દેવલ શાસ્ત્રી
માનવજીવનમાં કેટલીક વસ્તુ એટલી સામાન્ય હોય છે કે આપણે તેની પાછળ છુપાયેલા ઇતિહાસ વિશે ક્યારેય વિચારતા નથી. દરરોજ સવારે વાળ ઓળવા માટે હાથમાં આવતો કાંસકો પણ એવી જ એક વસ્તુ છે. આપણે તેને એક સામાન્ય સાધન ગણીએ છીએ. માનવ સંસ્કૃતિના ઇતિહાસમાં જો ઊંડે ઊતરીએ તો ખબર પડે છે કે કાંસકો માત્ર વાળ ઓળવા માટે નથી. કાંસકો સૌંદર્ય, સ્વચ્છતા, સામાજિક ઓળખ અને આધ્યાત્મિક માન્યતાઓ સાથે સંકળાયેલો છે. આ નાનકડા સાધનની સફર હજારો વર્ષ જૂની છે. પ્રાગૈતિહાસિક માનવથી લઈને આધુનિક હેરસ્ટાઇલિંગ સલૂન સુધી કાંસકાએ અનેક રૂપ લીધા છે.
ભારતમાં પણ કાંસકો ખૂબ પ્રાચીન છે. ઈન્ડ્સ વેલીના ખોદકામોમાંથી હાડકાં અને દાંતના કાંસકા મળ્યા છે. એનો અર્થ એ થાય કે લગભગ ચારથી પાંચ હજાર વર્ષ પહેલાં ભારતીય લોકો વાળની સંભાળ માટે ખાસ સાધનો બનાવતા હતા. પુરાતત્ત્વવિદોએ યુરોપ અને એશિયાનાં અનેક ખોદકામોમાં હજારો વર્ષ જૂના કાંસકા શોધ્યા છે. આ કાંસકા મોટાભાગે હાડકા કે શિંગડામાંથી બનાવેલા હતા.
ખાસ કરીને ઉત્તર યુરોપના પ્રદેશોમાં મળેલા કાંસકા દર્શાવે છે કે માણસે લગભગ 5000 વર્ષ પહેલાં પણ વાળ ગોઠવવાની સુવિધા બનાવી લીધી હતી. જો કે એ કાંસકો આજના કાંસકાની જેમ સ્ટાઈલિશ નહોતો, પરંતુ તેમાં દાંત જેવા ટુકડાઓ હતા. આશ્ચર્યની વાત એ છે કે કેટલાક કાંસકાઓમાં સુંદર કોતરણી પણ જોવા મળે છે. માણસે શરૂઆતથી જ સૌંદર્ય માટે ઉપયોગી વસ્તુને સુંદર બનાવવાનો પ્રયાસ કર્યો હતો.
સમય જતા કાંસકાની ગુણવતા સુધરવા લાગી અને આધુનિક કાંસકા આવ્યા. અહીં એક નવી સમસ્યા આવી, માણસને પોતાનો જ કાંસકો જોઈએ એવો લગાવ થવા લાગ્યો. કેટલાક તો મનમાં એવી ગ્રંથિ રાખતા હોય છે કે હું મારા જ કાંસકાથી માથું ઓળું તો જ દેખાવ સારો લાગશે અથવા તેને લકી માનવાવાળો પણ એક વર્ગ છે. ઘણા લોકો માટે વર્ષોથી વાપરેલો પોતાનો એક ખાસ કાંસકો હોય છે, અને જો તે ન મળે તો જાણે કંઈક અધૂરું લાગે. ઘરમાં બીજા કાંસકા હોય છતાં મન એ જ કાંસકો શોધે છે.
આ માત્ર ટેવ નથી; તેના પાછળ માનવ મનની એક રસપ્રદ પ્રક્રિયા કામ કરતી હોય છે. માણસ જે વસ્તુઓને વારંવાર વાપરે છે તે સાથે અજાણતાં જ એક નાનો લાગણીસભર સંબંધ બાંધી લે છે. મનોવિજ્ઞાન મુજબ જે વસ્તુ સાથે આપણે વારંવાર સંપર્કમાં આવીએ તે આપણને પોતીકી લાગે છે. એક જ કાંસકો વર્ષો સુધી વાપરતા હાથ તેની આકાર, દાંતની પહોળાઈ અને વજન સાથે પરિચિત થઈ જાય છે. વાળ ગોઠવવાની એક ચોક્કસ લય બની જાય છે, જાણે હાથ અને કાંસકો વચ્ચે કોઈ નિ:શબ્દ સમજણ થઈ ગઈ જાય છે.
મનોવિજ્ઞાન મુજબ કોઈ વસ્તુ એકવાર ‘મારી’ બની જાય પછી તે વધુ કિંમતી લાગે છે. તેથી જ વર્ષો જૂનો કાંસકો છોડવો મુશ્કેલ લાગે છે.
લગ્ન વખતે વરરાજા અથવા નવવધૂને શણગાર માટે ખાસ કાંસકો આપવાની પરંપરા ઘણા સમાજોમાં જોવા મળે છે. આ પરંપરાઓમાં કાંસકો માત્ર સાધન નહીં, પરંતુ સંબંધ, સ્નેહ અને સૌંદર્યનું પ્રતીક કહી શકાય.
