Wed Sep 02 2026

Logo

ભારતે વધારી પરમાણુ બોંબની સંખ્યા, પાકિસ્તાનને લઇને પણ થયો મોટો ખુલાસો

2026-06-08 14:23:00
Author: Mumbai Samachar Team
ભારતે વધારી પરમાણુ બોંબની સંખ્યા, પાકિસ્તાનને લઇને પણ થયો મોટો ખુલાસો

નવી દિલ્હીઃ વૈશ્વિક સ્તરે વધતા જીઓ-પોલિટિકલ ટેન્શન (ભૂ-રાજકીય તણાવ) અને મહાસત્તાઓ વચ્ચે અવિશ્વાસના વાતાવરણની વચ્ચે પરમાણુ હથિયારોને લઈને ખૂબ જ ચોંકાવનારો અહેવાલ (રિપોર્ટ) સામે આવ્યો છે. સંરક્ષણ ક્ષેત્ર પર નજર રાખતી પ્રતિષ્ઠિત વૈશ્વિક સંસ્થા 'સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ' (SIPRI) એ તેની વાર્ષિક 'સિપ્રી યરબુક 2026' બહાર પાડી છે. પરમાણુ હથિયારોની સંખ્યા અને તેમની અસરોને ઓછી કરવા માટે દાયકાઓથી કરવામાં આવી રહેલા આંતરરાષ્ટ્રીય પ્રયાસો હવે સંપૂર્ણપણે ઉલટા પડતા દેખાઈ રહ્યા છે.

આ અહેવાલ (રિપોર્ટ) ની સૌથી મોટી અને ખાસ વાત એ છે કે દક્ષિણ એશિયામાં વ્યૂહાત્મક સંતુલન (સ્ટ્રેટેજિક બેલેન્સ) ની દ્રષ્ટિએ ભારતે એક નવો મુકામ હાસિલ કરી લીધો છે. ભારતનો પરમાણુ હથિયારોનો ભંડાર વર્ષ 2025ના 180 વોરહેડ્સથી વધીને વર્ષ 2026માં 190 વોरહેડ્સ સુધી પહોંચી ગયો છે.

આ વધારાની સાથે જ ભારત વ્યૂહાત્મક રીતે પોતાના પડોશી દેશ પાકિસ્તાન કરતાં ઘણું આગળ નીકળી ગયું છે, જેની પરમાણુ ક્ષમતા આ સમયગાળા દરમિયાન કોઈ પણ ફેરફાર વગર 170 વોરહેડ્સ પર જ અટકેલી છે. સિપ્રીનો આ અહેવાલ દર્શાવે છે કે ભારત ઝડપથી અને ખૂબ જ પરિપક્વતા સાથે પોતાની વ્યૂહાત્મક ક્ષમતાઓનો વિસ્તાર કરી રહ્યું છે.

ભારતની કૂદકે ને ભૂસકે પ્રગતિ અને પાકિસ્તાનની સ્થિરતા

ભારત અને પાકિસ્તાન બંને પોતાના પરમાણુ દળો અને મિસાઇલ ડિલિવરી સિસ્ટમને સતત આધુનિક બનાવી રહ્યા છે, પરંતુ સંખ્યાની બાબતમાં ભારત હવે સ્પષ્ટપણે આગળ નીકળી ગયું છે. જ્યાં ભારત પાસે હવે 190 પરમાણુ હથિયાર છે, ત્યાં પાકિસ્તાન પાસે માત્ર 170 વોરહેડ્સ છે.

ભારત અને ચીન જેવા ઉભરતા પરમાણુ સંપન્ન દેશો હવે શાંતિના સમયમાં પણ પોતાની મિસાઇલો પર નાની સંખ્યામાં પરમાણુ વોરહેડ તૈનાત કરી શકે છે. આ ભારતની ઓપરેશનલ રેડીનેસ (યુદ્ધ માટેની સજ્જતા) માં આવેલા એક મોટા ફેરફારને દર્શાવે છે.

મામૂલી ઘટાડા વચ્ચે આધુનિકીકરણની આંધી

જો આપણે આખી દુનિયાના સ્તરે જોઈએ, તો સિપ્રી (SIPRI) નો અંદાજ છે કે જાન્યુઆરી 2026 સુધીમાં દુનિયાનો કુલ પરમાણુ ભંડાર 12,187 વોરહેડ્સ હતો. જો તેની સરખામણી એક વર્ષ પહેલા એટલે કે 2025 સાથે કરવામાં આવે, તો ત્યારે આ સંખ્યા 12,241 હતી.