Sun Sep 06 2026

Logo

યુદ્ધને કારણે ફરસાણના શોખીનોની મુશ્કેલી વધશે, શું જલેબી-ફાફડાનો નાસ્તો નહીં મળે?

2026-03-11 19:04:08
Author: Vimal Prajapati
યુદ્ધને કારણે ફરસાણના શોખીનોની મુશ્કેલી વધશે, શું જલેબી-ફાફડાનો નાસ્તો નહીં મળે?

ભુજઃ અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે છેલ્લા બાર દિવસથી ચાલી રહેલા યુદ્ધને પગલે ફારસની ખાડીમાં આવેલી સ્ટ્રેઇટ ઓફ હોર્મુઝને ઈરાને બંધ કરી દીધો છે. જેના કારણે હવે અખાતી દેશોમાં આવેલી ઓઇલ રિફાઇનરીઓ પર કરાતા હુમલા તેમજ અમેરિકા-ઇઝરાયેલ દ્વારા ઈરાનની ઓઇલ રિફાઇનરી પર કરાતા હુમલાને કારણે વિશ્વભરમાં ક્રૂડ ઓઇલ તેમજ લીકવીડ નેચરલ ગેસ (એલએનજી)ના પુરવઠા પર થયેલી ગંભીર અસરોને કારણે ભારત પર પણ તેલ-ગેસ સંકટ દિન-પ્રતિદિન ગંભીર બનતું જાય છે. 

સરકારે રસોઈ ગેસ તેમજ ઔદ્યોગિક ગેસના સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો હોવાના પણ દાવો કરવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત ઔદ્યોગિક એકમોને પાઈપલાઈન દ્વારા અપાતા ગેસના પુરવઠા પર પણ અંકુશ મુક્યો છે ત્યારે હવે કચ્છમાં પણ દિલ્હી, મુંબઈ જેમ ગેસના સિલિન્ડરની અછત વર્તાવી શરૂ થઇ છે અને કચ્છમાં આવેલા સંખ્યાબંધ રેસ્ટોરન્ટ, ચા-પાણી નાસ્તાના ગલ્લા બંધ થવાને આરે પહોંચ્યા છે. 

ભુજની જુદી-જુદી ફરસાણોની દુકાનોમાં કેટલાક દુકાનદારો દ્વારા પોત પોતાની દુકાનોની બહાર ગલ્લા ગોઠવી, સમોસા, કચોરી, ફાફડા તેમજ વણેલા ગાંઠિયા જેવા નાસ્તા વહેંચાય છે પણ આવા દુકાન બહાર ગોઠવાયેલા ગલ્લા બંધ કરી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. 

ભુજના એક જાણીતા ફરસાણના કારીગર અને મુંદરા રિલોકેશન સાઈટ પર ફરસાણનો શો-રૂમ ધરાવતા જયસુખભાઇ કંદોઈના જણાવ્યા પ્રમાણે, રાંધણ ગેસના બાટલાઓની અછતને કારણે હવે તકલીફ પડવી શરૂ થઇ છે. અમારા દુકાનની બહાર રાખેલાં તાવડા 'ઠારી' દેવા પડ્યા છે. વધુમાં જણાવ્યું કે, આ પરિસ્થિતિ ફરસાણના મોટા વેપારીઓ કરાતાં લારી-ગલ્લા વાળાઓ માટે વધુ કફોડી બની છે. કારણ કે, મોટી દુકાનો વાળા પાસે 'ડીઝલ ભઠ્ઠા'ની વ્યવસ્થા હોય છે, જો કે તેના પર મોટા જથ્થામાં ફરસાણ બનાવવું પડતાં ગરમ નાસ્તાના શોખીન લોકો માટે ગરમા ગરમ ફાફડા-જલેબીનો નાસ્તો હાલમાં મળી રહેવો મુશ્કેલ છે.

આવી પરિસ્થિતીને કારણે ડીઝલ ભઠ્ઠાની માંગમાં વધારો થઇ રહ્યો છે, જો કે ડીઝલ પણ કેટલો સમય સરળતાથી મળી રહે છે તે હવે જોવાનું રહે છે તેમ તેઓએ ઉમેર્યું હતું. આજે ભુજમાં પ્રણાલીગત રીતે ઊભીને ફરસાણ વહેંચતા ફેરિયાઓએ જણાવ્યું હતું કે, રોજે રોજનું કમાઈને ગુજરાન ચલાવતા ફરસાણના નાના કારીગરો માટે ડીઝલના ભઠ્ઠાની ખરીદી કરવી એ સહેલું કામ નથી. ભુજ ઉપરાંત અંજાર, ગાંધીધામ, માંડવી, મુંદરા, રાપર, નલિયા અને નખત્રાણા ખાતે પણ આવી પરિસ્થિતિ ઉભી થઇ રહી છે. જો આ યુદ્ધ લાંબુ ચાલશે તો આગામી દિવસોમાં રાંધણ ગેસના બાટલાની સમસ્યા ગૃહિણીઓના રસોડાં સુધી પહોંચશે. 

(ઉત્સવ વૈધ)