Wed Jun 10 2026

Logo

દેશના બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે  કોંગ્રેસ ફરી મજબૂત બને તેવા સંકેત , જાણો વિગતે

2026-06-10 17:50:24
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી : દેશના રાજકીય સમીકરણો સતત બદલાઈ રહ્યા છે. જેમાં વર્ષ 2014માં ભાજપના નેતૃત્વમાં એનડીએની સરકાર રચના બાદ અનેક રાજ્યોમાં સ્થાનિક પક્ષો નબળા પડ્યા છે. તેમજ ભાજપ અનેક રાજયોમાં મજબૂત બન્યું છે. જેમાં કોંગ્રેસ સાથેથી છેડો ફાડીને અલગ થયેલા અનેક રાજકીય પક્ષો હાલ અસ્તિત્વ માટેનો સંઘર્ષ કરી રહ્યા છે. જેમાં હાલમાં જ ટીએમસીની હાલત તેનું ઉદાહરણ છે. જેને જોતા આગામી દિવસોમાં કોંગ્રસ ફરી એકવાર આ પક્ષોની મદદથી મજબૂત બની શકે છે  તેવી ચર્ચાઓ ચાલી રહી છે. 

ટીએમસીની કારમી હાર બાદ તે પણ સમાપ્ત થવાના આરે

આ અંગે દેશના રાજકારણની બદલાતી સ્થિતી પર નજર કરીએ તો, પહેલા બિહારના તેજસ્વી યાદવના નેતૃત્વમાં આરજેડી નબળું પડ્યું હતું. જેની બાદ તમિલનાડુમાં સ્ટાલિનનું ડીએમકેનો પ્રભાવ ઘટ્યો છે. જેની બાદ હવે તાજેતરમાં પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની ટીએમસીની કારમી હાર બાદ તે પણ સમાપ્ત થવાના આરે છે. આ તમામ પક્ષો કોંગ્રેસની વોટબેંક તોડીને સત્તામાં આવ્યા હતા. 

ઇન્ડી ગઠબંધનના મોટા ભાગના પક્ષોની કારમી હાર 

રાજકારણમાં બધો સમયનો ખેલ હોય છે. એક સમયે મમતા બેનર્જી કહેતા હતા કોંગ્રેસ હવે સમાપ્ત થવાના આરે  છે. તેને બેઠક ફાળવવી  નુકસાન થશે, ત્યારે આજે એ જ મમતા બેનર્જી કોંગ્રેસના શરણે છે. એવી જ રીતે ડીએમકેના સ્ટાલિન કોંગ્રેસને એક વધારાની બેઠક આપવા તૈયાર ન હતા. તેમજ ઇન્ડી ગઠબંધનના મોટા ભાગના પક્ષો જનાધાર ગુમાવી રહ્યા છે. 

બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોંગ્રેસ ઉત્સાહમાં

જોકે, આ બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોંગ્રેસ ઉત્સાહમાં છે. કેમકે, આ જ પક્ષોના ટેકાથી કોંગ્રેસ મજબૂત વિપક્ષ તરીકે ફરી ઉભરી શકે છે. કારણ કે, હાલમાં આ પક્ષો માટે રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસ સિવાય અન્ય કોઇ વિકલ્પ નથી. તેમજ તેનો ફાયદો કોંગ્રેસ પણ ઉઠાવશે.  

પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસનો વોટ શેર 20 ટકાથી ઘટીને 3 ટકાએ પહોંચ્યો 

જેમાં આપણે પશ્વિમ બંગાળમાં બદલાતા રાજકીય સમીકરણો પર નજર કરીએ તો, એક સમયે, કોંગ્રેસ પાર્ટીએ પશ્ચિમ બંગાળમાં ડાબેરીઓ માટે સૌથી મોટો પડકાર ઉભો કર્યો હતો.  વર્ષ 1970  અને 1980 ના દાયકા દરમિયાન, કોંગ્રેસે 20 થી 25  ટકા વોટ શેર જાળવી રાખ્યો હતો. જે  વર્ષ 2021 ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો વોટશેર  ઘટીને માત્ર 2.94 ટકા થઈ ગયો હતો. 

India Trinamool Congress

 મમતાએ 34 વર્ષ જૂની ડાબેરી સરકારને ઉથલાવી દીધી હતી.

જોકે, કોંગ્રેસમાંથી આવેલા મમતા બેનર્જીએ વર્ષ 1998 માં તૃણમૂલ કોંગ્રેસ (TMC) ની રચના કરી અને ધીમે ધીમે કોંગ્રેસને ટેકો આપતી સમગ્ર ડાબેરી વિરોધી વોટબેંકને દૂર કરી દીધી. જેની બાદ વર્ષ 2001 ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે લગભગ 8.7 ટકા મત મેળવ્યા હતા. તેમજ વર્ષ 2011 સુધીમાં  મમતાએ 34 વર્ષ જૂની ડાબેરી સરકારને ઉથલાવી દીધી હતી.  તેમજ હાલમાં ભાજપે ટીએમસીને હરાવીને ભવ્ય વિજય મેળવ્યો છે. તેમજ સોનિયા ગાંધીએ ટીએમસીને કોંગ્રેસમાં વિલય કરવાની ઓફર પણ કરી છે. જો સમીકરણો બદલાયા તો કોંગ્રેસ માટે પશ્ચિમ બંગાળમાં વાપસીના સંકેત છે. 

