અમદાવાદ/નવી દિલ્હીઃ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના વાતાવરણમાં ફરી પલટો આવ્યો છે. બુધવારે કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો. જે બાદ આજે પણ હવામાન વિભાગે કેટલાક વિસ્તારમાં માવઠાની આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણે, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં શિયાળાની વિદાય અને ઉનાળાના આગમન વચ્ચે અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી છે. જે મુજબ, 22 ફેબ્રુઆરી બાદ રાજ્યના વાતાવરણમાં મોટો ફેરફાર થશે. ઉત્તર ભારતમાં સક્રિય થનારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાત પર માવઠાનું જોખમ તોળ ઈ રહ્યું છે. જેની અસર સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે. વલસાડ અને નવસારી જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને છૂટાછવાયા વરસાદી ઝાપટાં પણ પડી શકે છે.
મહારાષ્ટ્રમાં કેવું રહેશે હવામાન
મહારાષ્ટ્રના હવામાનમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ફેરફાર જોવા મળી રહ્યો છે. ફેબ્રુઆરી મહિનાના અંતિમ દિવસોમાં ગરમીનો ગ્રાફ ઊંચે ચઢવા લાગ્યો છે. ખાસ કરીને મુંબઈ અને કોંકણના દરિયાકાંઠાના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી સ્થિર રહેલા હવામાનમાં પલટો આવતા તાપમાનમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. 19 ફેબ્રુઆરીએ વધતા જતા મહત્તમ તાપમાનને કારણે ગરમીનો પ્રકોપ વધુ અનુભવાશે. આગામી 5 દિવસ સુધી મહારાષ્ટ્રમાં લઘુત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થઈ સકે છે.
દેશના અન્ય રાજ્યોનું હવામાન
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર-પશ્ચિમ ભારત અને મેદાની રાજ્યોમાં મોસમનો મિજાજ ફરી એક વખત બદલાયો છે. ભારતીય હવામાન વિભાગના તાજેતરના અપડેટ અનુસાર, દક્ષિણ-પૂર્વ પાકિસ્તાન અને તેની આસપાસના પશ્ચિમ રાજસ્થાન પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ચક્રવાતી પવનના સ્વરૂપમાં સક્રિય છે. દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર પવનો ફૂંકાઈ રહ્યા છે, જ્યારે પૂર્વ-મધ્ય અરબી સમુદ્રથી લઈને મધ્ય પ્રદેશ, ગુજરાત અને દક્ષિણ-પૂર્વ રાજસ્થાન પર એક લો પ્રેશર સર્જાયું છે.
ભારતીય હવામાન વિભાગે હરિયાણા, મધ્ય પ્રદેશ, પૂર્વ રાજસ્થાનમાં કરાનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. ઉપરાંત ઉત્તર પ્રદેશ, પંજાબ, પશ્ચિમ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વીજળીની આગાહી કરી છે. તેમજ હળવો વરસાદ પડી શકે છે. ભારતના ઉત્તર-પશ્ચિમ મેદાની વિસ્તારોમાં આગામી 2 દિવસ સુધી મહત્તમ તાપમાનમાં ધીમે-ધીમે 2-4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના છે.
ઉત્તર-પશ્ચિમ ભારતમાં આગામી 48 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં ધીમે-ધીમે 2-4 ડિગ્રી સેલ્સિયસ નો ઘટાડો થવાની શક્યતા છે અને ત્યારબાદ 5 દિવસ સુધી કોઈ ખાસ ફેરફારની સંભાવના નથી. પૂર્વ ભારતમાં આગામી 2 દિવસમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી અને ત્યારબાદ 2 દિવસમાં ધીમે-ધીમે 2-3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે. તે પછી કોઈ ખાસ ફેરફારની સંભાવના નથી. ઉત્તર-પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં આગામી 24 કલાકમાં મહત્તમ તાપમાનમાં 2-4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે, ત્યારબાદ 2 દિવસ સુધી ધીમે-ધીમે 2-4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે. મધ્ય ભારતમાં આગામી 5 દિવસમાં મહત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થવાની સંભાવના નથી અને ત્યારબાદના 2 દિવસમાં ધીમે-ધીમે 2-3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે.