સ્ટાર-યાર-કલાકારઃ સંજય છેલ
દેવ આનંદે સંગીતકાર એસ.ડી.બર્મનને પહેલીવાર કવિ શૈલેન્દ્ર સાથે કામ કરવા મજબૂર કર્યા. બર્મનદાએ ધૂન બનાવીને શૈલેન્દ્રને મોકલી-સંભળાવી. બીજે દિવસે રેકોર્ડિંગ હતું, પણ ગીતકાર શૈલેન્દ્રને ગીત સૂઝે નહીં. મુંબઇના નેશનલ પાર્કમાં આખો દિવસ બેસીને વિચારતા રહ્યા. એમની સાથે બર્મનદાનો કિશોર વયનો પુત્ર પંચમ ઉર્ફ રાહુલ દેવ બર્મન હતો. રાહુલનું કામ એ હતું કે શૈલેન્દ્ર ગીત લખે એ એણે લઇને બર્મન દા પાસે તરત પહોંચાડવાનું ... છેક સાંજ પડી પણ ગીત બન્યું જ નહીં. તો શૈલેન્દ્ર પછી નેશનલ પાર્કથી જૂહુના દરિયા કિનારે જતા રહ્યા. પાછળ પાછળ રાહુલ દેવ બર્મન પણ ગયા.
જૂહૂના કિનારે ટહેલતા ટહેલતા, ઉપર ખીલેલા પૂર્ણ ચંદ્રને જોઇને, અચાનક શૈલેન્દ્રને એક પંક્તિ સૂઝી..એમણે સિગરેટના બોક્સમાંના ચાંદીના કાગળ પર ગીતનું મુખડું લખ્યું: ‘ખોયા ખોયા ચાંદ, ખુલા આસમાન... આંખો મેં સારી રાત જાયેગી, તુમકો ભી કૈસે નીંદ આયેગી?’ -અને એ ગીત પછી ચંદ્રપ્રકાશ તળે જ શૂટ થયું અને અમર થઇ ગયું.
હિંદી ફિલ્મોમાં ‘મહોબ્બત’ શબ્દ પછી સૌથી વધારે કોઇ વિષય પર ગીતો લખાયા હોય તો એ છે: ચાંદ, ચંદ્રમા, ચંદા, ચાંદની... અત્યારે રમઝાનનો મહિનો ચાલે છે... હોળી પર ચન્દ્ર ગ્રહણ આવશે...ટૂંકમાં હમણાં ચાંદનો મહિમા ચાલે છે.
‘આધા હૈ ચંદ્રમા રાત આધી, રહ ના જાયે તેરી મેરી બાત આધી’વાળું ગીત વી. શાંતારામની ફિલ્મ ‘નવરંગ’માં સુપરહીટ થયેલું ત્યારે ફિલ્મની હીરોઇન સંધ્યાની ઓવર એકટિંગને જોઈને વિવેચકો કહેતા કે ‘સંધ્યા જો ‘અડધો ચંદ્રમાં’ માટે આટલી ઓવર એકટિંગ કરે છે તો ‘આખો ચંદ્રમા’ હોત તો શું નું શું કરત? ચાંદને માટલાની જેમ માથે મૂકીને નાચત?!
‘પ્યાસા’ કે ‘કાગઝ કે ફૂલ’ બનાવનાર ગુરૂદત્તની ‘ચૌદવી કા ચાંદ’ સૌથી સફળ ફિલ્મ હતી ! રાજ કપૂરે પણ પોતાની ફિલ્મોમાં ચાંદને બેશૂમાર વાપર્યો ‘દમ ભર જો ઉધર મુંહ ફેરે ઓ ચંદા...’ ગીતમાં ફિલ્મી સેટ પરનો સફેદ ચંદ્ર ફિલ્મનું પાત્ર હોય એમ ચમકતો હતો. 90ના દાયકામાં સલમાન ખાનની, હીરોઇન શ્રીદેવી સાથે ફિલ્મ ‘ચાંદ કા ટુકડા’ આવી હતી ત્યારે હાઇટમાં અને ટેલેંટમાં નાના એવા સલમાન માટે બધા કહેતા કે ચાંદ એટલે શ્રીદેવી અને એનો નાનો ટુકડો એટલે સલમાન!
ગીતકાર ગુલઝાર તો ગર્વથી કહે છે કે તેમની પાસે ચાંદની એજંસી કે મોનોપોલી છે, કારણકે તેમણે સૌથી વધુ ચાંદ વિશે ગીતો લખ્યાં છે, પણ હકીકતમાં તો બધા જ ગીતકાર ચાંદની પાછળ 24 કલાક પડ્યા હોય છે!
તમને નવાઇ લાગશે કે એક જમાનામાં આકાશમાં ખીલેલા ચાંદને કેમેરામાં શૂટ કરવું બહુ અઘરું કામ હતું એટલે મોટે ભાગે ચાંદના શોટ સ્ટુડિયોમાં નકલી ચાંદની આસપાસ ઝાડની ડાળીઓ ગોઠવીને લેવાતા. મારી પોતાની ફિલ્મ ‘ખૂબસૂરત’માં ઉટીના પર્વત પર ચાંદ શૂટ કરવા એક ઊંચા ઝાડ પર મારા ડ્રાઇવરને ચઢાવીને સફેદ એક્રેલીક પ્લાસ્ટિકના ચાંદને અમારે શૂટ કરવો પડેલો.
