દક્ષિણ એશિયામાં મહિલાઓ દ્વારા પહેરવામાં આવતા વિવિધ ઘરેણામાં બંગડીઓ સૌથી વધુ પ્રચલિત અને માનીતું ઘરેણું છે. જોકે, બંગડીઓનું શણગાર સિવાય સાંસ્કૃતિક, ધાર્મિક અને સામાજિક મહત્ત્વ છે. પ્રાચીન સભ્યતાઓથી લઈને આજના મોર્ડન એરામાં બંગડીઓ પરંપરાનું એક સ્થાયી પ્રતિક બની ચૂકી છે. ચાલો જાણીએ કે આખરે શું છે આ બંગડીઓનો ઈતિહાસ અને મહિલાઓ ક્યારથી બંગડીઓ પહેરતી થઈ...
બંગડીઓનો ઇતિહાસ એટલો જૂનો છે કે તેનો સૌથી પહેલો કાનૂની પુરાવો આશરે 5,000 વર્ષ જૂની સિંધુ ખીણની સભ્યતામાંથી મળી આવ્યો છે. અત્યારના પાકિસ્તાનમાં આવેલા પ્રાચીન શહેર મોહેં-જો-દડોના ઉત્ખનન દરમિયાન પુરાતત્વવિદોને કાંસાની બનેલી એક પ્રખ્યાત મૂર્તિ મળી આવી હતી, જેને 'ડાન્સિંગ ગર્લ' નામ આપવામાં આવ્યું છે.
આશરે ઈસવીસન પૂર્વે 2600ની આ મૂર્તિમાં એક મહિલાએ તેના આખા હાથમાં કાંડાથી લઈને ખભા સુધી અસંખ્ય બંગડીઓ પહેરેલી જોવા મળે છે. આ શોધ સાબિત કરે છે કે તે જમાનામાં પણ સ્ત્રીઓમાં બંગડીઓ ખૂબ લોકપ્રિય હતી.

સિંધુ સંસ્કૃતિના સમયગાળા દરમિયાન બંગડીઓ ટેરાકોટા, પથ્થર, શંખ, તાંબુ અને કાંસા જેવી ધાતુઓમાંથી બનાવવામાં આવતી હતી. જેમ-જેમ ભારતીય સભ્યતા આગળ વધી, તેમ-તેમ કારીગરોએ અદભુત ડિઝાઈન્સ બનાવવાનું શરૂ કર્યું. મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્ય દરમિયાન, અમીર અને શાહી પરિવારોની મહિલાઓમાં સોનાની અને બારીક નકશીકામ વાળી શંખની બંગડીઓ પહેરવાનો ક્રેઝ ખૂબ વધી ગયો હતો.
ભારતમાં આજે જે કાચની બંગડીઓ સૌથી વધુ પહેરાય છે, તેની શરૂઆત સામાન્ય યુગની શરૂઆતની સદીઓમાં થઈ હતી. ઈતિહાસકારોના મતે, રોમન વેપારીઓ અને મધ્ય-પૂર્વની સભ્યતાઓના સંપર્કમાં આવ્યા પછી ભારતીય ઉપખંડમાં કાચ બનાવવાની આધુનિક ટેકનોલોજી આવી. સમય જતાં, કાચની બંગડીઓ તેના ચમકતા રંગો, ઓછી કિંમત અને આકર્ષક લુકના કારણે સામાન્ય મહિલાઓમાં પણ અતિશય લોકપ્રિય બની ગઈ.
મુઘલ શાસન દરમિયાન બંગડી બનાવવાની કળા એક શ્રેષ્ઠ કળામાં પરિવર્તિત થઈ. કારીગરોએ સોના, ચાંદી, હાથીદાંત અને કિંમતી રત્નો જેમ કે હીરા-મોતી જડેલી કિંમતી બંગડીઓ બનાવવાનું શરૂ કર્યું. આ જ સમયગાળા દરમિયાન ઉત્તર પ્રદેશનું ફિરોઝાબાદ કાચની બંગડીઓ બનાવવાનું ભારતનું સૌથી મોટું કેન્દ્ર બન્યું. આજે 130 કરતાં વધુ વર્ષો પછી પણ ફિરોઝાબાદ આખા દેશમાં 'સુહાગન નગરી' તરીકે ઓળખાય છે અને કાચની બંગડીઓનું હબ ગણાય છે.

ભારતના અલગ-અલગ રાજ્યોમાં બંગડીઓ સાથે સ્થાનિક સંસ્કૃતિ જોડાયેલી છે. રાજસ્થાનમાં લાખની રંગબેરંગી બંગડીઓ અને કડા મહિલાઓની સાંસ્કૃતિક ઓળખ છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં બંગાળી પરંપરા અનુસાર શંખ અને લાલ રંગના પ્લાસ્ટિક કે લાખમાંથી બનેલી 'શાખા-પોલા' બંગડીઓ પરિણીત મહિલાઓ માટે અનિવાર્ય ગણાય છે. વાત કરીએ દક્ષિણ ભારતની તો અહીં લગ્ન અને ધાર્મિક ઉત્સવો દરમિયાન સોનાના ભારે કડા અને લીલા રંગની કાચની બંગડીઓ પહેરવાનું વિશેષ મહત્વ છે.
છે ને એકદમ ઈન્ટ્રેસ્ટિંગ અને ઈન્ફર્મેટિવ ઈન્ફર્મેશન? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે ચોક્કસથી શેર કરજો. આવી જ બીજી અવનવી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો...