Tue Aug 25 2026

Logo

યુદ્ધ વચ્ચે ઈરાનમાંથી કેટલા ભારતીયોને સુરક્ષિત રીતે કાઢવામાં આવ્યાં? વિદેશ મંત્રાયલે આપ્યાં આંકડા

2026-04-02 18:32:39
Author: Vimal Prajapati
યુદ્ધ વચ્ચે ઈરાનમાંથી કેટલા ભારતીયોને સુરક્ષિત રીતે કાઢવામાં આવ્યાં? વિદેશ મંત્રાયલે આપ્યાં આંકડા

નવી દિલ્હીઃ મધ્યપૂર્વમાં ચાલી રહેલા યુદ્ધના કારણે હજારો-લાખો લોકો પ્રભાવિત થયાં છે. ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા આ અંગે એક નિવેદન આપવામાં આવ્યું છે. આજે ભારતીય વિદેશ મંત્રાલયે ઈરાનમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવેલા ભારતીય નાગરિકોની સંખ્યા અંગે સત્તાવાર વિગતો આપી છે. ભારતે દરેક સ્થિતિમાં પોતાના નાગરિકોની રક્ષા માટે મહત્વપૂર્ણ કામગીરી નીભાવી છે, તેવું વિદેશ મંત્રાયલે જણાવ્યું છે. 

ભારતીયોને ઈરાનમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા

આ અંગે વિગતો આપતા વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે, 1,200 થી વધુ ભારતીય નાગરિકોને ઈરાનમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. છેલ્લા એક મહિનાથી ઈરાન અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. આ સમયગાળા દરમિયાન, મોટી સંખ્યામાં ભારતીયો ઈરાન અને ખાડી દેશોમાં વસી રહ્યાં છે. તેમને હાલમાં આ પ્રદેશમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી રહ્યા છે.

ભારતીયોની મદદ માટે વિદેશ મંત્રાલય સજ્જ

જે 1200 ભારતીયોને સુરક્ષિત રીતે ત્યાંથી કાઢવામાં આવ્યાં છે તેમાં 845થી જેટલા વિદ્યાર્થિઓ હોવાનું પણ વિદેશ મંત્રાલયે જણાવ્યું છે. આ સાથે વધુમાં જણાવ્યું કે, 996 ભારતીયોને આર્મેનિયા અને 204 લોકોને અઝરબૈજાન મોકલી દેવામાં આવ્યાં છે. જ્યાં વિદેશ મંત્રાલય તેમને મદદ કરી રહ્યું છે. નાગરિકોના સુરક્ષિત પરત ફરવાની ખાતરી કરવા માટે મંત્રાલય આર્મેનિયા અને અઝરબૈજાન બંનેમાં ભારતીય મિશન અને સ્થાનિક અધિકારીઓ સાથે નજીકથી કામ કરી રહ્યું છે.

આ પહેલા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ ખાડીના અનેક દેશો સાથે વાત કરવામાં આવી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ સહિત મુખ્ય આંતરરાષ્ટ્રીય વિકાસ પર ચર્ચા કરવા માટે વૈશ્વિક નેતાઓ સાથે ચર્ચા કરી હતી. આ બાબતે વિગતો આપતા જયસ્વાલે જણાવ્યું કે, વડા પ્રધાન હાલમાં વિશ્વભરના વિવિધ દેશોના નેતાઓ સાથે ચર્ચામાં વ્યસ્ત છે. આ સંદર્ભમાં, 28 માર્ચે, વડા પ્રધાને સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ, પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે વાતચીત કરી હતી.