Sun May 10 2026

Logo

ગુજરાતમાં ગરમી ગાભા કાઢશે, પરેશ ગોસ્વામીએ કરી વરસાદની તારીખવાર આગાહી

2026-05-08 08:33:00
Author: Mayur Kumar Patel
Article Image

અમદાવાદઃ ગુજરાત પર સાયક્લોનિક સર્કુલેશન સક્રિય થવાથી 11 મે સુધી માવઠું થવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યમાં ગરમી અને ઉકળાટ વધશે તેમજ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે.  રાજ્યના 8 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર થઈ ગયો છે. આ દરમિયાન 9 થી 12  મે સુધી ગરમીનું યલો એલર્ટ પણ જાહેર કર્યું છે. 11 અને 12 મે ના રોજ હીટવેવની શક્યતા છે. જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગરમી, ગુજરાતમાં ચોમાસના આગમનને લઈ આગાહી કરી છે.

શું છે પરેશ ગોસ્વામીની આગાહી

મુંબઈ સમાચાર સાથે વાત કરતાં પરેશ ગોસ્વામીએ કહ્યું, આગામી દિવસોમાં ગરમી છેલ્લા 15 થી 17 વર્ષના રેકોર્ડ તોડી શકે છે. 12 થી 18 મે દરમિયાન ગરમીનો પારો આસમાને પહોંચશે અને પરસેવો છોડાવી દેશે.  અત્યારે વરસાદ કે માવઠું થવાની સંભાવના ખૂબ જ ઓછી છે, એટલે કે સૂર્કી અને આકરી ગરમીનો સામનો કરવો પડશે.

પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં રાજ્યના અનેક ભાગોમાં ગરમીનું જોર વધશે અને લોકોએ હીટવેવનો સામનો કરવો પડશે. બીજી તરફ, ખેડૂતોમાં જેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે તે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી ક્યારે શરૂ થશે? તે અંગે પણ પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું, કેટલીક વખત ખેડૂતોને પ્રિ-મોન્સૂન એક્ટિવિટીમાં નુકસાન થતું હોય છે. વરસાદી ઝાપટાથી ઉનાળું પાક જેવા કે તલ, અડદ, મગ, મગફળીમાં થોડું નુકસાન થાય છે. આંબાના બગીચામાં કેરીનું ફ્લાવરિંગ લાગેલું હોય તો તેને પણ નુકસાન થાય. ખેડૂતોને આમાં નુકસાન જતું હોય છે.

 

ગુજરાતમાં ક્યારે થશે ચોમાસાની એન્ટ્રી?

ગુજરાતમાં ચોમાસાનો પ્રવેશ દ્વાર વલસાડ જિલ્લો ગણાય છે. વરસાદની સૌપ્રથમ એન્ટ્રી 15 જૂન આસપાસ વલસાડમાં થતી હોય છે. બનાસકાંઠા સુધી પહોંચવામાં સંપૂર્ણ જૂન મહિનો પૂર્ણ થઈ જતો હોય છે, ઘણીવાર જુલાઈના પ્રથમ સપ્તાહમાં પણ પહોંચતું હોય છે. ટૂંકમાં 15 જૂન આસપાસ ચોમાસું ગુજરાતમાં પહોંચી જશે, વાવણી બે થી ત્રણ રાઉન્ડમાં હશે. જૂન મહિના પ્રથમ અઠવાડિયામાં એટલે કે 4 જૂનથી લઈ 7-8 જૂન સુધીમાં એક પ્રિ-મોન્સૂન એક્ટિવિટીનો રાઉન્ડ આવશે. 

15 જૂન આસપાસ જે વરસાદ પડશે તે અમુક છૂટાછવાયા વિસ્તારમાં હશે, સાર્વત્રિક નહીં હોય. વાવણી લાયક વરસાદનો બીજો રાઉન્ડ 22 થી 27 જૂનમાં આવી શકે છે, તેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના તમામ વિસ્તારને આવરી લેશે. જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયામાં ઓલ ઓવર ગુજરાતમાં ચોમાસું ફરી વળશે. એમ ત્રણ રાઉન્ડમાં ચોમાસું ગુજરાતમાં આગળ વધશે.  

ગઈકાલે રાજ્યના 18 શહેરોમાં તાપમાન 40ને પાર

ગઈકાલે અમદાવાદ, રાજકોટ સહિત રાજ્યના 18 શહેરોમાં ગરમીએ હાહાકાર મચાવ્યો હતો અને તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું હતું. અમદાવાદની વાત કરીએ તો, આગામી ત્રણ-ચાર દિવસ આકાશ મુખ્યત્વે ચોખ્ખું રહેશે અને વરસાદની કોઈ જ શક્યતા નથી. 

હવામાન વિભાગે 10મી તારીખે કચ્છ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, વડોદરા, સુરતમાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી કરી છે. 11મી તારીખના રોજ બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, સુરતમાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી કરી છે. 12મી તારીખના રોજ બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, દ્વારકા, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદમાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી કરી છે. 13મી તારીખે બનાસકાંઠા, પાટણ અને દેવભૂમિ દ્વારકામાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી કરવામાં આવી છે.