Mon Jul 06 2026

Logo

શિવ રહસ્યઃ માતાને પુન:જીવિત કરવા આવ્યો છું, તમારે એને જીવિત કરવી પડશે

2026-06-29 07:47:00
Author: Bharat Patel
Article Image

ભરત પટેલ

દેવર્ષિ નારદ કૈલાસ પહોંચે છે અને ભગવાન શિવને જણાવે છે કે અરુણાસુરે પંચતત્ત્વ દેવતાઓ, દેવગુરુ બૃહસ્પતિ અને કામધેનુને બંદી બનાવ્યા છે, તે કહે છે કે પશુપતિનાથને કહો કે મારી મૃત માતાને જીવિત કરી આપો હું દેવતાઓને છોડી દઈશ. આટલું સાંભળતાં જ માતા પાર્વતી માતા કામધેનુની સુરક્ષા માટે પોતે તૈયાર થતાં ભગવાન શિવ કહે છે, ‘ધીરજ ધરો પાર્વતી, હું તમને વચન આપું છું કે કામધેનુની સુરક્ષા હું પોતે સ્વયં કરીશ.’ 

અરુણાસુરનું લક્ષ્ય તો પોતાની માતાને જીવંત કરવાનું હતું, તેણે સમગ્ર દેવતા સહિત કામધેનુને બંદી બનાવી લીધા હોવા છતાંય ભગવાન શિવ કે માતા પાર્વતી તેમને છોડાવવા આવ્યા નહીં. કંટાળેલો અરુણાસુર અંતે માતા કામધેનુની હત્યા કરવા તૈયાર થયો. એ જ સમયે ભગવાન શિવ ત્યાં પ્રગટ થાય છે અને કહે છે, ‘હું આવ્યો છું દેવતાઓ અને પશુઓની માતાની રક્ષા કરવા, નહીં કે તમારી માતાને પ્રાણજીવન આપવા. જન્મ અને મૃત્યુ તો કાળનો ક્રમ છે, તે અવિરત ચાલુ રહે છે. મુક્ત કરી દો કામધેનુ અને મુક્ત કરી દો દેવતાઓને.’ 

આટલું સાંભળતાં ચતુર અરુણાસુરે પશુઓ, કામધેનુ અને દેવતાઓને મુક્ત કરી દીધા અને કહ્યું, ‘તમારા કહેવાથી મેં બધાને મુક્ત કરી દીધા, હવે તમે મારી મા મને પાછી આપો.’ ભગવાન શિવ તેને સમજાવતાં કહે છે, ‘યાદ રાખો અરુણાસુર! આ પશુ મારા નથી જેમ તમારી માતા તમારી નથી. તમારી માતાના અંતિમ સંસ્કાર કરી તેમને મુક્ત કરી આસક્તિ બંધ કરો.’ અરુણાસુર કહે છે, ‘હું તમારી જેમ મહાન નથી કે જેણે પોતાના પુત્રનું શિષ જ કાપી નાંખ્યું. 

મુક્તિ આપી દેવી જોઈતી હતી તેને, પણ તમે તેને નવજીવન આપ્યું. સંસારને વિપરીત જ્ઞાન આપી રહ્યા છો, અર્થાત્ તમારા પ્રિયજનોને પુન:જીવિત કરવા ઉચિત છે અને હું મારી માતા પુન:જીવિત કરવા ઈચ્છુ એ માનસિક વિકૃતિ? ફરી ભગવાન શિવ સમજાવતાં કહે છે, ‘અરુણાસુર પ્રશ્ર્ન નિયંત્રણનો નથી તમારા અહંકારનો છે, અને અહંકારી માનવ ક્યારેય અજ્ઞાનના અંધકારથી ક્યારેય મુક્ત થતો નથી. પ્રકૃતિ ક્યારેય એ નથી જોતી કે કોણે શું મેળવ્યું અને કોણે શું ખોયું. વિચાર કરી જુઓ અરુણાસુર કે તમે તમારી માતાને ફરી પુન:જીવિત કરી પિતા કરતાં વધુ કષ્ટ આપવા તો નથી માંગતા ને?
*
ભગવાન શિવના પ્રશ્ર્નનો ઉત્તર ન આપી શકનારો અરુણાસુર મૌન થઈ ગયો. ભગવાન શિવ અને માતા પાર્વતી બંદીવાન પંચતત્વ દેવતાઓ, દેવરાજ ઈન્દ્ર, દેવગુરુ બૃહસ્પતિ અને માતા કામધેનુને લઈ ત્યાંથી વિદાય લે છે. અરુણાસુર તેમને અટકાવવાની કોશિષ પણ કરતો નથી. એ પોતાની માતાને કઈ રીતે ફરી જીવીત કરવી એના વિચારમાં ગરકાવ થઈ જાય છે.
*
બંદી પંચતત્ત્વ દેવતાઓ, દેવરાજ ઈન્દ્ર, દેવગુરુ બૃહસ્પતિ અને માતા કામધેનુ ભગવાન શિવ સાથે કૈલાસ પધારતા શિવગણો માતા પાર્વતી અને ભગવાન શિવનો જયજયકાર કરે છે. 

