Sat Sep 12 2026

Logo

ક્રૂ ઓઈલના જહાજે અચાનક ચીનનો રૂટ પકડતા સરકારે કરી મહત્ત્વની સ્પષ્ટતા

2026-04-04 17:35:20
Author: Mumbai Samachar Team
ક્રૂ ઓઈલના જહાજે અચાનક ચીનનો રૂટ પકડતા સરકારે કરી મહત્ત્વની સ્પષ્ટતા

નવી દિલ્હીઃ ઈરાનથી આવતું જહાજ અચાનક ગુજરાતથી ચીન બાજુ જતા અનેક પ્રકારના સવાલની ચર્ચા થઈ રહી છે. આ વિષય પર હવે સરકારે સ્પષ્ટતા કરી છે કે, ક્રૂડ ઓઈલની આયાતને સુરક્ષિત કરવામાં ભારતને પેમેન્ટ સંબંધિત કોઈ મુશ્કેલીઓ નથી. ભારતમાં ક્રૂડ ઓઈલની આયાત સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, ઈરાની ક્રૂડ ઓઈલથી ભરેલું જહાજ જે પહેલા ભારત આવવાનું હતું એ હવે પેમેન્ટ સંબંધીત મુશ્કેલીઓને કારણે રૂટ બદલીને ચીન તરફ જઈ રહ્યું છે. 

પેમેન્ટ સંબંધી મુશ્કેલીઓ નથી
આ વિષય પર કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું હતું કે, ક્રૂડ ઓઈલની આયાતને સુરક્ષિત કરવામાં ભારતને પેમેન્ટ સંબંધી કોઈ મુશ્કેલીઓ નથી. ભારત માત્ર ઈરાન પાસેથી જ નહીં 40થી વધારે દેશમાંથી ક્રૂડ ઓઈલનો સ્ટોક મંગાવે છે. કંપનીઓે પણ જુદા-જુદા દેશમાંથી ક્રૂડ ખરીદવાની સંપૂર્ણ આઝાદી આપવામાં આવી છે. રિપોર્ટમાં કરવામાં આવેલો દાવો ફગાવી દેવામાં આવ્યો હતો. મંત્રાલય તરફથી સ્પષ્ટતા કરવામાં આવી કે,રિપોર્ટમાં એ વાતને ધ્યાન ન લેવામાં આવી કે, ક્રૂડ ઓઈલનો બિઝનેસ કેવી રીતે કામ કરી રહ્યો છે. બિલ ઓફ લેન્ડિગમાં સામાન્ય રીતે શિપમાંથી સામાન ઊતારવા માટે સંભવિત પોર્ટના નામ લખ્યા હોય છે. સમુદ્રમાં ચાલી રહેલા કાર્ગો શિપ બિઝનેસને વધારે શ્રેષ્ઠ બનાવવા માટે ઑપરેશનલ ફ્રિડમના આધારે પોતાના રૂટ બદલે છે.  

આયાત સુરક્ષિત છે
મિડલ ઈસ્ટમાં સ્થિતિ તણાવગ્રસ્ત હોવા છતા ભારતે ઈરાન સહિત પોતાની ક્રૂડ ઓઈલની જરૂરિયાત પૂરી કરી રહ્યો છે. અનેક એવા રિપોર્ટમાં પેમેન્ટ સંબંધી મુશ્કેલીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પણ એ દાવો ખોટો છે. આવનારા દિવસોમાં પણ ક્રૂડ ઓઈલની આયાત સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. LPG ગેસને લઈને હજુ પણ દેશમાં ઘણી અફવા ચાલી રહી છે. સીબર્ડ નામનું જહાજ LPG ગેસ લઈને ભારતના મેંગ્લુરૂ પોર્ટ પર આવી પહોંચ્યું હતું. હાલમાં અનલોડિંગની પ્રક્રિયા ચાલી રહી છે પછી વિતરણ કરાશે. 

રૂટ બદલવો અસામાન્ય નહીં
ઈરાનમાંથી ભારતને સારૂ એવું ક્રૂડ ઓઈલ મળી રહે છે. રૂટ બદલવો એ કોઈ અસામાન્ય ઘટના નથી.મંત્રાલય તરફથી આ પહેલા પણ એવું કહેવામાં આવ્યું હતું કે ક્રૂડ ઓઈલની આયાત સુરક્ષિત છે. આ પહેલા પણ ભારત આવતા જહાજ હોર્મુઝ ક્રીકમાંથી પસાર થઈ ચૂક્યા છે. સ્થિતિને સામાન્ય કરવા માટે દેશમાં અનેક પ્રકારના પ્રયાસ થઈ રહ્યા છે. મોટી સંખ્યામાં ગેસની માત્રાનો ઉપયોગ થતો હોવાને કારણે એક સાથે અનેક મોરચે સપ્લાય ચેઈન ખોરવાતા આ મુશ્કેલી ઊભી થઈ હતી. સરકાર ધીમે ધીમે તમામ તબક્કે ગેસ મળી રહે એવા પ્રયાસ કરી રહી છે.