નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં ગરમીએ લોકોના પરસેવા છોડાવી દીધા છે. તાપમાનનો પારો 46 ડિગ્રી સુધી પહોંચી જતા બપોરના સમયે દિલ્હીના રસ્તાઓ પર કુદરતી કર્ફ્યૂનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ મહારાષ્ટ્રના વિદર્ભમાં પારો 46 ડિગ્રીને પાર કરી ગયો હતો. અમરાવતીમાં પારો 46.8 ડિગ્રી તો વર્ધામાં 46.5 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. હવામાન વિભાગે વાતાવરણમાં આવેલા પલટાની ગંભીર નોંધ લઈને આગામી સમયમાં લૂ ફૂંકાવવાની ચેતવણી આપી છે. આ સાથે એવી પણ સ્પષ્ટતા કરી છે કે, આવનારા ત્રણ દિવસ સુધી ગરમી ઘટે એવી કોઈ શક્યતાઓ નથી.
ગરમીથી નહીં મળે રાહત
અમરાવતીમાં સૌથી વધારે તાપમાન 46.5 ડિગ્રી, અકોલામાં 46 ડિગ્રી, નાગપુરમાં 45.5, યવતમાલમાં 45.4, ચંદ્રપુરમાં 45.5, ગઢચિરોલીમાં 44 ડિગ્રી, ગોંદીયોમાં 43.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આઈએમડીના નાગપુર કેન્દ્રના વૈજ્ઞાનિક ડૉ.પ્રવીણ કુમારે જણાવ્યું હતું કે,આ વર્ષે નાગપુર સહિત વિદર્ભના ઘણા ભાગોમાં છેલ્લા સાતથી આઠ દિવસથી ભારે ગરમી પડી રહી છે.આગામી દિવસોમાં વિદર્ભના મોટાભાગના ભાગોમાં,જેમાં નાગપુર,વર્ધા,અકોલા,અમરાવતી અને યવતમાલનો સમાવેશ થાય છે, ગરમીથી કોઈ રાહત મળે તેવી શક્યતા નથી. પહેલાં,ગરમીની લહેર સામાન્ય રીતે થોડા દિવસો સુધી જ રહેતી હતી ત્યારબાદ લોકોને થોડીવારમાં રાહત મળતી હતી,જોકે આ વર્ષે, તાપમાન સતત 45 થી 46 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહ્યું છે,જે અત્યંત ચિંતાજનક છે.
Weather Update | મે મહિનાના અંતમાં પડશે અસહ્ય બફારો | Navtapa2026#HeatwaveAlert #Navtapa2026 #SuperElNino #GujaratWeather #MaharashtraWeather #Summer2026 #IMDPrediction #ExtremeWeather #WeatherUpdateGujarat #SunTransit #MumbaiSamachar pic.twitter.com/2ZZKd5j12k
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) May 19, 2026
ઓરેન્જ એલર્ટ
મહારાષ્ટ્રના ઘણા મહાનગર માટે હવામાન ખાતાએ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. માત્ર મહારાષ્ટ્ર જ નહીં રાજધાની દિલ્હીમાં સ્થિતિ એવી છે કે, જાણે દિલ્હી સિટી અગનભઠ્ઠી સમાન બની ગયું હોય. દિલ્હીના અનેક એવા વિસ્તારોમાં મંગળવારે સૌથી ગરમ દિવસ રહ્યો હતો. રિપોર્ટ અનુસાર દિલ્હીના રીજ વિસ્તારમાં 47 ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું હતું. મહારાષ્ટ્રના હવામાનની નોંધ લઈને નાગપુર કેન્દ્રના વૈજ્ઞાનિકે ઉમેર્યું હતું કે, લૂથી સંબંધીત બીમારીઓમાં વધારો થવાની શક્યતાઓ છે. હિટ સ્ટ્રોકનું જોખમ વધી શકે છે. આગામી ત્રણ દિવસ સુધી ગરમીમાંથી કોઈ રીતે રાહત મળવાની નથી.વધારે પડતી ગરમી માત્ર માણસોને જ નહીં, અન્ય જીવ, પશુપ્રાણી, પાણીમાં રહેતા જીવને પણ અસર કરી શકે છે. ખાસ કરીને ગરમીનો માહોલ આવનારા બેથી ત્રણ દિવસ સુધી યથાવત રહેશે. ખાસ કરીને સવારના 11 વાગ્યા બાદ બપોરનો સમય દરેક માટે આકરો બની રહ્યો છે.