ધરમશાલાઃ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની વન ડે સીરિઝનો પ્રથમ મુકાબલો 13 જૂને ધરમશાલામાં રમાશે. ભારતીય સમય પ્રમાણે બપોરે 1.30 કલાકે મેચ શરૂ થશે. વન ડે સીરિઝ શરૂ થવાના પહેલા જ ભારતીય ટીમને બે મોટા ઝટકા લાગ્યા હતા. સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાના કારણે સંપૂર્ણ સીરિઝમાંથી બહાર થઈ ગયા છે. આ સ્થિતિમાં કેપ્ટન ગિલ માટે મજબૂત પ્લેઈંગ 11 પસંદ કરવી મોટો પડકાર બની શકે છે.
જોકે ટીમ ઈન્ડિયા પાસે યુવા અને અનુભવી ખેલાડીઓનું શાનદાર મિશ્રણ છે, આ કારણે કોહલી અને હાર્દિકની ગેરહાજરીમાં પણ ભારતીય ટીમ મજબૂત નજરે પડી રહી છે. ધરમશાલાની પિચ પર ફરી એક વખત રોહિત શર્મા અને શુભમન ગિલની જોડી ઈનિંગની શરૂઆત કરી શકે છે. બંને બેટ્સમેન વન ડે ક્રિકેટમાં ભારતના સૌથી ભરોસાપાત્ર ઓપનર છે.
ઈશાન કિશન ત્રીજા ક્રમે
વિરાટ કોહલી નહીં હોવાથી ભારતીય ટીમા બેટિંગ ક્રમમાં સૌથી મોટો સવાલ નંબર-3ને લઈ છે. ઈશાન કિશન આ ભૂમિકા માટે સૌથી મજબૂત દાવેદાર છે. ઈશાન પહેલા પણ આ ક્રમે બેટિંગ કરી ચુક્યો છે, તેની આક્રમક શૈલી ભારતને ઝડપી શરૂઆત બાદ રન ગતિ જાળવી રાખવામાં મદદ કરે છે.
અય્યર-રાહુલ સંભાળશે ટીમને
નંબર 4 પર વાઈસ કેપ્ટન શ્રેયસ અય્યર રમશે. વન ડે ક્રિકેટમાં તેનો શાનદાર રેકોર્ડ છે અને સ્પિન સામે તેની બેટિંગ અફઘાનિસ્તાન સામે મહત્વની સાબિત થઈ શકે છે. કેએલ રાહુલ વિકેટકિપર બેટ્સમેન તરીકે 5 નંબર પર ઉતરી શકે છે. તેની ભૂમિકા માત્ર રન બનાવવા પૂરતી જ નહીં હોય પરંતુ યુવા બેટ્સમેનો સાથે ઈનિંગને સંભાળવાની જવાબદારી પણ રહેશે.
Breathtaking views and intense prep 🗻
— BCCI (@BCCI) June 12, 2026
📸 Snapshots from #TeamIndia's scenic training session in Dharamshala ahead of the 1️⃣st #INDvAFG ODI 🔛@IDFCFIRSTBank pic.twitter.com/sHg4K3Y05L
હાર્દિકની ગેરહાજરીનો કોને થશે ફાયદો
હાર્દિક પંડ્યાની ગેરહાજરીનો ફાયદો નીતીશ કુમાર રેડ્ડીને થઈ શકે છે. આઈપીએલમાં તેના ઑલરાઉન્ડર પ્રદર્શને સૌને પ્રભાવિત કર્યા છે. ધરમશાલામાં તેને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે અને સીરિઝ તેની આંતરરાષ્ટ્રીય કરિયરની દિશા નક્કી કરી શકે છે.
પ્રિન્સ યાદવ કરશે ડેબ્યૂ
જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજની ગેરહાજરીમાં અર્શદીપ સિંહ ભારતીય ફાસ્ટ બોલિંગનું નેતૃત્વ કરશે. તેની સાથે પ્રસિદ્ધ કૃષ્ણ આવી શકે છે. ઉપરાંત પ્રિન્સ યાદવ પણ ડેબ્યૂ કરી શકે છે. આઈપીએલમાં તેના શાનદાર પ્રદર્શન બાદ ભારતીય ટીમમાં સ્થાન મળી શકે છે.
અફઘાનિસ્તાન સામે સ્પિન બોલિંગ હંમેશા નિર્ણાયક હોય છે. આ સ્થિતિમાં કુલદીપ યાદવ અને વૉશિંગ્ટન સુંદર ભારત માટે હુકમના એક્કા સાબિત થઈ શકે છે. કુલદીપ વન ડેમાં 194 વિકેટ ઝડપી ચુક્યો છે અને અફઘાનિસ્તાનના બેટ્સમેનોનો પરેશાન કરી શકે છે. સુંદર બેટિંગ અને બોલથી યોગદાન આપશે.
કેવી રહેશે પિચ
ધરમશાલામાં 2017 બાદ પ્રથમ દ્વિપક્ષીય વન ડે મેચ છે. 5 વખત ટાર્ગેટને ચેઝ કરતી ટીમ જીતી છે અને 4 વખત પ્રથમ બેટિંગ કરતી ટીમ વિજેતા બની છે. છેલ્લે અહીં 2023 વન ડે વર્લ્ડ કપની મેચ રમાઈ હતી. ઑસ્ટ્રેલિયાએ 388 રન બનાવ્યા હતા અને ન્યૂઝીલેન્ડની ટીમ 5 રનથી હારી હતી. આ મેદાન પર હાઈ સ્કોરિંગ મેચ જોવા મળી શકે છે.
કેવું રહેશે હવામાન
ધરમશાલા પહાડી વિસ્તાર હોવાા કારણે જૂન મહિનામાં અહીંયાનું હવામાન ઠંડું હોય છે. ડે નાઈટ મેચ હોવાના કારણે સાંજે તાપમાનમાં ઘટાડો થશે. જેના કારણે ખેલાડીઓને ગરમીથી રાહત મળશે. મેચ દરમિયાન હવામાન સ્વચ્છ રહેવાની આશા છે.
પ્રથમ વન ડેમાં ભારતની સંભવિત પ્લેઈંગ 11: રોહિત શર્મા, શુભમન ગિલ(કેપ્ટન), ઈશાન કિશન, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકિપર), નીતીશ કુમાર રેડ્ડી, વૉશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, પ્રિન્સ યાદવ, પ્રસિદ્ધ કૃષ્ણ