અમદાવાદઃ ગુજરાતમાં સ્કૂલો, નિચલી અદાલતોને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીભર્યા ઈમેલ્સ મોકલવાના કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી હતી. ખાલિસ્તાનના નામે ધમકી આપતો શખ્સ પશ્ચિમ બંગાળથી પકડવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ધમકીભર્યા ઈમેલ્સના કેસમાં આ પહેલી ધરપકડ છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમ યુનિટ દ્વારા સંયુક્ત ઓપરેશન દરમિયાન બિશ્વાસ નામના શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મંગળવારે આરોપીને કસ્ટોડિયલ પૂછપરછ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે કથિત કાવતરાની વિગતવાર પૂછપરછ અને વધુ તપાસ માટે 5 માર્ચ સુધી પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ સાથે અધિકારીઓએ જણાવ્યું હતું કે ઇમેઇલ્સ મોકલવામાં અન્ય વ્યક્તિઓ સામેલ હતા કે નહીં તે અંગેની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.
ગુજરાત હાઈકોર્ટને મોકલવામાં આવેલા ધમકીભર્યા ઈમેલ્સ સાથે પણ આ આરોપીનો કોઈ સંબંધ છે કે નહીં, તે અધિકારીઓ ચકાસી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે 17 ડિસેમ્બર, 2025ના રોજ લગભગ 26 સ્કૂલને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપવામાં આવી હતી. ત્યારબાદ 23મી જાન્યુઆરી, 2026ના રોજ 15 જેટલી સ્કૂલને ધમકી મળી હતી.
ફરી 16મી ફેબ્રુઆરી, 2026ના રોજ અમદાવાદ અને વડોદરાની લગભગ 40 જેટલી સ્કૂલને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીભર્યા ઈમેલ્સ મળ્યા હતા. આ પ્રકારના ઈમેલ્સ મળ્યા બાદ પોલીસ સહિતની તપાસ એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી. સ્કૂલને ખાલી કરાવવી પડી હતી અને બાળકો, વાલીઓ અને સ્કૂલ સંચાલકોમાં ચિંતા પ્રસરી હતી. જોકે દરેક વખતે કોઈપણ પ્રકારની જોખમી સામગ્રી મળી ન હતી.