એ જ સમયે દેવર્ષિ નારદ, બ્રહ્માજી, માતા સરસ્વતી, માતા લક્ષ્મી અને ભગવાન શ્રીહરિ વિષ્ણુ ત્યાં પધારે છે.
માતા પાર્વતી: ‘બ્રહ્માજી, દેવી સરસ્વતી, દેવી લક્ષ્મી, શ્રીહરિ વિષ્ણુ અને સમગ્ર દેવોનું કૈલાસ ખાતે સ્વાગત છે.’

બ્રહ્માજી: ‘(ભગવાન શિવને) તમારા દ્વારા દેવગુરુ અને દેવતાઓને ફરીવાર ઉગારવા બદલ હું તમારો આભાર માનું છું.’
ભગવાન શિવ: ‘સૃષ્ટિના સંચાલનમાં ક્યારેય કોઈ અસુર અડચણ લાવશે તો દેવતાઓને ઉગારવા હું, પાર્વતી અને શ્રીહરિ વિષ્ણુ હંમેશાં તત્પર રહીશું.’

દેવરાજ ઈન્દ્ર: ‘પ્રભુ તમારી કૃપાથી ફરી દેવગણોને સ્વર્ગલોકની પ્રાપ્તિ થશે એ બદલ હું પણ તમારો આભાર માનું છું. માતા આજે કૈલાસ ખાતે સમગ્ર શિવગણો અને દેવગણો ઉપસ્થિત છે, શિવગણોને તો તમારી આશીર્વાદરૂપી ખીર હંમેશાં ઉપલબ્ધ થતી હોય છે. શું એ આશીવાદરૂપી ખીરનો રસાસ્વાદ અમને દેવગણોને ઉપલબ્ધ થઈ શકશે?’

માતા પાર્વતી: ‘અવશ્ય દેવરાજ! શિવગણોની સાથે સાથે દેવગણો પણ મારા પ્રિય છે, તમારી ઇચ્છા જરૂર પૂરી થશે.’

માતા પાર્વતીને માતા સરસ્વતી અને માતા લક્ષ્મી ખીર બનાવવા સહાય કરે છે. ઉત્તમ ખીર તૈયાર થતાં જ સમગ્ર દેવગણ ખીર આરોગે છે અને ધન્યતા અનુભવે છે. કૈલાસ ખાતે ઉત્સવ જેવું વાતાવરણ થઈ જાય છે. શિવગણો અને દેવગણો નૃત્ય કરી ઉત્સવ ઉજવે છે.

દેવર્ષિ નારદ: ‘પ્રભુ તમારી મધ્યસ્થિથી સમગ્ર સંસારના પ્રાણીઓનો છુટકારો થયો અને હવે તેઓ માનભેર જીવન જીવી શકશે.’

ઐરાવત: ‘પ્રભુ! અમને જ્યારે મુક્ત કરવામાં આવ્યા ત્યારે અરુણાસુરે કહ્યું કે હું તમને મુક્ત કરું છે, કેમ કે ભગવાન શિવે મારી માતાને પુન:જીવિત કરવાનું વચન આપ્યું છે, પણ તમે અરુણાસુરની માતાને પુન:જીવિત કરી નથી તો હવે શું એ શાંત બેસશે?’

ભગવાન શિવ: ‘નહિ, એ શાંત નહીં બેસે, પણ એ એના અંત તરફ આગળ વધશે. દેવતાઓ તમે તમારા લોક તરફ પ્રયાણ કરો અને ભક્તિનો પ્રચાર-પ્રસાર કરી અંધશ્રદ્ધા અને અભક્તિનો નાશ કરો. સંસારમાં માનવો અને પશુઓને અન્યાય ન થાય એની તકેદારી રાખો.’

ભગવાન શિવના આશીર્વાદ લઈ  દેવતાગણ પોતપોતાના લોક તરફ પ્રયાણ કરે છે.
 
અરુણાસુર: ‘સૈનિકો, આ અન્યાય છે, પોતાના પુત્ર અને દેવતાઓને પુન:જીવિત કરવા અને મારી માતાને નહીં. ભગવાન શિવ દ્વારા થયેલા અન્યાયનો હું વિરોધ કરું છું. જે પ્રકૃતિના સ્વામી બનીને ભગવાન શિવ આવી વાતો કરી રહ્યા છે એ પ્રકૃતિ અને નિયતિને જ હું મારી દાસી બનાવીશ અને મારી માતાને પુન:જીવિત કરીશ. એ પહેલાં હું મારી માતાનું જીવન સમાપ્ત કરનાર યમરાજને દંડીત કરીશ, ત્યારબાદ પ્રકૃતિને મારી દાસી બનાવીશ.’

