નવી દિલ્હીઃ ગત સપ્તાહ દરમિયાન ભારે ચંચળતા વચ્ચે સ્થાનિક ઈક્વિટી માર્કેટ સાપ્તાહિક ધોરણે સાધારણ સુધારા સાથે બંધ રહેવામાં સફળ રહ્યા બાદ વર્તમાન સપ્તાહે ખાસ કરીને સ્થાનિક સ્તરે જાહેર થનારા ત્રીજા ત્રિમાસિકગાળાના જીડીપીના ડેટા, મંથલી એફ એન્ડ ઓ (ફ્યુચર ઍન્ડ ઓપ્શન)ની એક્સ્પાયરી તેમ જ વૈશ્વિક સ્તરે ખાસ કરીને ગત સપ્તાહના અંતે અમેરિકી સુપ્રીમ કોર્ટે ટ્રમ્પ ટૅરિફને ગેરકાયદેસરની ઠેરવ્યા બાદ અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ટેરિફ વધારાની જાહેરાત કરતાં તેની અસરોને ધ્યાનમાં લેતા વૈશ્વિક બજારોના વલણને આધારે સ્થાનિક બજારમાં પણ ચંચળતાનું વલણ જળવાઈ રહે તેવી શક્યતા બજાર વર્તુળો જોઈ રહ્યા છે. આ ઉપરાંત બજારની નજર વિદેશી રોકાણકારોની લે-વેચ, અમેરિકા-ઈરાન વચ્ચેની ન્યૂક્લિયર બાબતેની ડીલની પ્રગતિ અને ક્રૂડતેલના ભાવની વધઘટ પર પણ બજારની અસર જોવા મળશે.
એકંદરે આગામી 24 ફેબ્રુઆરીના રોજ એફ એન્ડ ઓની એક્સ્પાયરી છે અને 27મી ફેબ્રુઆરીના રોજ દેશનાં ત્રીજા ત્રિમાસિકગાળાના જીડીપીના ડેટાની, વિદેશી હૂંડિયામણની અનામતના ડેટાની અને વર્ષાનુવર્ષ ધોરણે ઈન્ફ્રાસ્ટ્રક્ચર આઉટપૂટના ડેટાની જાહેરાત થનાર હોવાથી બજારમાં ચંચળતાનું વલણ જળવાઈ રહે તેવી શક્યતા રેલિગેર બ્રોકિંગનાં રિસર્ચ વિભાગના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ અજિત મિશ્રાએ વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમેરિકી સુપ્રીમ કોર્ટે ટ્રમ્પ ટૅરિફને ગેરકાયદેસરની ઠેરવ્યા બાદ ટ્રમ્પે જાહેર કરેલા નવાં એક્ઝિક્યુટીવ ઓર્ડરના ટેરિફના માળખાની વૈશ્વિક સ્તરે વેપાર પર કેવી અસર થશે તેની આકારણી રોકાણકારો કરી રહ્યા છે. ગત શુક્રવારે સુપ્રીમ કોર્ટના ચુકાદા પશ્ચાત્ ટ્રમ્પે વિશ્વના તમામ દેશોથી થતી અમેરિકામાં આયાત સામે 150 દિવસ સુધી 10 ટકા ટૅરિફ લાદવાની જાહેરાત કર્યા બાદ 15 ટકા ટૅરિફની જાહેરાત કરતાં બજારમાં ફરી વખત વેપાર અંગેનો તણાવ સપાટી પર આવ્યો હોવાનું વિશ્લેષકો જણાવે છે.
ગત શુક્રવારે અમેરિકી સુપ્રીમ કોર્ટે ટ્રમ્પે ઈન્ટરનેશનલ ઈમર્જન્સી ઈકોનોમિક પાવર એક્ટ 199 હેઠળ લાદેલી ટૅરિફને ગેરકાયદેસરની ગણાવવાની સાથે સત્તાનો વધુ પડતો ઉપયોગ કર્યો હોવાનું જણાવ્યું હતું. વધુમાં જિઓજીત ઈન્વેસ્ટમેન્ટના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે સપ્તાહ દરમિયાન રોકાણકારોની મીટ અમેરિકા-ઈરાન વચ્ચેની ન્યૂક્લિયર ડીલની પ્રગતિ તેમ જ ક્રૂડ તેલના ભાવની વધઘટ પર ફેડરલ રિઝર્વ કેવી નાણાનીતિ અપનાવશે તેના સંકેતો અને સ્થાનિક સ્તરે જાહેર થનારા જીડીપીના ડેટા પર મંડાયેલી રહેશે.
તેમણે ઉમેર્યું હતું કે ગત સપ્તાહે સાવચેતી અને આશાવાદો વચ્ચે બજારમાં ભારે ચંચળતાનું વલણ જોવા મળ્યું હતું. તેમ છતાં બૅન્કિંગ, ફાઈનાન્સ, પાવર અને એફએમસીજી ક્ષેત્રના ચોક્કસ શૅરોમાં લેવાલીને ટેકે વૈશ્વિક અનિશ્ચિતતાની અસરો હળવી થઈ હતી. આથી ગત સપ્તાહે બૉમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શૅરનો બૅન્ચમાર્ક સેન્સેક્સ સાપ્તાહિક ધોરણે 0.22 ટકા અથવા તો 187.95 પૉઈન્ટના સુધારા સાથે અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો 50 શૅરનો બૅન્ચમાર્ક નિફ્ટી 0.39 ટકા અથવા તો 100.15 પૉઈન્ટના સુધારા સાથે બંધ રહ્યો હતો.
જોકે, એઆઈને કારણે વેપારો ખોરવાઈ જવાની અને માર્જિન દબાણ હેઠળ રહેવાની ભીતિને કારણે આઈટી શૅરો સપ્તાહ દરમિયાન દબાણ હેઠળ જ રહ્યા હોવાનું જણાવતા તેમણે ઉમેર્યું હતું કે પેક્સ સિલિકામાં ભારતનાં પ્રવેશ અને લાર્જકેપ, ચોક્કસ ક્ષેત્રના શૅરોમાં લેવાલીને ટેકે બજારમાં સાપ્તાહિક ધોરણે સુધારો જોવા મળ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું. એકંદરે વર્તમાન સ્થાનિક અને વૈશ્વિક જોખમી પરિબળોને ધ્યાનમાં લેતા આગામી ટૂંકા સમયગાળામાં બજાર રેન્જ બાઉન્ડ અર્થાત્ બેતરફી વધઘટે અથડાતી રહે તેવી શક્યતા વિશ્લેષકો વ્યક્ત કરી રહ્યા છે.