મુંબઈઃ ગત છઠ્ઠી માર્ચના રોજ પૂરા થયેલા સપ્તાહે દેશની કુલ વિદેશી હૂંડિયામણની અનામત આગલા સપ્તાહની સરખામણીમાં 11.68 અબજ ડૉલરના ગાબડાં સાથે 716.810 અબજ ડૉલરની સપાટીએ રહી હોવાનું રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ સાપ્તાહિક આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું. નોંધનીય બાબત એ છે કે આ પૂર્વેના સપ્તાહે અનામત 4.885 અબજ ડૉલર વધીને 728.494 અબજ ડૉલરની સપાટીએ રહી હતી.
સમીક્ષા હેઠળના સપ્તાહમાં દેશની કુલ અનામતોમાં મુખ્ય અથવા તો બહોળો હિસ્સો ધરાવતી વિદેશી ચલણી અસ્ક્યામતો 9.880 અબજ ડૉલરના ઘટાડા સાથે 563.245 અબજ ડૉલરના સ્તરે રહી હતી. અત્રે નોંધનીય બાબત એ છે કે વિદેશી ચલણી અસ્ક્યામતોમાં ડૉલર ઉપરાંત યુરો, પાઉન્ડ અને યેન જેવાં મુખ્ય ચલણો સામે સપ્તાહ દરમિયાન રૂપિયામાં થયેલી વધઘટને પણ ધ્યાનમાં લેવામાં આવતી હોય છે.
.વાસ્તવમાં જોઈએ તો સપ્તાહ દરમિયાન અમેરિકા-ઈરાન વચ્ચેના યુદ્ધને કારણે ક્રૂડતેલના ભાવમાં તેજી આવવાની સાથે ડૉલર ઈન્ડેક્સમાં પણ મજબૂત વલણ રહ્યું હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં રૂપિયો દબાણ હેઠળ આવ્યો હતો અને ગબડતા રૂપિયાને અંકુશમાં રાખવા રિઝર્વ બૅન્ક દ્વારા ડૉલરનું વેચાણ કરવામાં આવ્યું હોવાથી વિદેશી ચલણી અસ્ક્યામતોની અનામત દબાણ હેઠળ આવી હોવાનું એક વિશ્લેષકે જણાવ્યું હતું. જોકે, આઈડીએફસી ફર્સ્ટનાં ઈકોનોમિસ્ટ ગૌરા સેન ગુપ્તાના અંદાજ અનુસાર રિઝર્વ બૅન્કે 6.1 અબજ ડૉલરનું બજારમાં વેચાણ કર્યું છે અને અંદાજે 5.4 અબજ ડૉલરની વૅલ્યુએશન નુકસાની થઈ છે.
વધુમાં સપ્તાહ દરમિયાન દેશની સોનાની અનામત 1.612 અબજ ડૉલર ઘટીને 130.017 અબજ ડૉલર, ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથેના સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ 14.6 કરોડ ડૉલર ઘટીને 18.720 અબજ ડૉલર અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથેની અનામત 4.5 કરોડ ડૉલર ઘટીને 4.828 અબજ ડૉલરની સપાટીએ રહી હોવાનું રિઝર્વ બૅન્કે આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે.