Sat Aug 15 2026

Logo

હું, સોનલ ઝવેરીઃ પ્રકરણ - 23

2026-08-01 09:48:00
Author: Maavji Maheshwari
Article Image

 

માવજી મહેશ્વરી


અરે હું બેઠો છું ત્યાં સુધી તારે કોઈ ચિંતા કરવાની નથી... અને તારે તારા ભવિષ્યની ચિંતા થતી હોય તો તને જે જોઈએ જેટલું જોઈએ તે હકથી લઈ લેજે બસ.!

`એ રાતે મને ઊંઘ આવતી ન હતી. 

મને પરણાવી દેવાની મમ્મીની ઉતાવળ, મારા ભાઈનું બદલાયેલું વર્તન. આ રીતે બધાનું અહીં ખંડાલા આવવું. મમ્મીની છોકરાને જોવા જવાની વાત. મારા ભાઈનું સાથે આવવું. આ બધી ઘટનાઓ એકાએક બની નહોતી. માં મન કહેતું હતું કે એ યુક્તિપૂર્વક ગોઠવાયેલું હતું. ભલું હશે તો મમ્મી જે છોકરાની વાત કરી હતી તે પણ તેમની યુક્તિનો એક ભાગ હશે. જેમ જેમ હું વિચારતી ગઈ તેમ તેમ રહસ્યો ખૂલવાં લાગ્યાં.' 

`મને ઘરમાંથી દૂર કરવાની પહેલી જાળ પાથરવામાં આવી હતી જેમા હું છટકી ગઈ હતી. મને ભય હતો મારી મમ્મીનો. જે હેતુથી તેણે પપ્પા સાથે લગ્ન કર્યા હતા તે હેતુ બહાર આવ્યો નહોતો. તેણે સામે આવ્યા વગર મારા ભાઈને હાથો બનાવ્યો હતો. જ્યારે મને આ બધી બાબતો સમજાઈ ત્યારે મને ખરેખર બીક લાગવા માંડી. મારી સીક્સસ્થ સેન્સની ઘંટડી વાગવી શરૂ થઈ ગઈ હતી. મારે હવે સાવધ રહેવાનું હતું.' 

`તમે એ લોકોથી અલગ શા માટે થઈ ગયા નહીં?' 

`હું થોડી આદર્શવાદી અને આશાવાદી પણ છું. મને ઊંંડે ઊંંડે એવી ઈચ્છા હતી કે બધું બરાબર થઈ જાય. તમે માનશો એક તબક્કે મેં એવું વિચારેલું પણ ખં કે મારે આટલું બધું રાખીને કરવું શું ? આમેય એ બધું કંઈ મારી કમાઈનું નહોતું. જો હું મારા ભાઈઓને વહેંચી નહીં દઉં તો રોજના ઝઘડા ઊભા જ રહેવાના હતા. બીજી વાત એ હતી કે એ ઘર માં હતું. જો હું અલગ થાઉં તો એ બધાને બીજે રહેવા જવું પડે. અથવા તો મને પોતાને બીજે રહેવા જવું પડે. મારો વિચાર એવો હતો કે એકાદ બે વર્ષ પછી એક દિવસ બધાને ખુશ કરી દેવા. મને ચિંતા હવે મારી જાનની હતી.' 

`એટલે તમાં ખૂન કે અપહરણ થઈ જાય એમ?' 

`ના, મારી મમ્મી એટલી મૂર્ખ નહોતી કે એવું કંઈ કરાવે. મને લાગ્યું કે કદાચ મને કોઈ ખાવામાં કંઈ આપી દે અથવા કોઈ એવી યુક્તિ કરે કે મૃત્યુનું રહસ્ય જ બહાર ન આવે. આજે તો કેટલીય જાતના કેમિકલ બજારમાં મળે છે. તમે બચી બચીને કેટલી જગ્યાએથી બચો અને એ બધુ પેલી મિલકત સારું થાય જેની મેં કદી આશા રાખી નહોતી.' 

`તમે તમારા પપ્પાને વાત કરી નહોતી?' 

`કરી હતી ને. એક દિવસ અમે અમારી એક ફેમીલી ચેમ્બરમાં બેઠા હતા. મેં પપ્પાને મમ્મીની યાદ અપાવી. પપ્પાની આંખો ભીની થઈ ગઈ. મેં પપ્પાની ઈચ્છા જાણવાનો પ્રયત્ન કર્યો કે એમના મનમાં શું છે. મેં હળવેથી પૂછ્યું કે, પપ્પા મારો વિચાર એવો છે કે દાદાએ કરેલા વિલને કારણે જેને અસંતોષ પેદા થયો છે તે દૂર કરી દઉં. આપણે બેસીને વિચારી લઈએ કે સંજયભાઈને શું આપવું અને જયને શું આપવું. પપ્પા મારી સામે જોઈ રહેલા. 

તેમને એ ન સમજાયું કે મેં એમનો ઉલ્લેખ શા માટે નથી કર્યો. તેમણે મને કહ્યું, `સોનલ તારા દાદાએ મારીય બાદબાકી કરી નાખી. આ ઊભું કરવામાં મારો કોઈ ફાળો નહોતો? મારા ઉપર એમને શા માટે અવિશ્વાસ આવ્યો? દાદાએ મને સાવ જ બાકાત રાખ્યો તેનાથી મને આઘાત લાગ્યો છે પપ્પાની વાતમાં એમનો અહમ ઘવાયાનું દર્દ હતું. મેં પણ એક પાસો ફેંક્યો, પપ્પા તમે જ કહો મારે શું કરવું જોઈએ?'

`બધું મને આપી દે. પપ્પાના હૈયામાં રમતી વાત હોઠે આવી ગઈ, તે સહજતાથી બોલી ગયા તેનું મને આશ્ચર્ય થયું. જોકે અમારા વચ્ચે હજુય લાગણીના તંતુ ટકી રહ્યા હતા. એમણે કદાચ એ લાગણીના દાવે જ કહ્યું હશે, તમે સંજય અને જયને પહોંચી વળશો?'

`એમની શું મજાલ છે કે મારી સામે થાય. અરે સાલ્લાઓને ઘરમાંથી જ કાઢી મૂકું.'

`સનત હું માણસની અંદર છુપાયેલા સ્વાર્થનું વરવું રૂપ જોઈ રહી હતી. એક સમય એવો હતા જ્યારે પપ્પાની તૂતી બોલતી હતી. હવે એમના હાથમાંથી સત્તા સરી ગઈ હતી. એટલે પોતાનો સમય પાછો મેળવવા ઈચ્છતા હતા. મને પપ્પા સાથે એ વાત કરવાની મજા આવતી હતી. મેં નવો સવાલ કર્યો, પપ્પા માની લ્યો કે હું બધું તમને આપી દઉં તો મારા ભાઈઓ મને જીવવા દે ખરા? અને માં પણ મારે વિચારવું જોઈએ કે નહીં?' 

`પપ્પા ઉત્સાહમાં હતા, અરે હું બેઠો છું ત્યાં સુધી તારે કોઈ ચિંતા કરવાની નથી. અને તારે તારા ભવિષ્યની ચિંતા થતી હોય તો તને જે જોઈએ જેટલું જોઈએ તે હકથી લઈ લેજે બસ.'

`તે પછી મને એટલું તો સમજાઈ ગયું કે સંજય બધું પોતાના હાથમાં રાખવા માગે છે. પોતાના નામે કરવા માગે છે. મમ્મીને પણ એમ છે કે બધું તેને મળે. તો પપ્પા ઈચ્છતા હતા કે એમની પાસે જ રહે. મને ખબર હતી કે એકવાર હું આ બધું એ લોકોને આપીશ તે સાથે જ નવું રાજકારણ શરૂ થઈ જશે. એનો શો અંજામ આવશે તેની પણ મને ખબર નહોતી.' 

`સોનલ તમે ડરી કેમ ગયા?  

`સનત જે ચીજની ઈચ્છા હોય અને તે મળે તો આનંદ થાય. મને તો એ કંઈ જોઈતું જ નહોતું. વળી તમે ધારો છો એટલું કંઈ સહેલું નથી. કરોડોના માલિક હોવું એટલે સાપનો ભારો સાથે લઈને ફરવા બરાબર છે. તેમાંય તમે જ્યારે એવા લોકોની વચ્ચે રહેતા હો જે તમને જીવતા જોવા જ માગતા ન હોય. એક વર્ષ મેં કેવી રીતે પસાર કર્યું છે તેની મને ખબર છે. તમને એ ખબર હશે કે મીડિયા તો મોટા આસામીઓના ઘરની કોઈ વાત બહાર આવે તેની વાટ જોતું હોય છે. હું એવું ઈચ્છતી નહોતી.' 

