Wed Jun 10 2026

Logo

અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધના એંધાણ: ભારત સરકારે નાગરિકોને તહેરાન છોડવા કરી અપીલ

2026-02-23 15:38:00
Author: Kshitij Nayak
Article Image

ઈરાનમાં વસતા ભારતીયો માટે એમ્બેસીની કડક સૂચના, હેલ્પલાઈન નંબર જાહેર અને દસ્તાવેજો તૈયાર રાખવા અપીલ

તહેરાન/નવી દિલ્હીઃ અમેરિકા અને ઈરાનની વચ્ચે સબ સલામત નથી. હવે યુદ્ધ પણ ગમે તે ઘડીએ થઈ શકે એવા વર્તારા વચ્ચે તહેરાન સ્થિત ભારતીય દૂતાવાસે પોતાના નાગરિકો માટે તાત્કાલિક ઈરાન છોડવાનો અનુરોધ કર્યો છે. આજે જારી કરેલી એડવાઈઝરીમાં જણાવ્યું છે કે ગમે તેમ રીતે ઈરાન છોડી દેવાનું સલામત રહેશે. આ એડવાઈઝરીને કારણે ઈરાન અને અમેરિકા વચ્ચે ઘર્ષણ ઊભો થઈ શકે એ નિશ્ચિત છે.

જે કોઈ વ્યવસ્થા ઉપલબ્ધ હોય તો ઈરાન છોડો

ભારતીય દૂતાવાસે જારી કરેલી ચેતવણીમાં જણાવ્યું છે કે ભારત સરકાર દ્વારા પાંચમી જાન્યુઆરી 2026ના જારી કરેલી એડવાઈઝરીમાં વર્તમાન સંજોગોને જોતા હાલમાં ઈરાનમાં વસતા ભારતીય નાગરિકો (વિદ્યાર્થી, પર્યટકો, વેપારી સહિત અન્ય લોકો)ને જે કોઈ વ્યવસ્થા ઉપલબ્ધ થાય તેના મારફત ઈરાન છોડી દેવાની સલાહ આપવામાં આવી છે. 

હેલ્પાઈન નંબર અને ઈમેલ જારી

ભારતીય દૂતાવાસ વતીથી હેલ્પલાઈન નંબર અને ઈમેલ પણ જારી કરવામાં આવ્યા છે. +989128109115; +989128109109; +989128109102; +989932179359 છે. આ ઉપરાંત, કોઈ ભારતીય નાગરિક ઈ-મેઇલ cons.tehran@mea.gov.in મારફત સંપર્ક કરી શકે છે. દૂતાવાસે જણાવ્યું છે કે ઈરાનમાં ઊભી થયેલી પરિસ્થિતિ વચ્ચે ઈરાનમાં વસેલા તમામ ભારતીય નાગરિકો દૂતાવાસ ખાતે તેમનું રજિસ્ટ્રેશન પણ કરાવી શકે છે. https://www.meaers.com/request/home આ વેબસાઈટ પરથી રજિસ્ટ્રેશન કરાવી શકો છો.  જો ઈરાનમાં ઈન્ટરનેટની મુશ્કેલી ઊભી થાય તો તમારા પરિવારની કોઈ પણ વ્યક્તિ મારફત રજિસ્ટ્રેશન કરાવી શકો છો.

તમામ ભારતીયો સાવધાન રહે

14 જાન્યુઆરી, 2026ના જારી કરેલી એડવાઈઝરીનું પુનરાવર્તન કરતા કહ્યું છે કે તમામ ભારતીય નાગરિકો અને પીઆઈઓ (ભારતીય મૂળની વ્યક્તિ) પણ સાવધાની રાખે. વિરોધ પ્રદર્શન અથવા પ્રદર્શન કરનારા સ્થળેથી દૂર રહો. ઈરાનમાં ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહેવાનો પ્રયાસ કરી રાખો તેમ જ સ્થાનિક હાલત પર પણ નજર રાખો. ઈરાનમાં વસેલા તમામ ભારતીય નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે પોતાની યાત્રા, વિઝાના દસ્તાવેજો, જેમાં પાસપોર્ટ અને તમારા આઈડીનો સમાવેશ થાય તેને તૈયાર રાખવામાં આવે. આ સંબંધમાં જો કોઈ મદદની જરુરિયાત ઊભી થાય તો તાત્કાલિક ભારતીય દૂતાવાસનો સંપર્ક કરો.

ઈરાન અને અમેરિકા વચ્ચે ઘર્ષણ કેમ?

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનના પરમાણુ કાર્યક્રમથી પરેશાન છે. અમેરિકા ઈચ્છતું નથી કે ઈરાન પરમાણુ સંપન્ન બને, તેથી વારંવાર અમેરિકા ઈરાનને પરેશાન કરે છે. ઈરાનને પરમાણુ શસ્ત્રો વિનાનું બનાવવા માગતા ટ્રમ્પ ઈચ્છે છે કે ઈરાન યુરેનિયમ સંવર્ધન બંધ કરી નાખે. બેલાસ્ટિક મિસાઈલ કાર્યક્રમ મર્યાદિત કરે અને પ્રોક્સી મિલિશિયા (જેમ હિઝબુલ્લાહ)ને સમર્થન આપવાનું પણ બંધ કરે, પરંતુ આ બધી માગણીઓ સામે ઈરાન ઝૂકવા તૈયાર નથી. બીજી બાજુ ટ્રમ્પ પ્રશાસન પણ આ જ મુદ્દે શક્ય એટલું પ્રેશર કરી રહ્યા છે. ઈરાન-અમેરિકાના વધતા સંઘર્ષને કારણે ઓઈલના ભાવમાં વધારાની સાથે ક્ષેત્રીય અસ્થિરતાનું પણ નિર્માણ થશે. 

ઈરાનમાં કેટલા ભારતીય વસે છે?

ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોને તાત્કાલિક ઈરાન છોડવાની અપીલ કરી છે, જેમાં જણાવ્યું છે કે સુરક્ષિત ભારત પરત ફરવાના વિકલ્પો વિચારી રહ્યા છે. જોકે, અમેરિકા સાથે તંગ સંબંધો વચ્ચે ઈરાનમાં કેટલા ભારતીય વસતા હશે. એક અંદાજ મુજબ ઈરાનમાં 9,000થી 10,000 લોકો છે. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ છે, જે જાણીતી યુનિવર્સિટીમાં મેડિકલ અને એન્જિનિયિંરગના અભ્યાસ કર્યો છે. એના સિવાય વેપારી વર્ગની સાથે પોર્ટમાં કામ કરનારા લોકોનો પણ સમાવેશ થાય છે. 

યુદ્ધ જેવા સંજોગોમાં તમામ લોકોને ભારત પાછા લાવવા એ પણ સરકાર માટે પડકાર છે. ઈરાનથી ભારત પરત ફરવા માટે ડાયરેક્ટ ફ્લાઈટ સિવાય કનેક્ટિંગ ફ્લાઈટ્સ (દુબઈ, મસ્કત, દોહા) મારફત પહોંચી શકે છે. એર સિવાય સી રુટ્સ/શિપ મારફત પહોંચી શકે છે. જો એરસ્પેસ બંધ કરવામાં આવે તો દરિયાઈ માર્ગે ભારત પરત ફરી શકે છે. ઈરાનના જાણીતા અબ્બાસ પોર્ટ અથવા ચાબહાર પોર્ટ પરથી નૌકાદળની મદદથી પાછા આવી શકે.