આપણે રોજબરોજ ચાલીએ છીએ અને દોડીએ છીએ, પણ આપણું ધ્યાન આપણા પગ તરફ ત્યારે જ જાય છે જ્યારે તેમાં દુખાવો શરૂ થાય. મેડિકલ સાયન્સ અનુસાર, આપણા પગમાં 26 હાડકાં અને 100થી વધુ મસલ્સ, ટેન્ડન અને લિગામેન્ટ્સ હોય છે, જે આખા શરીરનું બેલેન્સ જાળવવામાં મદદ કરે છે.
પરંતુ શું તમે જાણો છો કે પગમાં દેખાતા નાના-નાના ફેરફારો વાસ્તવમાં શરીરની અંદર ચાલી રહેલી કોઈ મોટી સ્વાસ્થ્ય સમસ્યાનો પ્રારંભિક સંકેત હોઈ શકે છે? ચાલો તમને આ વિશે વિસ્તારથી જણાવીએ...
એક્સપર્ટ્સના મતે, પગ તરફ ક્યારેય દુર્લક્ષ ન કરવું જોઈએ, કારણ કે તે ઘણીવાર રોગોનું પ્રારંભિક 'સિગ્નલ' આપવાનું કામ કરે છે. જેમ કે પગ હંમેશાં ઠંડા રહેવા કે સુન્ન થઈ જવા એ નબળા બ્લડ સર્ક્યુલેશન અથવા નસોની સમસ્યા દર્શાવે છે તો એડીઓનું ફાટવું કે ત્વચાનું ભારે સૂકાપણું ડિહાઇડ્રેશન અથવા થાઇરોઇડની ગરબડ સાથે જોડાયેલું હોઈ શકે છે.
આ ઉપરાંત ઘૂંટીઓ અને પગના પંજામાં સોજા આવવા એ હૃદય, કિડની કે લિવર પરના દબાણનો સંકેત હોઈ શકે છે તો ડાયાબિટીસના દર્દીઓ માટે પગની નાની ઈજા પણ ગેંગરીન જેવી ગંભીર સ્થિતિનું કારણ બની શકે છે.
મેડિકલ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, ડાયાબિટીસના દર્દીઓ માટે પગની સમસ્યાઓ અત્યંત ગંભીર રૂપ ધારણ કરી શકે છે. ડાયાબિટીસમાં નસોને નુકસાન થવાને કારણે પગમાં વાગવા છતાં દુખાવાનો અહેસાસ થતો નથી. લોહીનો પુરવઠો ઓછો હોવાને કારણે નાનો એવો છાલો કે ઘા પણ જલ્દી રૂઝાતો નથી અને તે ઇન્ફેક્શન વધીને ગેંગરીન થઈ શકે છે.
આવી સ્થિતિમાં ઘણીવાર પગ કાપવાની નોબત આવી શકે છે. એક રિસર્ચ અનુસાર, ભારતમાં ડાયાબિટીસના દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થાય છે તે પાછળ પગની સમસ્યાઓ એક મોટું કારણ છે.
લાઈફસ્ટાઈલ છે મહત્ત્વનું કારણ
આજના સમયમાં પગની તકલીફો માત્ર મોટી ઉંમરના કારણે જ નહીં, પણ આપણી ખરાબ જીવનશૈલીને લીધે પણ વધી રહી છે. ઑફિસમાં સતત કલાકો સુધી બેસી રહેવાથી પગમાં લોહીનો પ્રવાહ ધીમો પડી જાય છે. આ સિવાય બરાબર ફિટિંગ ન હોય તેવા અથવા હાઈ હીલ્સ વાળા જૂતાં પહેરવાથી સ્નાયુઓ અને સાંધા પર ખોટું દબાણ આવે છે. વજન વધવાને કારણે પગ પર વધારાનો બોજ પડે છે અને ફિઝિકલ એક્ટિવિટી ન હોવાથી પગ નબળા પડી જાય છે. આ સિવાય ફ્લેટ ફૂટ (Flat Foot) જેવી સમસ્યાઓ પણ લોકોમાં અજાણતા વધતી જાય છે.
બચાવના ઉપાયો: પગની કાળજી કેવી રીતે રાખશો?
સારી વાત એ છે કે હવે મેડિકલ સાયન્સમાં એડવાન્સ અને નાની સર્જરી ઉપલબ્ધ છે, જેનાથી રિકવરી ઝડપી બને છે. જોકે, સૌથી મહત્વની બાબત રોજિંદી સંભાળ રાખવી છે.
રોજ રાત્રે કે સવારે તમારા પગની જાતે તપાસ કરો કે ક્યાંય સોજો, લાલાશ કે છાલા તો નથી પડ્યો ને?
હંમેશાં આરામદાયક અને સાચા ફિટિંગવાળા પગરખાં જ પહેરો.
પગની સ્વચ્છતા રાખો, નખ સમયસર કાપો અને ત્વચાને મોઇશ્ચરાઇઝ્ડ રાખો.
નિયમિત હળવી કસરતો કરો, વજન નિયંત્રણમાં રાખો અને જો ડાયાબિટીસ હોય તો સુગર લેવલ સતત કંટ્રોલમાં રાખો.