નવી દિલ્હીઃ ગત નાણાકીય વર્ષ 2025-26માં ખાસ કરીને રૂનાં શિપમેન્ટમાં ઘટાડો થવાથી દેશની ટેક્સ્ટાઈલ અને ગાર્મેન્ટ્સની નિકાસ 2.2 ટકા ઘટીને 35.8 અબજ ડૉલરની સપાટીએ રહી હતી. તેમ જ રૂપિયાની દૃષ્ટિએ પણ નિકાસમાં 2.1 ટકાનો ઘટાડો થયો હોવાનું થિન્ક ટૅન્ક ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈનિશિએટીવ (જીટીઆરઆઈ)એ જણાવ્યું છે. જીટીઆરઆઈ તરફથી પ્રાપ્ત થયેલ આંકડાકીય માહિતી અનુસાર ગત નાણાકીય વર્ષમાં કોટન ટેક્સ્ટાઈલની નિકાસમાં 3.9 ટકાનો, રેડીમેડ ગાર્મેન્ટ્સની નિકાસમાં 1.4 ટકાનો અને કાર્પેટની નિકાસમાં 5.3 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે અને માત્ર હેન્ડિક્રાફ્ટ્સની નિકાસ સાધારણ 1.5 ટકા વધુ રહી છે. તેમ જ ભારતીય રૂપિયાની સામે ડૉલરમાં મજબૂતાઈ મુખ્ય ચિંતાનો વિષય હોવાનું જીટીઆરઆઈએ ઉમેર્યું હતું.
જીટીઆરઆઈના સંસ્થાપક અજય શ્રીવાસત્વાએ જણાવ્યું હતું કે સ્થાનિક સ્તરે મૂલ્યની દૃષ્ટિએ ભારત વધુ નિકાસ કરી રહ્યું છે, પરંતુ વૈશ્વિક સ્તરે ડૉલરની દૃષ્ટિએ રળતર ઓછું રહે છે. તેમણે દૃષ્ટાંત આપતા જણાવ્યું હતું કે મેનમેડ ફાઈબર ટેક્સ્ટાઈલની નિકાસમાં ભારતીય રૂપિયાના મૂલ્યમાં 3.6 ટકાની વૃદ્ધિ થઈ છે, પરંતુ ડૉલરની તુલનામાં 0.8 ટકાનો ઘટાડો નોંધાયો છે. તે જ પ્રમાણે ગાર્મેન્ટ્સમાં ભારતીય રૂપિયાના મૂલ્યમાં 2.9 ટકાનો વધારો જોવા મળ્યો છે, પરંતુ ડૉલરની તુલનામાં 1.4 ટકાનો ઘટાડો થયો છે. આ સૂચવે છે કે રૂપિયાના મૂલ્યમાં દેખીતી વૃદ્ધિ પાછળ સ્પર્ધાત્મકતા નહીં, પણ ચલણનું અવમૂલ્યન છે. તેમણે ઉમેર્યું હતું કે વાસ્તવિક દૃષ્ટિએ ભારત બજારનો હિસ્સો ગુમાવી રહ્યું છે અથવા તો મુખ્ય વૈશ્વિક બજાર વિસ્તારવામાં અસફળ રહ્યું છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ એક મહત્ત્વનો નીતિગત્ પ્રશ્ન તરફ ધ્યાન દોરે છે કે શા માટે ચાલી રહેલા સુધારાઓ નિકાસ વૃદ્ધિમાં પરાવર્તિત નથી થતાં ? ઉત્પાદન સાથે જોડાયેલા પ્રોત્સાહનો, પરિવહનમાં સુધારા અને વેપાર માટેની સુવિધાઓની પહેલ છતાં ડેટા મહત્ત્વના સેગ્મેન્ટમાં સ્થિરતા અથવા તો ઘટાડો શા માટે જોવા મળે છે ? આથી સરકારે તાત્કાલિક ધોરણે અવરોધોની તપાસ કરવી આવશ્યક હોવાનું તેમણે ઉમેર્યું હતું.