`તો તમારે બધું મૂકીને ચાલતા થતાં કોણ રોકતું હતું?' 

`મને રોકનાર બીજું કોઈ નહોતું, હું પોતે જ હતી. મારો આત્મા એમ કહેતો હતો કે તારાથી આમ ભાગી છુટાય નહીં. મેં કહેલી વાતને પપ્પાએ મમ્મી સામે જુદી રીતે વઘારી નાખી હતી તેની મને ખબર નહોતી. પપ્પાએ મમ્મીને કહ્યું કે સોનલ બધું છોડી દેવા માગે છે. પેલી સ્ત્રીને તો એટલું જ જોઈતું હતું. તેના મનમાંય પાપ હતું. તેણે પપ્પાને એવી કોઈ ગોળી ગળાવી કે પપ્પા હટી ગયા અને મમ્મી મેદાનમાં આવી ગઈ. 

પપ્પાએ જ મને એક દિવસ કહ્યું, `સોનુ તું બધું મને આપવાનું વિચારતી હોય તો હું એમ કહીશ કે મારા બદલે તારી મમ્મી અને મારા બંનેના નામે કર. જો અમારા લગ્ન થયા ત્યારે મેં શરત મૂકી હતી કે તું બાળકની ઈચ્છા ન કરે તો જ આપણે લગ્ન કરીએ. તારી મમ્મીએ શરત માન્ય રાખી. સોનલ તેણે પોતાના માતૃત્વનો ભોગ આપ્યો છે.” 

`મને ખ્યાલ આવી ગયો કે મમ્મીએ મોટો દાવ ખેલ્યો છે. જોકે મને ત્રીજો ભાઈ કે બહેન કેમ ન મળ્યો તેનું રહસ્ય પણ જાણવા મળ્યું. મેં તે વખતે તો પપ્પાને ટાળી દીધાં પણ એના કારણે એક નવો ફણગો ફૂટ્યો. મારી મમ્મી નચિંત થઈ ગઈ હતી. તેણે સંજય પરથી ધ્યાન હટાવ્યું. સંજય સમજી ગયો કે મમ્મી હવે રસ લેતી નથી. તેને શંકા ગઈ કે કંઈક રંધાઈ રહ્યું છે. વળી મારી મૂર્ખી મમ્મી સજી ધજીને શો રૂમ પર આવવા લાગી. તેનાથી સંજયની શંકા મજબૂત બની હતી. તેણે એકવાર મને પૂછ્યું, `મમ્મી હમણાં કેમ અહીં આવે છે?' મેં હસતાં જવાબ આપેલો, `તું એને જ પૂછ. તને કોઈ વાંધો છે?' 

`તમે બધા એક થઈ ગયા છો. હું તમને બધાને જોઈ લઈશ. એવું બબડીને તે ચાલ્યો હતો. મારી ગમ્મત મને જ મોંઘી પડવાની હતી તેની મને ખબર નહોતી. તેણે એજ સાંજે મમ્મી સાથે ઝઘડો કર્યો. મમ્મીએ પણ જોશમાં આવીને એને બરાબરનું સંભળાવ્યું હતું. એ દિવસથી ફરી વાતાવરણ ડહોળાયું. એ વાતને લગભગ એકાદ મહિનો નીકળી ગયો એક દિવસ મારા સેલફોન પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો. બોલનાર પુરુષ હતો, `આઈ વીલ કીલ યુ.'
    
`સાચું કહું તો હું ગભરાઈ ગઈ હતી. મેં રત્નાકરજીને આ વાત કરી. તેમણે મારી સાથે થોડી ચર્ચા કરી. બીજીવાર એવો જ ફોન આવે છે કે કેમ તે માટે વાટ જોવાનું કહ્યું. ચારેક દિવસ રહીને ફરી ફોન આવ્યો એ જ અવાજ, એ ેજ સ્ટાઈલ, એ જ શબ્દો. મેં ફરી રત્નાકરજી સાથે ચર્ચા કરી. રત્નાકરજીએ પોતાની રીતે આખી ડીટેઈલની પોલીસને જાણ કરી. જોકે આ બાબત કોઈ સમાચાર ન બને તેનું ધ્યાન રાખ્યું હતું. ફોન કરનારાએ અલગ અલગ નંબર પરથી ફોન કરેલો હતો. 