અરુણાસુર પોતાની યુક્તિને સાકાર કરવા યમલોક પહોંચે છે, યમલોકના દ્વારપાલ ચંડ અને પ્રચંડ તેને કહે છે, ‘હે માનવ તું કોણ છે અહીં શું કરે છે, તને અહીં કોણ લાવ્યું? શું તારી જીવાદોરી સમાપ્ત થઇ ગઈ છે?’

અરુણાસુર: ‘હું અરુણાસુર! મારી માતાને યમપાશથી લઈ જનારા યમદેવને હું દંડીત કરવા આવ્યો છું, તેને દંડીત કરી મારી માતાને ફરી લઈ જઈશ.’

ચંડ: ‘હું તને એટલું અવશ્ય કહીશ કે આ યમલોક છે અહીંથી પરત કોઈ જતું નથી, તમારી માતાનું આયુષ્ય પૂર્ણ થયું હશે તો જ યમદૂત તેમનો આત્મા અહીં લાવ્યા હોઈ શકે.’

અરુણાસુર: ‘નહીં હું મારી માતાનો આત્મા અવશ્ય લઈ જઇશ.’

દ્વારપાલ ચંડ અને પ્રચંડ અરુણાસુરની વાત નહીં માનતા અરુણાસુરે તેમને ચેતવણી આપી, દ્વારપાલ ચંડ અને પ્રચંડ અરુણાસુર સાથે યુદ્ધ કરવા માંડયા. યુદ્ધનો અવાજ સાંભળી યમદેવ બહાર આવ્યા.

યમદેવ: ‘હે અરુણાસુર, નિયતીના ક્રમ મુજબ જ અહીં કાર્ય ચાલી રહ્યું છે, તારી માતાનું આયુષ્ય પૂર્ણ થઈ ગયું છે, હવે તેમને ફરી જીવિત નહીં કરી શકાય. તું અહીંથી ચાલ્યો જા.’

અરુણાસુર: ‘યમદેવ હું તમને વિનંતી કહો તો વિનંતી અથવા ચેતવણી કહો તો ચેતવણી આપું છું, હું મારી માતાને પુન:જીવિત કરવા અહીં આવ્યો છું, તમારે એને ફરી જીવિત કરવી જ પડશે.’

યમદેવ: ‘આ અશક્ય છે, નિયતીના ચોપડા મુજબ જ અમે તારી માતાને અહીં લાવ્યા છીએ.’

યમદેવ અરુણાસુરની વાત નહીં માનતા અરુણાસુર યમદેવ પર આક્રમણ કરે છે.

અરુણાસુરને બ્રહ્માજીનું વરદાન હોવાથી યુદ્ધમાં અરુણાસુર યમરાજ પર પ્રભુત્વ મેળવવા માંડે છે. યમરાજના બધા શસ્ત્રો નિષ્ફળ થાય છે.
*
બીજી તરફ કૈલાસ ખાતે કુમાર કાર્તિકેય ભગવાન શિવ પાસે આવે છે.

કુમાર કાર્તિકેય: ‘પિતાશ્રી આ અરુણાસુર યમરાજ પાસે પહોંચી ગયો છે તેમની સાથે યુદ્ધ કરી રહ્યો છે. યમરાજના બધા શસ્ત્રો નિષ્ફળ થઈ રહ્યા છે. શું મારે તેમની સહાયઅર્થે જવું જોઈએ.’

ભગવાન શિવ: ‘કુમાર કાર્તિકેય તમે દેવસેનાના સેનાપતિ છો, સત્યથી ચાલનારાને સહાયતા કરવી તમારી જવાબદારી છે પણ... તમારે આ યુદ્ધમાં અવશ્ય ધ્યાન રાખવું પડશે કે તમે અહીં યોદ્ધા છો, નહીં કે કોઈના પુત્ર, નહીં કે કોઈના પિતા, નહીં કે કોઈના પતિ, એક યોદ્ધા તરીકે બુદ્ધિપૂર્વક આ યુદ્ધમાં ઉતરવું પડશે. આ યુદ્ધ લડવા માટે યુદ્ધ કૌશલ્ય તો આવશ્યક છે, પણ બુદ્ધિ કૌશલ્ય પણ તેથી વધુ આવશ્યક છે. તમારે આ યુદ્ધ કોઈ દયાભાવના કે સંવેદનશીલતાને છોડીને લડવું પડશે. કુમાર કાર્તિકેય તમને હું ફરી વખત કહું છું કે આ યુદ્ધ યુદ્ધ કૌશલ્યથી નહીં બુદ્ધિ કૌશલ્યથી લડવું રહ્યું.’  (ક્રમશ:)