાણે આવી ગઈ અને 15મીએ કોલંબોમાં રમવા તૈયાર થઈ ગયું. એ રીતે, પાકિસ્તાને વચન તોડીને બાંગ્લાદેશને દગો આપ્યો છે.

ટી-20 વર્લ્ડ કપમાં ભારત-વિરુદ્ધ પાકિસ્તાન

* 2007 વર્લ્ડ કપ: ડરબનમાં ગ્રૂપ-સ્ટેજની મૅચમાં ટાઇ બાદ ભારતનો બૉલ-આઉટમાં 3-0થી વિજય
* 2007 વર્લ્ડ કપ: જોહનિસબર્ગની ફાઇનલમાં ભારતનો પાંચ રનથી વિજય
* 2012 વર્લ્ડ કપ: કોલંબોમાં ગ્રૂપ-સ્ટેજની મૅચમાં ભારતનો આઠ વિકેટે વિજય
* 2014 વર્લ્ડ કપ: મીરપુરમાં ગ્રૂપ-સ્ટેજની મૅચમાં ભારતનો સાત વિકેટે વિજય
* 2016 વર્લ્ડ કપ: કોલકાતામાં ગ્રૂપ-સ્ટેજની મૅચમાં ભારતનો છ વિકેટે વિજય
* 2021 વર્લ્ડ કપ: દુબઈમાં ગ્રૂપ-સ્ટેજની મૅચમાં પાકિસ્તાનનો 10 વિકેટે વિજય
* 2022 વર્લ્ડ કપ: મેલબર્નમાં ગ્રૂપ-સ્ટેજની મૅચમાં ભારતનો ચાર વિકેટે વિજય
* 2024 વર્લ્ડ કપ: ન્યૂ યૉર્કમાં ગ્રૂપ-સ્ટેજની મૅચમાં ભારતનો છ રનથી વિજય.

વર્લ્ડ કપ: ભારતે 15માંથી 14 વખત પાકિસ્તાનને હરાવ્યું છે

ક્રિકેટના વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ભારતનો ઇતિહાસ અસાધારણ રહ્યો છે. વન-ડે વર્લ્ડ કપમાં બન્ને દેશ વચ્ચે કુલ આઠ વખત ટક્કર થઈ છે અને આઠેય વખત ભારતે પાકિસ્તાનને પછડાટ આપી છે. ટી-20ના વિશ્વ કપમાં આઠમાંથી ફક્ત એક વાર ભારતે હાર જોવી પડી છે. આવતી કાલે (15મી ફેબ્રુઆરીએ) પાકિસ્તાન સામે ક્રિકેટ વર્લ્ડ કપના સંપૂર્ણ ઇતિહાસમાં ભારતનો પાકિસ્તાન સામે 16મો જંગ ખેલાશે. સૂર્યકુમાર યાદવના સુકાનમાં ભારતની ટીમ સોળે કળાએ ખીલી છે અને આ મૅચ જીતવા માટે ભારત ફેવરિટ છે. ભારત વર્લ્ડ નંબર-વન અને ડિફેન્ડિંગ ચૅમ્પિયન છે. બીજી તરફ, પાકિસ્તાનની છેક છઠ્ઠી રૅન્ક છે અને આ વર્લ્ડ કપની ટ્રોફી પાકિસ્તાનીઓ છેક 2009માં (17 વર્ષ પહેલાં) જીત્યા હતા.

સેહવાગની `લકી ચાર્મ'ની ટિપ્પણી, મજાક લાગે છે છતાં માની શકાય

`મુલતાન કા સુલતાન' વીરેન્દર સેહવાગની ધમાકેદાર ઇનિંગ્સને પાકિસ્તાનીઓ નહીં જ ભૂલ્યા હોય. આ વાત એપ્રિલ, 2004ની છે જ્યારે વીરુદાદાએ પાકિસ્તાન ખાતેના ભારતીય ટીમના પ્રવાસ દરમ્યાન મુલતાન શહેરમાં સિરીઝની પહેલી જ ટેસ્ટના પ્રથમ દાવમાં 309 રન ખડકી દીધા હતા. તેણે 531 મિનિટ સુધી ક્રીઝમાં ટકી રહીને 375 બૉલમાં છ છગ્ગા અને 39 ચોગ્ગાની મદદથી 309 રન કર્યા હતા. 

સચિન તેન્ડુલકર (194 અણનમ, 348 બૉલ, 493 મિનિટ, 21 ચોગ્ગા) જે દાવમાં ડબલ સેન્ચુરી ચૂકી ગયો હતો એમાં સેહવાગે ટ્રિપલ ફટકારીને પાકિસ્તાનીઓને હેરાન-પરેશાન કરી દીધા હતા. ભારતે 5/675 ડિક્લેર્ડના સ્કોર બાદ એ ટેસ્ટ એક દાવ અને બાવન રનથી જીતી લીધી હતી. સેહવાગની એ અવિસ્મરણીય ઇનિંગ્સ 2004ની સાલની હતી, પરંતુ ખુદ તેણે એક એવી વાત કરી છે જે માની શકાય એવી તો છે જ. સેહવાગે કહ્યું છે કે ` 1983 અને 2007ના વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વેએ ઑસ્ટ્રેલિયાને હરાવ્યું હતું અને એ જ બે વિશ્વ કપમાં છેવટે ભારત ચૅમ્પિયન બન્યું હતું.' 

આ વાતમાં સેહવાગનો ઇશારો એવો છે કે 1983ના વન-ડે વર્લ્ડ કપ અને 2007ના ટી-20 વર્લ્ડ કપમાં ઑસ્ટ્રેલિયાની ઝિમ્બાબ્વે સામે નામોશી થઈ ત્યાર પછી ભારત એ બન્ને વર્લ્ડ કપમાં ચૅમ્પિયન બન્યું હતું તો પછી આ વખતે પણ એવું કેમ ન બની શકે? ગઈ કાલે ઝિમ્બાબ્વેએ કોલંબોમાં ઑસ્ટ્રેલિયાને 23 રનથી હરાવીને જે આંચકો આપ્યો એને ધ્યાનમાં લઈને સેહવાગની અટકળને સોશ્યલ મીડિયામાં ટેકો મળી રહ્યો છે. સેહવાગ વર્લ્ડ કપમાં ઑસ્ટ્રેલિયા પરની ઝિમ્બાબ્વેની જીતને `લકી ચાર્મ' ગણાવે છે. એક ક્રિકેટપ્રેમીએ સેહવાગની ટિપ્પણીના સપોર્ટમાં લખ્યું છે, `ઇતિહાસનું ફરી પુનરાવર્તન થશે કે શું?'