નવી દિલ્હીઃ જૂન મહિનાની શરૂઆતમાં સામાન્ય રીતે ઉત્તર અને મધ્ય ભારત ભીષણ ગરમી અને લૂ થી તપતું હોય છે, પરંતુ આ વર્ષે કુદરતે મોટી રાહત આપી છે. દેશના અનેક ભાગોમાં પ્રી-મોન્સૂન (Pre-Monsoon) ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. પૂર્વોત્તર ભારત અને દક્ષિણ દ્વીપકલ્પના વિસ્તારોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ નોંધાયો છે, જેના કારણે મહત્તમ તાપમાન નિયંત્રણમાં રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર, આગામી 10 દિવસ સુધી સમગ્ર ઉત્તર ભારતમાં લૂ (Heatwave) નો કોઈ ખતરો નથી.
ક્યાં કેટલું નોંધાયું તાપમાન?
છેલ્લા 24 કલાકમાં દેશના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનું જોર ઘટ્યું છે. તેલંગાણાના ખમ્મમમાં સૌથી વધુ 43 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 2.8 ડિગ્રી વધુ હોવા છતાં લૂની શ્રેણીમાં આવતું નથી. આ સાથે રાજસ્થાનની વાત કરવામાં આવે તો, જેસલમેર, ફલોદી, બીકાનેર અને શ્રીગંગાનગર જેવા સરહદી જિલ્લાઓમાં પારો 40 થી 41 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહ્યો હતો, જે સામાન્ય કરતાં ઓછું છે. પંજાબ, હરિયાણા, દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં તાપમાન 35 થી 39 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાયું છે.
હવામાન નિષ્ણાતોનું શું કહેવું છે?
પર્વતીય વિસ્તારોમાં સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાન પર સર્જાયેલા ચક્રવાતી પરિભ્રમણને કારણે આખો અઠવાડિયો ઉત્તર ભારતમાં હવામાન અસ્થિર રહેશે. બપોર પછી કે સાંજના સમયે ધૂળની ડમરીઓ, ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદી માહોલ જોવા મળી શકે છે. આ પ્રી-મોન્સૂન વરસાદ અને વાતાવરણમાં આવેલા પલટાને કારણે સામાન્ય જનજીવન અને ખાસ કરીને ખેડૂતોને મોટી રાહત મળી છે, કારણ કે વાવણી માટે આ વાતાવરણ અનુકૂળ સાબિત થઈ શકે છે. જો કે, આંધી-તુફાન સમયે લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે.
હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી
વરસાદની વાત કરવામાં આવે તો, કેરળ, લક્ષદ્વીપ, અંડમાન અને નિકોબારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે તમિલનાડુ, કર્ણાટક, ગોવ, પશ્ચિમ મધ્ય પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને સિક્કિમ સહિત પૂર્વ ભારતમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજસ્થાનના કેટલાક ભાગોમાં ધૂળની આંધી અને વાવાઝોડા જોવા મળી શકે છે. દિલ્હી, દક્ષિણ ઓડિશા, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ અને વાવાઝોડાની શક્યતા છે.