ધરમશાલા/નવી મુંબઈ: મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ)ની ટીમ આઇપીએલની 19મી સીઝનમાં પ્લે-ઑફની રેસની બહાર થઈ ગઈ છે એટલે હવે આ ટીમની જીતનું કોઈ મહત્ત્વ તો નહીં રહે, પરંતુ એ વિજય અન્ય ટીમોની સ્થિતિને જરૂર વિપરીત અસર કરી શકે અને એ વાતને ધ્યાનમાં રાખીને એમઆઇની ટીમે મંગળવારે ધરમશાલામાં ખૂબ પ્રેક્ટિસ કરી હતી. જોકે હાર્દિક પંડ્યાએ નવી મુંબઈના રિલાયન્સ કોર્પોરેટ પાર્કમાં ભરપૂર પ્રૅક્ટિસ કરી હતી અને એ બાબત ઊડીને આંખે વળગે એવી હતી. હાર્દિકે ત્રણ કલાક પ્રૅક્ટિસ (PRACTICE) કરી હતી.
હાર્દિક પીઠના દુખાવાને લીધે લખનઊ અને બેંગ્લૂરુ સામેની મૅચ નહોતો રમ્યો, પણ હવે તેણે ખૂબ પ્રૅક્ટિસ કરી છે એટલે તે ફરી રમતો જોવા મળી શકે. જોકે એક અહેવાલ મુજબ ગુરુવારે ધરમશાલામાં પંજાબ કિંગ્સ સામે જે મૅચ રમાવાની છે એમાં પણ હાર્દિક (HARDIK) કદાચ નહીં રમે.
એમઆઇ (MI)એ વારંવાર જણાવ્યું છે કે હાર્દિક પીઠની ઈજામાંથી મુક્ત થઈ રહ્યો છે. જોકે તેણે મંગળવારે જે લાંબા સેશનમાં પ્રૅક્ટિસ કરી એના પરથી જણાય છે કે તે ગુરુવારે કદાચ રમે પણ ખરો.
Hardik Pandya trains in Mumbai while rest of the squad are in Dharamsala. pic.twitter.com/I5OHcqyTTH
— CricketGully (@thecricketgully) May 13, 2026
એક જાણીતા અંગ્રેજી દૈનિકના અહેવાલ મુજબ એમઆઇના ડ્રેસિંગ-રૂમમાં બધુ ઠીકઠાક નથી. હાર્દિક ખેલાડી તરીકે ફૉર્મમાં નથી અને તેના સુકાનમાં એમઆઇની ટીમે વહેલી એક્ઝિટ જોવી પડી અને એવામાં તે ઉપરાઉપરી બે મૅચ ન રમ્યો એટલે જાત જાતના સવાલો ક્રિકેટ જગતમાં ચર્ચાઈ રહ્યા છે.
પાંચ ટાઇટલ જીતી ચૂકેલી એમઆઇની ટીમ મંગળવારે ચંડીગઢથી ધરમશાલા પહોંચી હતી, પણ એ બૅચમાં હાર્દિક કે કાર્યવાહક સુકાની સૂર્યકુમાર યાદવ નહોતા. સૂર્યકુમારની વાત નીકળી છે તો ખાસ કહેવાનું કે તાજેતરમાં જ તેની પત્ની દેવિશાએ પુત્રીને જન્મ આપ્યો હતો.
મુંબઈની છેલ્લી ત્રણ લીગ મૅચની વિગત આ મુજબ છેઃ ગુરુવારે ધરમશાલામાં પંજાબ સામે, 20મી મેએ ઈડન ગાર્ડન્સમાં કોલકાતા સામે અને 24મી મેએ વાનખેડેમાં રાજસ્થાન વિરુદ્ધ.