તાજેતરમાં અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન દ્વારા મહિલાઓ અને લગ્ન સમારંભો પર નવા કડક ફરમાનો જારી કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, તાલિબાની નિયમો હેઠળ હવે લગ્નમાં દુલ્હનના મેકઅપ કરવા, અત્તર લગાવવા, મહેંદી મૂકવા અને આઈબ્રો શેપિંગ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. એક તરફ અફઘાનિસ્તાનમાં સજવા-ધજવાની સ્વતંત્રતા પર રોક લગાવાઈ રહી છે, તો બીજી તરફ માનવ સભ્યતામાં સૌંદર્ય પ્રસાધનોનો ઇતિહાસ અત્યંત સમૃદ્ધ અને પ્રાચીન રહ્યો છે.
મેકઅપનો પ્રાચીન ઇતિહાસ:
મેકઅપનો પાયો આશરે 6000 વર્ષ પહેલા પ્રાચીન ઇજિપ્તમાં નંખાયો હતો. તે સમયે રાણીઓ અને સામાન્ય લોકો પોતાની સુંદરતા નિખારવા માટે કુદરતી લેપ, માટી અને જડીબુટ્ટીઓનો ઉપયોગ કરતા હતા. ઇજિપ્તમાં પુરુષો અને સ્ત્રીઓ બંને આંખોને આકર્ષક બનાવવા તથા તડકા અને ત્વચાના ઇન્ફેક્શનથી બચવા માટે કોહલ એટલે કે જુના જમાનાનું કાજલ લગાવતા હતા. પ્રાચીન કાળમાં મેકઅપ માત્ર સુંદરતા માટે નહીં, પરંતુ શરીરની સુરક્ષા અને સાંસ્કૃતિક ઓળખનો એક મહત્વપૂર્ણ ભાગ હતો.
યુરોપમાં પ્રતિબંધ અને રાણી એલિઝાબેથનો યુગ:
ઇતિહાસમાં મેકઅપ પર પ્રતિબંધ મૂકવાની આ પહેલી ઘટના નથી. મધ્યકાળ દરમિયાન યુરોપમાં પણ સામાજિક અને ધાર્મિક કારણોસર મેકઅપ પર રોક લગાવવામાં આવી હતી. જોકે, ૧૬મી સદીમાં ઇંગ્લેન્ડની મહારાણી એલિઝાબેથ પ્રથમે પોતાના ચહેરાના ડાઘ-ધબ્બા છુપાવવા માટે સફેદ લેપનો ઉપયોગ કર્યો, જેનાથી મેકઅપનો ટ્રેન્ડ ફરી પાછો આવ્યો. ત્યારબાદ હોલિવૂડ સિનેમાની શરુઆતી અભિનેત્રીઓએ લાલ લિપસ્ટિકને ફેશન સ્ટેટમેન્ટ બનાવીને સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત કરી.
લિપસ્ટિક અને નેલ આર્ટની શરુઆત:
પ્રાચીન ચીન અને જાપાનમાં સ્ત્રીઓ પોતાના નખને સુંદર રંગ આપવા માટે કુદરતી ફૂલો અને છોડના રંગોનો ઉપયોગ કરતી હતી, જે આજના નેલ પોલિશનું શરુઆતી રૂપ હતું. જ્યારે લિપસ્ટિકની વાત કરીએ તો સુમેરિયન સભ્યતાના લોકોએ હોઠને લાલ કરવા માટે મધમાખીના મીણ, લાલ માટી, મહેંદી અને કુદરતી જીવજંતુઓના રસમાંથી લિપસ્ટિક બનાવી હતી.
20મી સદીમાં આધુનિક બદલાવ અને ઓર્ગેનિક ટ્રેન્ડ:
20મી સદીની શરુઆત સાથે જ મેકઅપનું વ્યાપારીકરણ થયું અને વૈશ્વિક સ્તરે મોટી ક્રાંતિ આવી. ફાઉન્ડેશન, આઈલાઈનર, મસ્કરા અને હાઈલાઈટર જેવા આધુનિક પ્રોડક્ટ્સ બજારમાં આવ્યા. આજે ડિજિટલ યુગમાં મેકઅપ માત્ર સુંદરતા પૂરતો સીમિત નથી, પરંતુ તે આત્મવિશ્વાસ અને અભિવ્યક્તિનું માધ્યમ બની ગયો છે. હાલમાં કેમિકલ-ફ્રી, ઓર્ગેનિક અને સ્કીન-ફ્રેન્ડલી મેકઅપ પ્રોડક્ટ્સની માંગ વિશ્વભરમાં ખૂબ વધી રહી છે.