Sat Aug 29 2026

Logo

સતત બીજા વર્ષે એક અબજ ટન કોલસાના ઉત્પાદનનો આંક હાંસલ કરતું ભારત

2026-03-21 19:11:26
Author: Ramesh Gohil
સતત બીજા વર્ષે એક અબજ ટન કોલસાના ઉત્પાદનનો આંક હાંસલ કરતું ભારત

નવી દિલ્હીઃ પશ્ચિમ એશિયાની કટોકટીને પગલે હાલમાં ઈંધણની વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા પ્રવર્તી રહી હોવા છતાં ભારતે સતત બીજા વર્ષે એક અબજ ટન કોલસાના ઉત્પાદનનો આંક હાંસલ કર્યો છે. 
કોલસા મંત્રાલયે એક યાદીમાં જણાવ્યું હતું કે કોલસાના ક્ષેત્રમાં સતત અને સંકલિત પ્રયાસો તથા તમામ હિસ્સેધારકોના અમુલ્ય યોગદાન થકી દેશે સતત બીજા વર્ષે ગત 20મી માર્ચ, 2026ના રોજ એક અબજ ટન કોલસાના ઉત્પાદનનો સિમાચિહ્નરૂપ આંક સફળતાપૂર્વક હાંસલ કર્યો છે. 

એકંદરે દેશમાં કોલસાની ઉત્પાદન વૃદ્ધિ અને તેમાં સાતત્યપણું દેશની ઊર્જાની આવશ્યક માગ સંતોષવામાં અને પાવર ક્ષેત્રમાં ખાસ કરીને કોલસા આધારિત થર્મલ એકમોને કોલસાનો સ્ટોક જાળવી રાખવામાં મદદરૂપ થાય છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. 

કોલસા ક્ષેત્રની આ આકર્ષક કામગીરી મજબૂત યોજના અને તેનું અસરકારક અમલીકરણ તથા સમગ્ર કોલસા ક્ષેત્રની વૅલ્યુ ચેઈન સાથેના સંકલનનો નિર્દેશ આપવાની સાથે દેશની આર્થિક વૃદ્ધિમાં પણ નોંધપાત્ર પ્રદાન આપે છે. વધુમાં કોલસા મંત્રાલય સ્થિર, પારદર્શક અને કામગીરીલક્ષી આર્થિક યંત્રણા પર નિશ્ચિતપણે ધ્યાન કેન્દ્રિત કરે છે. ખાસ કરીને સક્રિય નીતિગત પગલાં રજૂ કરીને હિસ્સેધારકો સાથે સક્રિયપણે જોડાઈને તે કોલસાની ઉપલબ્ધતા અને તમામ ક્ષેત્રે સરળ કામગીરી સુનિશ્ચિત કરે છે, એમ યાદીમાં ઉમેર્યું હતું.