Fri Jul 03 2026

Logo

પરમાણુ હુમલા બાદ ભારતે જાપાનને કેમ હાથી ભેટ આપ્યો હતો? જાણો સમગ્ર ઈતિહાસ

2026-07-02 21:59:00
Author: Vimal Prajapati
Article Image

વર્તમાન સમયમાં ભારત અને જાપાન વચ્ચેના સંબંધો એક નવી ઊંચાઈએ પહોંચ્યા છે. જાપાનના વડાપ્રધાન સનાએ તાકાઈચી ભારતની મુલાકાતે આવ્યા છે અને પીએમ નરેન્દ્ર મોદીએ તેમને પોતાની નાની બહેન ગણાવીને દિલ્હીમાં ઘણા મહત્વપૂર્ણ કરારો કર્યા છે. પરંતુ ભારત અને જાપાનની આ અતૂટ દોસ્તીનો પાયો બીજા વિશ્વયુદ્ધના સમયમાં નખાયો હતો, જેમાં એક હાથીએ બંને દેશોને ભાવનાત્મક રીતે જોડી દીધા હતા. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો...

બીજા વિશ્વયુદ્ધમાં જાપાનના હાથીઓને ભૂખ્યા મારી નંખાયા

પરમાણુ હુમલા બાદ જ્યારે જાપાનનું ટોક્યો શહેર રાખ થઈ ગયું હતું, ત્યારે આ વિખરાયેલા દેશને આર્થિક સહાય કે મશીનો નહીં, પરંતુ મૈસૂરના જંગલોમાંથી આવેલી 15 વર્ષની એક માદા હાથીના રૂપમાં આશાનું નવું કિરણ મળ્યું હતું. આ ઐતિહાસિક હાથીનું નામ હતું ‘ઇન્દિરા’. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાનમાં હાથીઓની અછત કેમ થઈ, તે સમજવા માટે 1943ની પરિસ્થિતિ જાણવી જરૂરી છે. વર્ષ 1943માં જ્યારે ટોક્યો પર બોમ્બમારો તેજ કરાયો, ત્યારે જાપાન સરકારને ડર લાગ્યો કે જો ટોક્યોના ઐતિહાસિક ઉએનો પ્રાણીસંગ્રહાલય (Ueno Zoo) પર બોમ્બ પડશે, તો હિંસક પ્રાણીઓ પાંજરા તોડીને શહેરમાં તબાહી મચાવશે.

જેથી ટોક્યોના મેયરે મજબૂરીમાં એક ક્રૂર આદેશ આપ્યો કે ઝૂના તમામ ખતરનાક પ્રાણીઓને મારી નાખવામાં આવે. સિંહ અને રીંછને તો મારી દેવાયા, પણ ઝૂના ત્રણ સૌથી વહાલા હાથીઓ- જોન, ટોન્કી અને વાનલી પર ગોળી ચલાવવાનો સંભાળ રાખનારાએ ઇનકાર કરી દીધો. પ્રશાસને ઝેરી ઇન્જેક્શન આપવાનો પ્રયાસ કર્યો પણ હાથીની જાડી ચામડીના કારણે સોય વળી ગઈ. ઝેરી ખોરાક પણ સમજદાર હાથીઓએ ન ખાધો. આખરે, તેમને ભૂખ્યા રાખીને મારી નાખવાનો આદેશ અપાયો.

ક્લાસરૂમથી શરૂ થયેલું આંદોલન અને 'ચાચા નેહરુ'ને પત્ર

વિશ્વ યુદ્ધ પૂરું થયું ત્યાં સુધીમાં જાપાનના બાળકોએ ક્યારેય જીવતો હાથી જોયો જ નહોતો, કારણ કે ઝૂ સંપૂર્ણપણે ખાલી થઈ ચૂક્યા હતા. યુદ્ધ બાદ જ્યારે જાપાન બેઠું થઈ રહ્યું હતું, ત્યારે ટોક્યોના કેટલાક શાળાના બાળકોએ એક અનોખી ઝુંબેશ શરૂ કરી. વર્ષ 1949 સુધીમાં ટોક્યો સરકાર પાસે જાપાની બાળકોના 1500 થી વધુ પત્રો પહોંચ્યાં જેના પર એક જ નામ સરનામું હતું- ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ!