પોલીસે તપાસ કરી તો એ નંબર પબ્લિક બૂથના હતા. ત્રણ દિવસ પછી ફરી એ જ ફોન આવ્યો. આ વખતે એક એક શબ્દ વધારાનો હતો. `બી એલર્ટ, આઈ વીલ કીલ યુ.' આ ડરામણા ફોનનો સીલસીલો ચાલુ જ રહ્યો. ક્યારેક એક દિવસમાં ચાર પાંચ વખત ફોન આવવા લાગ્યા. મારો નંબર પોલીસ વોચમાં મુકાયો હતો. પોલીસ મૂંઝવણમાં હતી કે અડધા કલાકમાં જ કોઈ એક વ્યક્તિ સાંતાક્રુઝ અને મસ્જીદ બંદરથી ફોન કઈ રીતે કરી શકે? હું સતત ચિંતામાં રહેતી કે હમણાં જ ફોન આવશે. ફોન કરનારા ભાગ્યે જ પકડાય છે. 

એક મહિના પછી ફોન બંધ થઈ ગયા. જોકે મારા કરતા રત્નાકરજીને વધારે ચિંતા રહેતી હતી. રત્નાકરજીને હવે મારા પરિવારના કોઈ વ્યક્તિ પર વિશ્વાસ નહોતો રહ્યો. એ દરમિયાન મને રત્નાકરજીએ દાદાજીનું પર્સનલ લોકર એકવાર જોઈ લેવાનું કહેલું. હું અને રત્નાકરજી એક બપોરે બેન્કમાં ગયા. હું પહેલીવાર દાદાજીનું લોકર ખોલી રહી હતી. હું ત્યાં એકલી જ હતી. મેં લોકર ખોલ્યું તો મારી આંખો જ ફાટી રહી. દાદાજીએ પણ શું ભેગું કર્યું હતું. એ ચીજોની કિમત હું આંકી શકું તેમ નહોતી. મેં બધું જોઈ તપાસી લીધું. કેટલીક નોંધો કરી અને બહાર આવી. મારો ચહેરો જોઈ રત્નાકરજીએ પૂછ્યું, `ઇઝ એની પ્રોબ્લેમ?' મેં માથું ધુંણાવી ના પાડી.' 

`વળતી વખતે મને વિચારો આવતા રહ્યા કે શા માટે મારે આવડી પીડાઓ વેઠવી? દાદાના લોકરમાં જેટલું પડ્યું છે તે કાફી છે. મનોમન હું એમ.વી. એન્ટરપ્રાઈઝ કોને સોંપવી, સંજયને શું આપવું એની ગણતરી કરતી હતી. તે વખતે મને બીજો પણ વિચાર આવ્યો. મારે ઈન્ડિયા છોડી દેવું. રત્નાકરજીની સલાહ અને મદદ લઈ ભારતને રામ રામ કરી દેવા. આવા વિચારો સાથે હું શો રૂમ પર આવી. ત્યારે પપ્પા, મમ્મી, સંજય અને મારી ભાભી જાણે મારી જ રાહ જોઈ રહ્યા હતા. 

અમારો શો રૂમ ઉપર નીચે છે. ઉપરના ભાગે અમારી સ્વતંત્ર ચેમ્બર્સ, વિઝીટીંગ રૂમ, સ્ટ્રોંગ રૂમ એ બધું છે. નીચેના ભાગે સેલ્સમેન તેમ જ અમારો સ્ટાફ હોય છે. ઉપર શું થાય છે તેની નીચે ખબર પડતી નથી. એ દિવસે અમારા સ્ટાફને કલ્પના પણ નહીં હોય કે મિલ્કત માટે ઉપર શું ખેલ ખેલ ખેલાઈ રહ્યો છે.' 

`હું મારી ખુરશી પર બેઠી તે સાથે જ સંજય બરાડ્યો, `સોનલ મને આજે ફેંસલો જોઈએ. જો તું બધું મમ્મી-પપ્પાને આપી દેવાની હોય તો સાંભળી લે, આઈ વીલ કીલ યુ.' સંજયના શબ્દો સાંભળી હું અને રત્નાકરજી ચોંક્યા. આ એ જ શબ્દો હતા જે છેલ્લા એક મહિનાથી મને ડરાવી રહ્યા હતા. (ક્રમશ:)