અમદાવાદઃ ગુજરાત પર એકથી વધુ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યભરમાં ચોમાસાનો માહોલ જામ્યો છે. જોકે તેમ છતાં કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હજુ જોઈએ તેવો વરસાદ પડ્યો નથી. જેના કારણે આ વિસ્તારો રાજ્યના સૌથી ગરમ પ્રદેશો રહ્યા હતા. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ચોમાસાએ હાલમાં સમગ્ર દક્ષિણ ગુજરાતની સાથે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોને આવરી લીધા છે. જો કે, કચ્છ, બનાસકાંઠા, પાટણ, વાવ-થરાદ, મહેસાણા અને સાબરકાંઠાના કેટલાક વિસ્તારોમાં હજી ચોમાસાનું આગમન બાકી છે, જેના કારણે આ વિસ્તારોમાં તાપમાન રાજ્યના બાકીના ભાગો કરતા ઊંચું રહ્યું છે.
6 જુલાઈના રોજ સવારે 8.30 વાગ્યે બહાર પાડવામાં આવેલા હવામાન વિભાગના અહેવાલ મુજબ, રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન ડીસા અને કંડલામાં 37 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ત્યારબાદ ભુજમાં 36 ડિગ્રી, અમદાવાદમાં 35.4 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 34.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
અમદાવાદમાં 5 જુલાઈના રોજ મહત્તમ તાપમાન 35.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 0.7 ડિગ્રી વધુ હતું અને તે રાજ્યના ચાર મુખ્ય શહેરોમાં સૌથી ગરમ રહ્યું હતું. આ સિવાય મહત્તમ તાપમાન સુરતમાં 31 ડિગ્રી, વડોદરામાં 33.2 ડિગ્રી અને રાજકોટમાં 32.3 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું.

બીજી તરફ, અમરેલીમાં સૌથી ઓછું મહત્તમ તાપમાન માત્ર 28.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 5 ડિગ્રી ઓછું હતું. દીવમાં મહત્તમ તાપમાન 28.8 ડિગ્રી અને વેરાવળમાં 29.6 ડિગ્રી નોંધાયું હતું.
લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો, કંડલામાં 29.5 ડિગ્રી, ઓખામાં 28 ડિગ્રી, વડોદરામાં 28.1 ડિગ્રી, ભુજ અને દ્વારકામાં 28.4 ડિગ્રી, જ્યારે અમદાવાદ અને ગાંધીનગર બંનેમાં લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
રાજ્યના દક્ષિણ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં સવારની ભેજનું પ્રમાણ ઊંચું રહ્યું હતું. સુરતમાં સાપેક્ષ ભેજનું પ્રમાણ ૯૮ ટકા, રાજકોટમાં ૯૭ ટકા, અમરેલી અને વેરાવળમાં ૯૨ ટકા, જ્યારે અમદાવાદમાં ૭૭ ટકા સાપેક્ષ ભેજ નોંધાયો હતો.
હવામાન વિભાગે આજે સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દમણ, દાદરા અને નગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. જ્યારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને નર્મદામાં ઑરેન્જ એલર્ટ તથા જૂનાગઢ, રાજકોટ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.