હેન્રી શાસ્ત્રી
એક જ સાહિત્યકૃતિ પરથી બે ભિન્ન ભાષામાં બનાવેલી ફિલ્મને નેશનલ અવૉર્ડ મળ્યો હોય એવા ગોવિંદ સરૈયા સંભવત: એકમાત્ર અથવા પ્રથમ ગુજરાતી દિગ્દર્શક હોવા જોઈએ.
ગોવર્ધનરામ ત્રિપાઠીની મશહૂર નવલકથા ‘સરસ્વતીચંદ્ર’ પર આધારિત એ જ નામની હિન્દી ફિલ્મને શ્રેષ્ઠ સંગીતકારનો નેશનલ અવૉર્ડ મળ્યો હતો. 1972માં સરૈયા સાહેબે એ નવલકથાના ગુણસુંદરીના પાત્રને કેન્દ્રમાં રાખીને ‘ગુણસુંદરીનો ઘરસંસાર’ ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મને 1972નો શ્રેષ્ઠ ગુજરાતી ચલચિત્રનો રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત થયો હતો.
‘સરસ્વતીચંદ્ર’ નવલકથાના ગુણસુંદરી પાત્રના સંયુક્ત કુટુંબવ્યવસ્થામાં રહીને સામાજિક સંઘર્ષો અને પતિનિષ્ઠ પત્નીની મનોવેદનાને ફિલ્મમાં વાચા આપવામાં આવી છે. નવલકથાના ચાર ભાગ પૈકી બીજા ભાગ ‘ગુણસુંદરીનું કુટુંબજાળ’ પર આધારિત આ ચિત્રપટમાં ગુણસુંદરી આજના યુગમાં અલોપ થઈ ગયેલી આદર્શ ગૃહિણી છે. પરિવાર અને પારિવારિક જીવનને મહત્ત્વ આપતી આ ગૃહિણી કુટુંબની મર્યાદામાં રહીને આધુનિક રીતભાત અપનાવી પતિ વિદ્યાચતુરને પાછો પોતાની તરફ વાળી સાચી જીવનસંગિની બને છે. ફિલ્મમાં કલ્પના દિવાન, કિશોર જરીવાલા, કે.કે. (કૃષ્ણકાંત ભૂખણવાલા) અને કાનન કૌશલ મુખ્ય કલાકાર હતા.
ગોવર્ધનરામ ત્રિપાઠી અને ગોવિંદ સરૈયા વચ્ચે પ્રથમ અક્ષરનું સામ્ય હોવા ઉપરાંત એક સામ્ય એ હતું કે બંનેનું જન્મસ્થાન નડિયાદ. આ સ્થૂળ સામ્ય સિવાય બેઉમાં સાહિત્ય પ્રત્યે તીવ્ર પ્રમાણમાં રુચિનું પણ સામ્ય હતું. ફિલ્મોમાં ગોવિંદ સરૈયાનો પ્રવેશ 1960ના દાયકાના ઉત્તરાર્ધમાં થયો, પણ તેમને રંગભૂમિ માટે આકર્ષણ કિશોરાવસ્થાથી જ હતું. મુંબઈ આવ્યા પછી તેમણે હોમી વાડિયા દિગ્દર્શિત ‘બાલમ’ ફિલ્મના સિનેમેટોગ્રાફર જિમી કાપડિયાના સહાયક તરીકે કામ કર્યું હતું. ત્યારબાદ ડોક્યુમેન્ટરી ફિલ્મો સાથે પણ સંકળાયા. ડોક્યુમેન્ટરી ફિલ્મોના કામને પ્રશંસા મળતા ગોવિંદ સરૈયાને ફિલ્મ ડિવિઝનમાં નોકરી મળી, જ્યાં તેમણે પચીસેક ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી. તેમની દસ્તાવેજી ફિલ્મો રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સન્માન મેળવવામાં સફળ રહી હતી.
અહીં રસપ્રદ વાત એ છે કે ગોવર્ધનરામ ત્રિપાઠીનું ગુણસુંદરીનું સશક્ત પાત્ર અનેક ફિલ્મમેકરોને આકર્ષી ગયું હતું. ‘ગુણસુંદરી’ ટાઈટલ ધરાવતું ચલચિત્ર મૂક ગુજરાતી ચલચિત્રોના ગાળા દરમિયાન 1924માં તૈયાર થયું હતું અને 1931માં બોલપટનો યુગ શરૂ થયા પછી બે વખત 1934 અને 1948માં પણ એનું નિર્માણ થયું હતું. ગોવર્ધનરામની આ નવલકથાના સશકત પાત્ર ગુણસુંદરી પર આધારિત ત્રણ ફિલ્મો વિશે વાકેફ થઈએ....
મૂક ફિલ્મોના દોર પર નજર નાખતા એક બાબત ઊડીને આંખે વળગે છે કે પૌરાણિક કથાવસ્તુ ધરાવતી ફિલ્મોનું મહત્તમ નિર્માણ થયું હતું. એ સમયકાળમાં સફળતા મેળવવી હોય તો પૌરાણિક ફિલ્મો બનાવવી એવો વણલખ્યો નિયમ જાણે કે બની ગયો હતો. ‘નરસિંહ મહેતા’ (મૂક ફિલ્મ), ‘સતી સાવિત્રી’, ‘ભક્ત સુરદાસ’ ઇત્યાદિ ફિલ્મો બની સારો પ્રેક્ષકવર્ગ મેળવી રહી હતી.