તમિલનાડુના કોંગ્રેસ સીએમ થલાપતિ  વિજય સાથે મળી સત્તામાં ભાગીદાર બની 

આ ઉપરાંત જો આપણે તમિલનાડુની વાત કરીએ તો કોંગ્રેસ એક સમયે  સૌથી મોટો પક્ષ હતો. સ્વતંત્રતા બાદ લાંબા સમય સુધી કોંગ્રેસનું વર્ચસ્વ રહ્યું  હતું. વર્ષ 1967 સુધી કોંગ્રેસનું એકહથ્થું શાસન રહ્યું હતું. જોકે, દ્રવિડ ચળવળમાંથી જન્મેલા ડીએમકેએ કોંગ્રેસને પડકાર ફેંક્યો હતો અને વર્ષ  1967 માં ડીએમકેએ કોંગ્રેસને સત્તા પરથી હાંકી કાઢી હતી. તેની બાદ કોંગ્રેસ ક્યારેય ફરી સત્તામાં વાપસી ના કરી શકી. એક સમયે  રાજ્યમાં કોંગ્રેસનો વોટ શેર 20 ટકા થી વધુ હતો. જે હાલમાં ઘટીને  4 ટકાની આસપાસ છે. 

કોંગ્રેસે અચાનક ડીએમકે સાથે સંબંધો તોડી નાખ્યા

ડીએમકેનો મુખ્ય ચહેરો  એમ.કે. સ્ટાલિન છે. જોકે, અભિનેતા-રાજકારણી વિજય અને તેમની પાર્ટીના રૂપમાં તમિલનાડુમાં એક નવો પડકાર ઉભરી આવ્યો છે. ડીએમકે હાલમાં સત્તાથી બહાર છે. આ તકનો લાભ લેતા કોંગ્રેસે અચાનક તેની સાથે સંબંધો તોડી નાખ્યા છે. તેમજ દાયકાઓ પહેલા જે પાર્ટીને ડીએમકેએ  હાંસિયામાં ધકેલી દીધી હતી તે જ પાર્ટી હવે તમિલનાડુમાં ફરી એકવાર પોતાના પગ પર ઉભી રહેવાનો પ્રયાસ કરી રહી છે.

બિહારમાં કોંગ્રેસનો પરંપરાગત વોટ બેંક સાથે પુન: ઉદય શક્ય

આ ઉપરાંત જો આપણે બિહારની વાત કરીએ તો વર્ષ 1980 સુધી રાજયમાં કોંગ્રેસનો વોટ શેર 30 ટકાની આસપાસ હતો. તેમજ મંડળ આયોગ બાદ લાલુ પ્રસાદ યાદવની આરજેડીએ વર્ષ 1997માં કોંગ્રેસની વોટબેંકને એકત્ર કરીને સત્તા મેળવી હતી.જેના લીધે બિહારમાંથી કોંગ્રેસનું પતન થયું. તેમજ આજે બિહારમાં તેજસ્વી યાદવના નેતૃત્વમાં આરજેડી સ્થાનિક કક્ષાએ કોંગ્રેસને પડકાર ફેકતી મોટી પાર્ટી બની છે. જોકે, હાલમાં આરજેડી રાજયના નબળી પડી છે. જેના લીધે કોંગ્રેસનો પરંપરાગત વોટ બેંક સાથે પુન: ઉદય શક્ય છે. 

ઉત્તર પ્રદેશમાં સપા નબળી પડતા કોંગ્રેસને  ફાયદો 

તેમજ આ ઉપરાંત અન્ય એક રાજય ઉત્તર પ્રદેશ જે કોંગ્રેસ માટે હંમેશા અગત્યનું છે. જેમાં પણ કોંગ્રેસ વર્ષ 1985 પછી ક્યારેય સત્તામાં નથી આવી. કોંગ્રેસ એક સમયે રાજયમાં 40 ટકા સુધી વોટ શેર ધરાવતી હતી. તેમજ હાલમાં સીએમ યોગી અને ભાજપ સત્તામાં આવ્યા બાદ અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી અસ્તિત્વ માટે લડાઈ લડી રહી છે. સપાનો વોટશેર હાલ 3 ટકાની આસપાસ છે. તેમજ  જો વર્ષ 2027 ની વિધાનસભા ચૂંટણી પછી સપા નબળું પડે છે. તો કોંગ્રેસ તેની પરંપરાગત વોટ બેંકના સહારે ફરી એક વાર બેઠી થઇ શકે છે.