Mon Aug 17 2026

Logo

આઈઆઈટી પવઈમાં પરીક્ષામાં મોડિફાઈડ ઈલેક્ટ્રોનિક ડિવાઈસ સાથે ચાર પકડાયા

2026-08-10 18:46:00
Author: Yogesh C. Patel
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
પવઈમાં આઈઆઈટી બૉમ્બેના કૅમ્પસમાં આયોજિત ગ્રૂપ-ડી મલ્ટિ-ટાસ્કિંગ સ્ટાફ ભરતી માટેની પરીક્ષામાં ચાર ઉમેદવાર મોડિફાઈડ મોબાઈલ કમ્યુનિકેશન ડિવાઈડસ સાથે પકડાયા હતા. ચારેય જણ વિરુદ્ધ પવઈ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

કેન્દ્રીય વિદ્યાલય, આઈઆઈટી પવઈના પ્રિન્સિપાલે નોંધાવેલી ફરિયાદને આધારે પવઈ પોલીસ સ્ટેશનમાં રવિવારની રાતે દેવેન્દ્ર સિંહ, ભૂપ સિંહ, રવિ અને રવીન્દ્ર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 3(5), 318(4), 61(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ચારેય જણ હરિયાણાના રહેવાસી છે. આ ચીટિંગમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તેની પોલીસ તપાસ કરી રહી છે.

પોલીસ ફરિયાદ અનુસાર રવિવારે આઈઆઈટી કૅમ્પસમાં ગ્રૂપ-ડી (પ્યૂન)ની ભરતી માટે પરીક્ષા હતી. 324 ઉમેદવાર પરીક્ષા આપવાના હોવાથી 14 રૂમમાં પરીક્ષા સંબંધી સગવડ કરાઈ હતી. સવારે 9થી 10.30 વાગ્યા દરમિયાન પરીક્ષા હતી. દરેક રૂમમાં 24 ઉમેદવાર માટે બેઠક વ્યવસ્થા હતી, જ્યારે બબ્બે સુપરવાઈઝર નિમાયા હતા. એ સિવાય બધી રૂમમાં નેટવર્ક જૅમર લગાવવામાં આવ્યાં હતાં.

ફરિયાદીની સંપૂર્ણ દેખરેખ હેઠળ પરીક્ષા થઈ હતી અને દરેક ઉમેદવારની સિક્યોરિટી તપાસ પણ કરાઈ હતી. જોકે રૂમ નંબર-69ના સુપરવાઈઝરને એક ઉમેદવારનું વર્તન શંકાસ્પદ જણાયું હતું. તપાસ દરમિયાન ઉમેદવાની પૅન્ટના ખીસામાં કંઈ હોવાનું જણાયું હતું. જોકે પકડાઈ જવાને ડરે ઉમેદવાર રૂમ બહાર દોડ્યો હતો. સુપરવાઈઝરે બૂમાબૂમ કરતાં સિક્યોરિટી ગાર્ડે તેને પકડી પાડ્યો હતો. એ ઉમેદવારના ખીસામાંથી ડિવાઈસ મળી આવ્યું હતું. બાદમાં બધા ઉમેદવારોની તપાસ કરતાં અન્ય ત્રણ પાસેથી પણ આવાં જ ડિવાઈસ મળી આવ્યાં હતાં. આ અંગે ફરિયાદીએ પવઈ પોલીસનો સંપર્ક સાધ્યો હતો.