Mon Sep 14 2026

Logo

ભારત-લેસોથો વચ્ચે 6ઠ્ઠી JBCC બેઠક યોજાઈ: દ્વિપક્ષીય સંબંધો અને માનવતાવાદી સહાય મુદ્દે થઈ ખાસ ચર્ચા

2026-08-01 10:01:00
Author: Vimal Prajapati
ભારત-લેસોથો વચ્ચે 6ઠ્ઠી JBCC બેઠક યોજાઈ: દ્વિપક્ષીય સંબંધો અને માનવતાવાદી સહાય મુદ્દે થઈ ખાસ ચર્ચા

નવી દિલ્હીઃ ભારત અન્ય દેશો સાથે સંબંધો સુધારવા પર ફોકસ કરી રહ્યું છે. નાનામાં નાના દેશો સાથે પણ ભારતે સંબંધો મબજૂત કરવાના પ્રયત્નો કર્યાં છે. અત્યારે ભારત અને લેસોથોએ તેમના દ્વિપક્ષીય સંબંધોની વ્યાપક સમીક્ષા કરતી વખતે, વિકાસ ભાગીદારી, ક્ષમતા નિર્માણ, માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત જેવા ક્ષેત્રોમાં સહયોગને વધુ મજબૂત બનાવવા તેમજ સંયુક્ત રાષ્ટ્ર સહિત વિવિધ બહુપક્ષીય પ્લેટફોર્મ પર પરસ્પર સહયોગ પર ભાર મૂક્યો છે. આ બંને દેશો વચ્ચે સંયુક્ત દ્વિપક્ષીય સહયોગ આયોગ (જેવીસીસી)ની છટ્ઠી બેઠક દિલ્હી ખાતે મળી હતી.

દ્વિપક્ષીય બેઠકમાં ભારત અને લેસોથો વચ્ચે શું ચર્ચા થઈ?

સંયુક્ત દ્વિપક્ષીય સહયોગ આયોગની આ છઠ્ઠી બેઠકની સંયુક્ત અધ્યક્ષતા વિદેશ મંત્રાલયમાં પૂર્વ અને દક્ષિણ આફ્રિકા વિભાગના સંયુક્ત સચિવ જાનેશ કૈન અને લેસોથોના વિદેશ અને આંતરરાષ્ટ્રીય સંબંધો મંત્રાલયના મુખ્ય સચિવ થાબાંગ લેખેલાએ કરી હતી. ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા આ બેઠક મામલે એક્સ પર ટ્વીટ કરીને સત્તાવાર જાણકારી પણ આપવામાં આવી છે. આ બેઠકમાં ખાસ કરીને વિકાસ ભાગીદારી, ક્ષમતા નિર્માણ, માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત જેવા ક્ષેત્રોમાં સહયોગને વધારે પ્રધાન્ય આપવામાં આવ્યું છે.

લેસોથોના વિદેશ મંત્રાલયે શું કહ્યું?

લેસોથોના વિદેશ અને આંતરરાષ્ટ્રીય સંબંધ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે, બંને દેશોના પ્રતિનિધિ મંડળોએ તેમના લાંબા સમયથી ચાલી આવતા રાજદ્વારી સંબંધોની ફરી પુષ્ટિ કરી છે અને વિવિધ ક્ષેત્રોમાં વ્યાવહારિક સહયોગને વધુ આગળ ધપાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે.  JBCC ની સ્થાપના માર્ચ 2004 માં બંને દેશો વચ્ચે થયેલા દ્વિપક્ષીય કરાર હેઠળ કરવામાં આવી હતી. તેની પહેલી બેઠક માર્ચ 2009 માં નવી દિલ્હી ખાતે યોજાઈ હતી. આ વ્યવસ્થા વારાફરતી ભારતની રાજધાની નવી દિલ્હી અને લેસોથોની રાજધાની માસેરુ ખાતે આયોજિત કરવામાં આવે છે.

'કિંગડમ ઈન ધ સ્કાય' લેસોથો

લેસોથો આફ્રિકાના દક્ષિણ ભાગમાં આવેલો એક નાનો પણ અનોખો દેશ છે. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે, તે ચારેય બાજુથી માત્ર દક્ષિણ આફ્રિકાથી ઘેરાયેલો છે, તેથી તેનો સમાવેશ વિશ્વના ગણ્યા-ગાંઠ્યા 'એનક્લેવ' દેશોમાં થાય છે. આખો દેશ સમુદ્ર સપાટીથી લગભગ 1,000 મીટરથી વધુ ઊંચાઈ પર આવેલો છે, જેના કારણે તેને 'કિંગડમ ઈન ધ સ્કાય' અથવા આકાશમાં વસેલો દેશ પણ કહેવામાં આવે છે.