બાળકોએ પત્રમાં લખ્યું હતું, ‘વડાપ્રધાનજી, અમને માફ કરજો, અમે જાણીએ છીએ કે તમે ખૂબ વ્યસ્ત માણસ છો. પરંતુ અમે જીવનમાં ક્યારેય જીવતો હાથી નથી જોયો. શું તમે ભારતથી અમારા માટે એક હાથી મોકલી શકો? અમે વચન આપીએ છીએ કે અમે તેની ખૂબ સારી સંભાળ રાખીશું. હાથી આજે પણ અમારા સપનામાં આવે છે." ભારત પોતે 1947માં આઝાદ થયું હતું અને વિભાજનના દર્દ તથા સંસાધનોની અછતનો સામનો કરી રહ્યું હતું. પરંતુ જ્યારે આ પત્રો દિલ્હી પહોંચ્યા, ત્યારે તત્કાલિન વડાપ્રધાને બાળકોની આ વિનંતી પાછળ છુપાયેલો માનવીય અને મનોવૈજ્ઞાનિક સંદેશ ઓળખી લીધો. તેમણે તાત્કાલિક ભારતમાંથી એક શાંત અને શ્રેષ્ઠ હાથી શોધવાનો આદેશ આપ્યો હતો. 

18 નખવાળી સૌભાગ્યશાળી 'ઇન્દિરા' જાપાન પહોંચી

નેહરુના આદેશ પર મૈસૂર રજવાડામાંથી 15 વર્ષની એક શાંત માદા હાથીની પસંદગી કરવામાં આવી, સામાન્ય રીતે હાથીઓને 16 કે 17 નખ હોય છે, પરંતુ આ હાથીના પગમાં અત્યંત શુભ ગણાતા 18 નખ હતા. પીએમ નેહરુએ આ હાથીનું નામ પોતાની પુત્રીના નામ પરથી ‘ઇન્દિરા’ રાખ્યું હતું. આ હાથીની સાથે મોકલેલા પત્રમાં નેહરુએ જાપાનના બાળકોને લખ્યું હતું કે, તમે આ હાથીને ભારતના બાળકો તરફથી પ્રેમ અને સદભાવના દૂત તરીકે સ્વીકારો. હાથી બુદ્ધિમાન, ધૈર્યવાન, મજબૂત અને અત્યંત નમ્ર જીવ છે. આશા છે કે આપણે પણ આપણામાં આ ગુણો કેળવીશું."

જાપાનની સુપરસ્ટાર બની 'ઇન્દિરા' માદા હાથી

25 સપ્ટેમ્બર 1949 ના રોજ જ્યારે ઇન્દિરાને લઈને જહાજ જાપાનના બંદરે પહોંચ્યું, ત્યારે આખા દેશમાં ઉત્સવનો માહોલ સર્જાયો હતો. યુદ્ધની વિભીષિકા ઝીલી રહેલા જાપાની સમાજ માટે ઇન્દિરા શાંતિ અને નવી શરૂઆતનું પ્રતીક બની ગઈ. ઇન્દિરા ટોક્યોના ઉએનો ઝૂમાં 11 ઓગસ્ટ 1983 સુધી એટલે કે 49 વર્ષની ઉંમર સુધી જીવતી રહી. તેના અવસાન પર સમગ્ર જાપાનમાં રાષ્ટ્રીય શોક જેવો માહોલ હતો. બાળકોની ચિઠ્ઠીથી શરૂ થયેલી આ 'એલિફન્ટ ડિપ્લોમેસી' એ વૈશ્વિક મંચ પર ભારતને એક ઉદાર, દયાળુ અને સ્વતંત્ર વિદેશ નીતિ ધરાવતા દેશ તરીકે સ્થાપિત કર્યો. આ સફળતા બાદ ભારતે દુનિયાના ઘણા દેશોને હાથી ભેટમાં આપ્યા હતા.