Thu Sep 17 2026

Logo

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પૂર્વ મંત્રી જવાહર ચાવડાની અપીલથી રાજકારણ ગરમાયું; જુઓ Video

2026-04-11 15:49:23
Author: Devayat Khatana
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પૂર્વ મંત્રી જવાહર ચાવડાની અપીલથી રાજકારણ ગરમાયું; જુઓ Video

અમદાવાદ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ છે, ત્યારે એક સમયે કોંગ્રેસના મોટા નેતા, કેબિનેટ પ્રધાન રહેલા અને બાદમાં ભાજપના નેતા બનેલા જવાહર ચાવડાએ એક વીડિયો શેર કર્યો છે, જેને સ્થાનિક રાજકારણમાં ખૂબ ચર્ચા જગાવી છે. ફેસબૂક પર અપલોડ કરેલા આ વીડિયોમાં જવાહર ચાવડાએ પક્ષ જોવાને બદલે ઉમેદવાર જોઈને મતદાન કરવાની અપીલ છે. 

માણાવદરના પૂર્વ ધારાસભ્ય અને કેબિનેટ પ્રધાન જવાહર ચાવડાએ આગામી ચૂંટણી પૂર્વે સોશિયલ મીડિયાના માધ્યમથી મતદારોને એક મહત્વપૂર્ણ સંદેશ પાઠવી રાજકીય ગરમાવો લાવી દીધો છે. જવાહરભાઈએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર એક વીડિયો શેર કરીને ખાસ કરીને યુવા મતદારોને સૂચક હાકલ કરી છે કે, તેઓ કોઈપણ પક્ષની વિચારધારામાં અંધ રીતે વહેવાને બદલે જાગૃત બને. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, લોકશાહીમાં મત એ જનતાની શક્તિ છે અને તેનો ઉપયોગ ખૂબ જ સમજી-વિચારીને કરવો જોઈએ.

ચૂંટણી પૂર્વેના આ સંદેશમાં તેમણે અપીલ કરી છે કે, મતદારોએ પક્ષના પ્રતીકને જોવાને બદલે એવા ઉમેદવારની પસંદગી કરવી જોઈએ જે જનતાની પાયાની સમસ્યાઓ સાંભળે અને તેને ઉકેલવાની ક્ષમતા ધરાવતો હોય. જવાહરભાઈએ લોકશાહીમાં વ્યક્તિગત અને સ્થાનિક પ્રશ્નોના નિરાકરણને પ્રાધાન્ય આપવાની હિમાયત કરી છે. પૂર્વ મંત્રીની આ અપીલને પગલે મતદારોમાં જાગૃતિ લાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે, જેણે સ્થાનિક રાજકારણમાં ચર્ચા જગાવી છે.