નવી દિલ્હી : અમેરિકા અને ઈરાન વચ્ચે હજુ પણ તણાવ યથાવત છે. આ દરમિયાન ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી સાથે મહત્વપૂર્ણ વાતચીત થઇ છે.તેમની વચ્ચે દ્વિપક્ષીય બાબતો તેમજ બ્રિક્સ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી. આ અંગે ભારતના વિદેશમંત્રી એસ.જયશંકરે એકસ પર જણાવ્યું હતું કે, ગત રાત્રે ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરકચી સાથે ફરી વાતચીત થઈ છે. દ્વિપક્ષીય બાબતો તેમજ બ્રિક્સ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.
અમેરિકા અને ઈરાનના યુદ્ધના લીધે સ્થિતી તણાવપૂર્ણ
ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર અને અરાઘચી વચ્ચેની આ વાતચીત પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી તણાવપૂર્ણ પરિસ્થિતિ વચ્ચે થઈ હતી. અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઇરાન વિરુદ્ધ લશ્કરી કાર્યવાહીને કારણે પ્રાદેશિક પરિસ્થિતિ સતત બગડી રહી છે. જેમાં હોર્મુઝ સ્ટ્રેટ જેવા મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગો માટે ખતરો વધી ગયો છે. આ માર્ગ વૈશ્વિક ક્રૂડ ઓઇલ વેપારના આશરે 20 ટકા ભાગનું સંચાલન કરે છે અને ભારત જેવા ઊર્જા આયાત કરતા દેશો માટે અત્યંત સંવેદનશીલ છે.
Had another conversation with Iranian FM @araghchi yesterday night.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) March 13, 2026
Discussed bilateral matters as also BRICS related issues.
બ્રિક્સ જેવા મંચોએ પ્રાદેશિક સ્થિરતા માટે ટેકો વધારવા અપીલ
બંને દેશોના વિદેશમંત્રીઓ વચ્ચે નજીકના સમયમાં ચોથી વાર વાતચીત થઇ છે. આ પૂર્વે તેમણે 28 ફેબ્રુઆરી, 5 માર્ચ અને 10 માર્ચે ટેલિફોન પર વાતચીત પણ કરી હતી. આ ચર્ચાઓ મુખ્યત્વે પ્રાદેશિક સંઘર્ષો, દરિયાઈ સુરક્ષા અને ભારતીય જહાજો અને ટેન્કરોના સલામત માર્ગ પર કેન્દ્રિત હતી. આ વાટાઘાટો દરમિયાન, ઈરાની પક્ષે અમેરિકા અને ઈઝરાયલના કાર્યોને આક્રમકતા અને ગુનાહિત કૃત્યો તરીકે વર્ણવ્યા હતા. જ્યારે સાથે સાથે ઈરાનના સ્વ-બચાવના સ્વાભાવિક અધિકાર પર ભાર મૂક્યો હતો.તેમણે બ્રિક્સ જેવા બહુપક્ષીય મંચો - જેમ કે પ્રાદેશિક સ્થિરતા માટે તેમનો ટેકો વધારવા માટે અપીલ કરી હતી.