ભારતીય મંદિરના શિલ્પોમાં વાળની રચનાને અત્યંત મહત્ત્વ આપવામાં આવ્યું છે. ખજૂરાહો હોય કે અજન્ટાનાં ગુફાચિત્રોમાં અપ્સરાઓ અને નાયિકાઓ વિવિધ પ્રકારની હેર સ્ટાઇલ સાથે દેખાય છે. કેટલીક શિલ્પમૂર્તિઓમાં નાયિકા અરીસા સામે ઊભી રહીને વાળ ઓળતી હોય તેવું કલાત્મક દ્રશ્ય જોવા મળે છે. અહીં કાંસકો સીધો દેખાતો ન હોય તો પણ તેની હાજરીનો અણસાર સ્પષ્ટ મળે છે. ભારતીય મંદિરશિલ્પોમાં દેખાતી સુંદર હેરસ્ટાઇલ એક પ્રકારની સાબિતી છે કે પ્રાચીન સમાજમાં કાંસકો અને વાળ ઓળવાની કળા તમે ધારો છો એના કરતાં વધુ વિકાસ પામી હતી.
સજના હે મુજે સજના કે લિયે ગીતમાં આખી વાત શણગારની છે. ગીતના અંતે કાંસકો મનમાં ઉઠતા તરંગોનું પ્રતીક બને છે. પ્રેમમાં માણસ માત્ર દિલથી જ નહીં પણ નાની તૈયારીઓ સાથે પ્રિયજનને મળવા તૈયાર થાય છે. કદાચ એટલા માટે જ અરીસા સામે વાળમાં ફરતો કાંસકો પ્રેમની આ મીઠી રાહને રોમેન્ટિક બનાવે છે. નાયિકા વાળમાં કાંસકો ફેરવે છે ત્યારે તે માત્ર વાળ ઓળતી નથી પણ પોતાની લાગણીઓને ગોઠવી રહી છે. કદાચ આવા જ કોઈ કારણોસર પૂર્વ એશિયાના કેટલાક પ્રદેશોમાં યુવક ચાહતો હોય એવી યુવતી સમક્ષ પોતાની લાગણી વ્યક્ત કરવા કાંસકો આપતો.
કાંસકાને લગતી કેટલીક અંધશ્રદ્ધાઓ સાંભળવા મળે છે. ભારતના કેટલાક પ્રદેશોમાં એવી માન્યતા છે કે રાત્રે વાળ ઓળવા જોઈએ નહીં, રાત્રે કાંસકો વાપરવાથી અશુભ શક્તિઓ આકર્ષાય છે.
આ બધા વચ્ચે, કાંસકાને એક પાત્ર બનાવીને દેશ અને દુનિયામાં અનેક કથાઓ લખવામાં આવી છે. કેટલીક યુરોપિયન પરીકથાઓમાં જાદુઈ કાંસકાનો ઉલ્લેખ થાય છે. ક્યારેક નાયિકા પીછો કરતા રાક્ષસથી બચવા માટે કાંસકો ફેંકે છે અને તે જંગલમાં પોતાનું સ્વરૂપ બદલીને સહેલાઈથી બચી જાય છે. કેટલીક વાર્તાઓમાં કાંસકો જાદુઈ વસ્તુ બની જાય છે જે નાયકને બચાવે છે. કદાચ આ કથાઓ પરથી યુરોપમાં કાસકાની બનાવટમાં થોડો ફેરફાર કરીને નાનકડું હથિયાર પણ બનાવ્યું હોવાના પુરાવા મળ્યા છે.
જોકે ફિલોસોફીની દૃષ્ટિએ તો કાંસકો ઘણું શીખવે છે. વાળ ગૂંચવાય ત્યારે આપણે કાંસકો લઈ તેને ઓળીએ છીએ. જીવનમાં પણ વિચારો, લાગણીઓ અને ઘટનાઓમાં ગૂંચવાડો થાય ત્યારે માણસને પોતાના મનમાં એક અદૃશ્ય કાંસકો ફેરવવાની જરૂર પડે છે જે વિચારોને ગોઠવે અને જીવનને થોડું વ્યવસ્થિત કરી આપે.
કાંસકો આપણને એક મહત્ત્વનું લેસન શીખવે છે, ગોઠવણી અને કાળજી કેવી રીતે રાખી શકાય. વાળની સંભાળ રાખીએ તો તે સુંદર દેખાય છે, પરંતુ અવગણીએ તો ગૂંચવાઈ જાય છે. જીવનના સંબંધો પણ એવા જ છે. મિત્રતા, પ્રેમ, પરિવાર માટે કાળજી અને ધ્યાન રાખવું જોઈએ. આપણે સમયાંતરે કાંસકો ન ફેરવીએ એટલે કે વાતચીત, સમજણ અને લાગણીનો સ્પર્શ ન રાખીએ તો સંબંધોમાં પણ ગૂંચવણ ઊભી થઈ શકે કુછ સમજે?
ધ એન્ડ:
માણવું એ સૌથી દુર્લભ ઘટના છે, મહદઅંશે લોકો ધરતી પર પોતાનું અસ્તિત્વ ટકાવીને ખુશ થતા હોય છે. (ઓસ્કાર વાઈલ્ડ)