નવી દિલ્હીઃ ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ રાજ્યમાં પકડાતા ડ્રગ્સને લઈ મોટું નિવેદન આપ્યું હતું. એક કાર્યક્રમમાં તેમણે ડ્રગ કાર્ટલ્સને લઈ દાવો કર્યો કે અમે અહીંયા કન્ઝ્યુમર નથી પકડતાં પરંતુ પરિવારને બોલાવીને તેમનું કાઉન્સેલિંગ કરીએ છીએ. અમે કાર્ટલ્સને પકડવા માંગીએ છીએ. આ ગુજરાત સરકારનું યૂનિક મોડલ છે.
મેરેજ રજિસ્ટ્રેશન પર શું બોલ્યા સંઘવી
સંઘવીએ ગુજરાત વિધાનસભામાં મેરેજ રજિસ્ટ્રેશન કાયદો પાસ થયાના સવાલ પર કહ્યું, આના દ્વારા અમે મોરલ પોલિસિંગ નથી કરી રહ્યા. અમે તમામ ઝેનજીને બચાવવા આમ કર્યું છે. અમે કોઈનું રજિસ્ટ્રેન નથી રોકી રહ્યાં. અમે કાયદામાં કોઈ બદલાવ કર્યો નથી, માત્ર પ્રોસેસને પૂરી કરી છે. જો માતા-પિતાની મંજૂરી ન મળે તો પણ લગ્ન થઈ શકે છે. માતા-પિતા પાસે એક મહિનાનો સમય હોય છે. જો માતા-પિતા તેમની દીકરીને હેરાન કરશે તો અમે તેમની સામે પણ કાર્યવાહી કરીશું.
આ ઉપરાંત હર્ષ સંઘવીએ કહ્યું, ગુજરાત આજે પણ દેશનું સૌથી સુરક્ષિત રાજ્ય છે. ગુજરાત નંબર-1 હતું, નંબર-1 છે અને રહેશે. અમદાવાદના ચંડોળામાં બુલડોઝર એકશન પર હર્ષ સંઘવીએ કહ્યું, સૌથી વધારે ડ્રગ્સ, સૌથી વધારે બાંગ્લાદેશી અહીંયા જ મળ્યા હતા. એક જ વ્યક્તિના 50 થી 100 ઘર હતા. આજે ચંડોળાની સિકલ બદલાઈ ગઈ છે. જો કોઈ બળાત્કારી રાજ્યની દીકરીઓ પર હુમલો કરશે તો અમે તેની પૂજા નહીં કરીએ.