Tue Oct 06 2026

Logo

આસામમાં વાયુસેનાનું AN-32 એરક્રાફ્ટ લેન્ડિંગ વખતે ક્રેશ: 5 જવાન શહીદ, ભારતીય વાયુસેનાએ કરી પોસ્ટ

2026-06-13 16:30:00
Author: Vimal Prajapati
આસામમાં વાયુસેનાનું AN-32 એરક્રાફ્ટ લેન્ડિંગ વખતે ક્રેશ: 5 જવાન શહીદ, ભારતીય વાયુસેનાએ કરી પોસ્ટ

આસામઃ દેશમાં આજે એક મોટી અને દુઃખદ વિમાન દુર્ઘટના સામે આવી છે. આસામના જોરહાટ એરબેઝ પર ભારતીય વાયુસેનાનું એક AN-32 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ લેન્ડિંગ કરતી વખતે અકસ્માતનો ભોગ બન્યું છે. એરક્રાફ્ટ રનવે પરથી સરકીને ક્રેશ થયું હતું અને તેમાં જોરદાર વિસ્ફોટ સાથે ભીષણ આગ લાગી ગઈ હતી. આ દર્દનાક અકસ્માતમાં વાયુસેનાના 5 બહાદુર જવાનો શહીદ થયા છે, જ્યારે એક કો-પાયલોટ ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેઓ હાલ સારવાર હેઠળ છે.

આ પાંચ જવાનો શહીદ થયાં

વાયુસેના દ્વારા એક્સ પર પોસ્ટ કરીને સત્તાવાર માહિતી આપવામાં આવી છે. આ માહિતી પ્રમાણે શહીદ થયેલા વીર જવાનોમાં બે અગ્નિવીર જવાન પણ સામેલ છે. શહીદોના નામની વાત કરવામાં આવે તો, સ્કવોડ્રન લીડર પ્રશાંત સિંહ, ફ્લાઇટ લેફ્ટનન્ટ શુભમ કુમાર, સાર્જન્ટ જિતેન્દ્ર શર્મા, અગ્નિવીર વાયુ ખેમારામ કુમાવત અને અગ્નિવીર વાયુ દાનિશ આલમનું નામ પ્રકાશમાં આવ્યું છે. 

ટેકનિકલ ખામી બાદ પરત ફરી રહ્યું હતું વિમાન

ભારતીય વાયુસેનાએ આ દુર્ઘટનાની પુષ્ટિ કરી છે. મળતી માહિતી મુજબ, આ એરક્રાફ્ટ નિયમિત ફ્લાઇટ પર હતું. ઉડાન ભર્યાની થોડી જ વારમાં તેમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે પાયલોટે તેને પરત જોરહાટ એરબેઝ પર લેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ લેન્ડિંગ દરમિયાન વિમાન રનવે પરથી ઉતરી ગયું અને તેના બે ટુકડા થઈ ગયા. આગ એટલી ભીષણ હતી કે તેના કાળા ધુમાડાથી આખું આકાશ ભરાઈ ગયું હતું. વાયુસેનાએ અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસના આદેશ આપી દીધા છે.

અસમનો ભૌગોલિક વિસ્તાર અને ત્યાંનું બદલાતું હવામાન વિમાન ઉડ્ડયન માટે હંમેશા પડકારજનક રહ્યું છે. આ અગાઉ અસમમાં ભારતીય વાયુસેનાનું સુખોઈ-30MKI (Sukhoi-30MKI) લડાયક વિમાન પણ ક્રેશ થયું હતું. તે વિમાને પણ જોરહાટ એરબેઝ પરથી જ ઉડાન ભરી હતી અને એરબેઝથી લગભગ 60 કિલોમીટર દૂર કાર્બી આંગલોંગ જિલ્લાની પહાડીઓમાં તે ક્રેશ થયું હતું, જેમાં બંને પાયલોટે જીવ ગુમાવ્યા હતા.