અમદાવાદઃ ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ રવિવારે સુરત ડાયમન્ડ બુર્સ (એસડીબી)ના એક કાર્યક્રમાં હાજરી આપી હતી અને જણાવ્યું હતું કે બે વર્ષમાં 250 ઓફિસ ખૂલી છે અને આવતા વર્ષ સુધીમાં આ આંકડો 1000 સુધી પહોંચી જશે.
સંઘવીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે મુંબઈના ભારત ડાયમંડ બુર્સમાં 15 વર્ષમાં ફક્ત પાંચ ઓફિસો કાર્યરત થઈ છે, પરંતુ એસડીબીમાં ફક્ત બે વર્ષમાં 250 થી વધુ ઓફિસો કાર્યરત થઈ ગઈ છે. તેમણે આશાવાદ વ્યક્ત કર્યો હતો કે આગામી એક વર્ષમાં આ સંખ્યા 1,000 સુધી પહોંચવાની અપેક્ષા છે.
સંઘવીએ જણાવ્યું હતું કે સુરત સતત વૈશ્વિક હીરા વેપાર કેન્દ્ર તરીકે પોતાનું સ્થાન બનાવી રહ્યું છે, ખાસ કરીને લેબ ગ્રોઅન ડાયમન્ડ માટે મોટી સંખ્યામાં ઉત્પાદકો એસડીબીમાં પોતાનું કામકાજ ખસેડી રહ્યા છે.
તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે વિશ્વના 90% થી વધુ રફ હીરા હવે સીધા આવે છે, અને મોટા આંતરરાષ્ટ્રીય ટેન્ડર - જે અગાઉ દુબઈ, રશિયા, ઇઝરાયલ અને બેલ્જિયમમાં થતા હતા, તે સુરતમાં થઈ રહ્યા છે. છેલ્લા 15 દિવસમાં જ, ત્રણ મોટા ટેન્ડરની પ્રક્રિયા અહીં થઈ રહી છે.
આ કાર્યક્રમ દરમિયાન, સંઘવીએ વેપારીઓ સાથે વાતચીત કરી હતી. તેમણે વેપારીઓને એક રહેવા જણાવ્યું હતું. આ સાથે નવસારીના વેપારીઓ અને દલાલો માટે સમર્પિત બસ સેવાની પણ જાહેરાત કરી હતી અને અધિકારીઓને નાના વેપારીઓ અને દલાલો માટે એસડીબી ખાતે સસ્તું સાત્વિક ભોજન મળી રહે તેવી સુવિધાઓ ઊભી કરવા જણાવ્યું હતું.