Fri May 22 2026

Logo

હરભજન સિંહ લાલઘૂમ: 'પંજાબની રાજ્યસભા સીટ કેટલામાં વેચી?', AAP પર લગાવ્યા ગંભીર આરોપ

2026-05-22 19:05:40
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી/અમૃતસરઃ ગત મહિને  આમ આદમી પાર્ટી (આપ) છોડીને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નો ખેસ પહેરનાર રાજ્યસભા સાંસદ તથા પૂર્વ ક્રિકેટર હરભજન સિંહનો આકરો મિજાજ જોવા મળ્યો છે. તેમણે એ લોકોને કહી સંભળાવ્યું જેઓ એમને ગદ્દાર કહેતા હતા. સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને પૂર્વ ક્રિકેટરે આમ આદમી પાર્ટીના ઉચ્ચ નેતૃત્વ પર પંજાબને લૂંટીને ભોગ-વિલાસ કરવાનો આરોપ મૂક્યો હતો. આ સાથે સવાલ કર્યો હતો કે, પંજાબ રાજ્યસભાની રાજ્યસભાની બેઠક કેટલામાં વેચી હતી. તેમણે એવો પણ આરોપ મૂક્યો હતો કે, પંજાબ રાજ્યસભાની સીટથી લઈને મંત્રીપદ સુધી બધું વેચાયેલું હતું.

મેં કોઈને અપશબ્દો કહ્યા નથી

હરભજન સિંહે ટ્વિટર પર પોસ્ટ મૂકતા કહ્યું કે, સમય આવતા જ તમારી દરેક વાતનો જવાબ આપવામાં આવશે, મેં તમારા કોઈ નેતાને કોઈ ગાળો આપી નથી. હું મારી જીભ શા માટે બગાડું? મને ગદ્દાર કહેનાર પહેલા પોતાના લોકોને પૂછો કે, પંજાબમાં રાજ્યસભાની સીટ કેટલામાં વેચી હતી. જો એ ન બોલે તો હું તમને જણાવીશ. કોને કેટલો ચઢાવો ચઢાવવામાં આવ્યો હતો. 

એ પણ કોના તરફથી. કેવી રીતે કોને મંત્રી બનાવવામાં આવ્યા, પંજાબને લૂંટવા માટે લાલાને માલ પહોંચાડવા માટે, પંજાબને લૂંટી લીધું આ લોકોએ. આ પોસ્ટ પર દેવેન્દર યાદવ નામના યુઝરે એમના પર ગદ્દાર હોવાના આરોપ મૂક્યા હતા. યાદવે હરભજનને સવાલ કર્યો હતો કે, એવી તે કઈ મજબૂરી હતી કે પંજાબના 800થી વધુ ખેડૂત ભાઈઓના મૃત્યુના જવાબદાર ભાજપમાં તેઓ ચાલ્યા ગયા?

કેન્દ્ર સરકારે આપી સુરક્ષા

ભાજપમાં જવા બદલ તમે તમારા અસ્તિત્વની કેટલી કિંમત જણાવી છે? રાઘવ ચઢ્ઢાએ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેર્યા બાદ આમ આદમી પાર્ટીના સાત સાંસદોએ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લીધો હતો. 24 એપ્રિલના તેઓ ભાજપમાં જોડાયા હતા. આમ આદમી પાર્ટી છોડનારાઓમાં રાઘવ ચઢ્ઢા, હરભજન સિંહ, રાજેન્દ્ર ગુપ્તા અને અશોક મિત્તલના ઘરની બાહર સમર્થકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. એમના ઘરની દીવાલ પર ગદ્દાર લખી દેવામાં આવ્યું હતું. 

એટલું જ નહીં પંજાબ સરકારે એમની સુરક્ષા પણ પાછી ખેંચી લીધી હતી. પંજાબ સરકારે સુરક્ષા પરત ખેંચ્યા બાદ કેન્દ્ર સરકારે સુરક્ષા પૂરી પાડી હતી. સાંસદના લુધિયાણા અને જલંધરમાં આવેલા ઘર પર સીઆરપીએફની ટુકડી સુરક્ષા હેતું પહોંચી હતી. હરભજન સિંહનું રાજકીય કરિયર વર્ષ 2022માં શરૂ થયું હતું. 18જુલાઈના તેમણે રાજ્યસભાના સાંસદ તરીકે શપથ લીધા હતા.