હવે ડિજિટલ યુગમાં ચાંદની સિનેમેટોગ્રાફી આસાન છે અને હવે તો અસંખ્ય રેડીમેડ શોટ પણ મળે છે, જેમાં તરતાં વાદળો વચ્ચે ચમકતો ચાંદ દેખાતો હોય છે.
જો કે ચાંદના કરિશ્માથી, ચાંદના પ્રભાવથી હોલિવૂડ પણ બાકાત નથી ‘મૂન રેકર’, ‘મૂન સ્ટ્રક’, ‘મૂન લાઇટ’ કે ‘મૂન એન્ડ મોન્સ્ટર’ જેવી અસંખ્ય ફિલ્મો વિદેશમાંયે બની છે... માઈકલ જેક્સનના મૂન વોક ડાંસ સ્ટેપ આજેય લોકપ્રિય છે, પણ વેસ્ટર્ન જગતમાં ચાંદ કે મૂનનો ઉપયોગ મોટેભાગે હોરર ફિલ્મમાં થાય છે, જેમાં પૂનમનો ચાંદ ખીલતા સામાન્ય માણસ પાગલ થઇને શૈતાન કે મોન્સ્ટર બની જાય છે! કમાલ છેને? આપણે ત્યાં ચંદ્ર, દેવતા છે અને પશ્ચિમી કલ્ચરમાં-શૈતાન! વાત ચાંદને જોનારી દૃષ્ટિની છે. આપણે લોકો રોમાન્ટિક છીએ, જેમાં ફિલ્મી ચંદ્ર ગીતોનો મોટો ફાળો છે.
છેક 1969માં માનવીએ પ્રથમવાર ચાંદ પર પગ મૂકેલો પણ આપણા સંસ્કૃત સાહિત્યથી લઇને હિંદી-ઉર્દૂ સાહિત્ય કે ગુજરાતી સાહિત્યમાં પણ ચાંદ લાડકું પાત્ર છે. ‘ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઉગ્યો ચોકમાં’ સાંભળીને કૈં કેટલાં દિલ ઘાયલ થયા છે! કવિ દયારામ તો રોમેંટિક ગીત ‘હવે સખી નહીં બોલું નહીં બોલું નહીં બોલું રે’માં ચંદ્રમા માટે કાવ્ય નાયિકા પાસે કહેવડાવે છે કે ‘ચંદ્ર બિંબમાં લાંછન છે વળી રાહુ ગળે ખટ માસે રે, પક્ષે વધે ને પક્ષે ઘટે કળા નિત્ય ના પૂર્ણ પ્રકાશે રે’- એટલે કે જે ચાંદમાં વદ-સુદમાં વધઘટ થાય છે એની સાથે પ્રેમી જો પ્રેમિકાને સરખાવે તો કાવ્ય નાયિકાને એ નથી ગમતું! છેને મખમલી ચાંદની જેવી મુલાયમ ફરિયાદ?
તો વળી શાયર સૈફ પાલનપુરીએ કહ્યું છે કે ‘આપણાં યુગનું આ કમભાગ્ય કેવું? ગયા ચાંદ સુધીને એકેય ચહેરો ના મળ્યો!’
ઇન શોર્ટ, સેંકડો કિલોના વજનમાં કાગળ જોખાય એટલી અદ્ભુત રચનાઓ ચાંદ વિશે લખાઇ ચૂકી છે. વિજ્ઞાન કહે છે કે પૂનમની અસર દરિયા પર થાય છે, ભરતી આવે છે એમ માણસના શરીરમાં પણ 70 ટકા પ્રવાહી છે એટલે પૂનમના દિવસે ઘણા લોકોનું છટકી જાય છે.
વેણીભાઇ પુરોહિત જેવો કવિ ભલે એમ કહે કે ‘તારી રૂપની પૂનમનો પાગલ એકલો, તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી...’
‘ચંદ્રયાન-2’ની સફળતા ઇસરોના વૈજ્ઞાનિકોની વરસોની સાધના છે, પરંતુ આપણા કવિઓ, કલાકારો કે પ્રેમીઓએ પણ યુગો યુગોથી ચંદ્રને સાધવાની આરાધના કરી જ છે! નહીં તો બિચારો ચાંદ ‘આહે ના ભરતો હોત’, કોઇ વિધવા માતા પોતાના સંતાનને ‘ચંદા હૈ તૂ, મેરા સૂરજ હૈ તુ’ કહીને એનામાં ‘ટૂટે દિલ કા સહારા’ ના શોધતી હોત. કોઇ ઘાયલ આશિક ‘સુહાની ચાંદની રાતે હમેં સોને નહીં દેતી’ ગાઇને ફરિયાદ ના કરતો હોત!
મજરૂહ સુલતાન પુરી જેવો ગીતકાર ચાંદ પરથી ‘ચંદનિયા’ જેવો મૌલિક શબ્દ ના શોધી શક્યો હોત. ચાંદ પર પગ મૂકીને કે ચાંદ પર અવકાશયાન મોકલીને વિજ્ઞાને ભલે મહાન સિદ્ધઓ મેળવી હોય પણ માણસનો અને ચાંદ વચ્ચેનો પ્રેમ સંબધ હજી એમને એમ છે. સાયન્સ આગળ નીકળી ગયું છે પણ રિઅલ ને રીલ રોમાન્સમાં ચાંદની ફેન્ટસી ચારો પ્રહર ચમકે છે!