લુધિયાણાઃ પશ્ચિમ એશિયાની કટોકટીને કારણે વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાને ધ્યાનમાં લેતા ગત માર્ચના અંતે પૂરા થયેલા નાણાકીય વર્ષ 2025-26માં દેશની મર્કન્ડાઈઝ નિકાસ બેથી ત્રણ ટકા ઘટે તેવી શક્યતા નિકાસકારોના સંગઠન ફેડરેશન ઑફ ઈન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશન (ફિઓ)એ વ્યક્ત કરી છે. ફિઓના પ્રમુખ એસ સી રલ્હને જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયાની ભૂરાજકીય કટોકટીને કારણે ગત માર્ચ મહિનાના શિપમેન્ટમાં સાતથી આઠ ટકાનો ઘટાડો થયો છે. ગત 28મી ફેબ્રુઆરીના રોજ અમેરિકા-ઈઝરાયલે સંયુક્તપણે ઈરાન પર હુમલા કરતાં પશ્ચિમ એશિયા ખાતેની નિકાસ ખોરવાઈ જવાની સાથે શિપિંગના નૂરભાડા, હવાઈ પરિવહનના ભાવ અને વીમા ખર્ચમાં પણ વધારો થવાની સાથે મધ્યપૂર્વના દેશોમાંથી ક્રૂડતેલ અને નેચરલ ગૅસના પરિવહન વિક્ષેપિત થવાથી સ્ટીલ, પ્લાસ્ટિક અને રબર જેવા કાચા માલના ભાવમાં પણ વધારો થયો હોવાનું તેમણે ઉમેર્યું હતું.
આ તમામ પરિબળોને ધ્યાનમાં લેતા ગત માર્ચ મહિનાની મર્કન્ડાઈઝ નિકાસમાં સાતથી આઠ ટકાનો અને ગત નાણાકીય વર્ષની નિકાસમાં બેથી ત્રણ ટકાનો ઘટાડો થવાની શક્યતા પત્રકાર વર્તુળો સમક્ષ વ્યક્ત કરતાં ઉમેર્યું હતું કે ગત નાણાકીય વર્ષમાં મર્કન્ડાઈઝ નિકાસમાં ઘટાડો થવા છતાં ગૂડ્સ અને સર્વિસીસની કુલ નિકાસ પાંચથી છ ટકા વધીને 825 અબજ ડૉલર (437 અબજ ડૉલરની ગૂડ્સની નિકાસ અને 388 અબજ ડૉલરની સર્વિસીસ નિકાસ) આસપાસ રહે તેવી શક્યતા છે. જોકે, વાણિજ્ય મંત્રાલય દ્વારા નિકાસના અધિકૃત ડેટાની જાહેરાત આગામી 15મી એપ્રિલના રોજ જાહેર કરવામાં આવશે.
યુદ્ધવિરામ માટે અમેરિકા અને ઈરાન વચ્ચે બે દિવસીય વાટાઘાટ થનાર હોવાથી ટૂંક સમયમાં શિપમેન્ટોની હેરફેર શરૂ થવાનો આશાવાદ વ્યક્ત કરતાં તેમણે સરકારને નિકાસકારોને રાહત મળે તે માટે ઊંચા વ્યાજદર, એડવાન્સ ઑથોરિટી રિડમ્પશનનું સરળીકરણ અને ડિરેક્ટોરેટ જનરલ ઑફ ટ્રેડ અને કસ્ટમ વચ્ચે નામકરણના સુમેળ જેવા મુદ્દાઓ પર ધ્યાન આપવા માટે ભલામણ કરી હતી.
નોંધનીય બાબત એ છે કે એડવાન્સ ઑથોરાઈઝેશન રિડમ્પશનનો ઉલ્લેખ વિદેશ વેપાર નીતિમાં કરવામાં આવ્યો છે અને આ પ્રક્રિયા નિકાસ જવાબદારીઓ અદા થઈ ગયા પછી એડવાન્સ ઑથોરાઈઝેશન લાઈસન્સ પરિપૂર્ણ કરવા અથવા તો બંધ કરવા માટે થતી હોય છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે એડવાન્સ ઑથોરાઈઝેશન હેઠળ નિકાસકારોની કાચા માલની ડ્યૂટીમુક્ત ધોરણે આયાત કરવા મંજૂરી આપવામાં આવશે, પરંતુ શરત માત્ર એટલી હોય છે કે કાચા માલનો ઉપયોગ નિકાસલક્ષી ઉત્પાદન માટે થયો હોવો જોઈએ. અમને આંતરરાષ્ટ્રીય ધોરણની સમકક્ષ બેથી ચાર ટકા વ્યાજદરની આવશ્યકતા છે. જોકે, હાલ ભારતમાં સબસિડી સાથેના વ્યાજદર 8.25 ટકા અને સબસિડી રહિત વ્યાજદર 12 ટકા જેટલા ઊંચા હોવાનું જણાવતા તેમણે ઉમેર્યું હતું કે પશ્ચિમ એશિયાની કટોકટી પશ્ચાત્ નિકાસ સ્થિર થતાં થોડા મહિનાઓ લાગશે.