શેરબજારમાંથી ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશનારા જામનગરના ખંતીલા યુવાન ચંદુલાલ શાહે લક્ષ્મી ફિલ્મ કંપની માટે ‘પંચદંડ’ ફિલ્મથી દિગ્દર્શક તરીકે પ્રારંભ કર્યો. હાથ બેસી જતા તેમણે 1927માં ‘ગુણસુંદરી’ મૂકપટ બનાવ્યું. સંયુક્ત કુટુંબ-વ્યવસ્થામાં રહી સામાજિક સંઘર્ષ કરતી પતિનિષ્ઠ પત્નીની મનોવેદનાને આ ચલચિત્રમાં વાચા આપવામાં આવી હતી. માત્ર બાવીસ દિવસમાં તૈયાર થયેલા સામાજિક અભિવ્યક્તિના રૂપેરી અવતારને બહોળો આવકાર મળ્યો હતો.
ચલચિત્રમાં ગુણસુંદરીનું પાત્ર ગૌહર બાનુએ ભજવ્યું હતું. ‘ગુણસુંદરી’ને મળેલી વ્યાવસાયિક સફળતાને પગલે ચંદુલાલ શાહે ‘રણજિત મૂવિટોન કંપની’ની સ્થાપના કરી હતી. ટૂંકમાં ‘ગુણસુંદરી’ એક ગુજરાતી ફિલ્મ સાહસિકના પ્રભાવી યુગના પ્રારંભમાં નિમિત્ત બની હતી. ફિલ્મમાં ગૌહર બાનુના અભિનય અને ચંદુલાલ શાહના દિગ્દર્શનની પ્રશંસા થઈ હતી.
1931થી શરૂ થયેલો બોલપટ યુગ ધમધમવા લાગ્યો હતો. 1934માં ચંદુલાલ શાહએ ‘રણજિત ફિલ્મ કંપની’ના નેજા હેઠળ બોલપટ ‘ગુણસુંદરી’નું પુન: નિર્માણ કર્યું. આ ફિલ્મમાં સુધ્ધાં ગુણસુંદરીની ભૂમિકા ગૌહર બાનુએ જ ભજવી હતી. એ સમયે પ્રભાવી ગણાય એવા 14 અઠવાડિયા સુધી આ ફિલ્મ ચાલી હતી અને લોકપ્રિયતા મેળવી હતી. ફિલ્મમાં એક પાત્ર કમલાબાઈ ગોખલેએ સાકાર કર્યું હતું. એમના પૌત્ર વિક્રમ ગોખલેએ પછીના વર્ષોમાં મરાઠી નાટકો - ચલચિત્રો અને હિન્દી ફિલ્મોમાં ખાસ્સો ઠસો ઉમટાવ્યો હતો.
ચંદુલાલ શાહે ‘ગુણસુંદરી’ની પહેલી રી-મેક 7 વર્ષ પછી બનાવી તો બીજી રી- મેક 14 વર્ષ પછી 1948માં બનાવી. આ ફિલ્મ હિન્દી અને ગુજરાતીમાં સાથે તૈયાર થઈ હતી. 1947માં તૈયાર થઈ ગઈ હતી, પણ ભારત - પાકિસ્તાન ભાગલાને કારણે એ 1948માં જ રિલીઝ થઈ શકી હતી. દિગ્દર્શક રતિભાઈએ કોકિલા બલસારા (જે પછી નિરૂપા રોય તરીકે પ્રખ્યાત થયાં) નામની નવી હીરોઈનને સાઈન કરી હતી. પરિણીત પરિવારનું બાહરી સમસ્યાથી રક્ષણ કરી એને બાંધી રાખે છે એ કથાબીજ જાળવી રાખી ગુજરાતી ફિલ્મ માટે નવેસરથી લખાયેલી પટકથામાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા હતા.
ગોપાલદાસ શેઠના જ્યેષ્ઠ પુત્ર ચંદ્રકાન્ત (મનહર દેસાઈ)નાં લગ્ન ગુણિયલ (નિરૂપા રોય) સાથે થાય છે. વંઠેલ મિત્ર સુધાકર (બાબુ રાજે) ચંદ્રકાન્તની ઓળખાણ ગણિકા નીલમણિ (સરસ્વતી) સાથે કરાવે છે. ચંદ્રકાન્ત શરાબની લતે ચડી જાય છે અને એ સતત પૈસાની માગણી કરતી પ્રેમિકા અને ત્યાગમૂર્તિ પત્ની વચ્ચે ઝોલા ખાય છે. અંતે ચંદ્રકાન્તની સાન ઠેકાણે આવે છે અને એ પત્ની પાસે પાછો ફરે છે.
અવિનાશ વ્યાસ લિખિત અને સ્વરબદ્ધ ગીત ‘ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી’ સુપરહિટ થયું હતું. ફિલ્મનું શૂટિંગ ઝપાટાબંધ આશરે પાંત્રીસ દિવસમાં આટોપી લેવામાં આવ્યું હતું. મુંબઈના ‘સ્વસ્તિક’ થિયેટરમાં એની રજતજયંતી ઊજવાઈ હતી. ગુજરાત સુધ્ધામાં એને સારો આવકાર મળ્યો હતો. આ ફિલ્મથી નિરૂપા રોયની ખ્યાતિમાં ભરતી આવી હતી.