રાજકોટ: ગુજરાતના આગામી બે દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જે અંતર્ગત આજે અને 1 ઓગસ્ટ શનિવારના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જેમાં બોટાદ, ભાવનગર, મોરબી અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા, જૂનાગઢ અને જામનગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જેના પગલે શનિવારે રાજકોટ શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.
જિલ્લામાં આપત્તિ વ્યવસ્થાપન અંગે પૂરતી તૈયારીઓ
હવામાન વિભાગની આગાહીના પગલે સ્થાનિક વહીવટીતંત્ર પણ એક્શનમાં આવ્યું છે. તેમજ સમગ્ર તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે. તેમજ લોકોને પરિસ્થિતિ ગંભીર બને તો સલામત સ્થળે સ્થળાંતર કરવા સૂચના આપવામાં આવી છે. તેમજ
ડિઝાસ્ટર મેનેજમેન્ટના ભાગરૂપે જિલ્લામાં આપત્તિ વ્યવસ્થાપન અંગે પૂરતી તૈયારીઓ કરવામાં આવી છે.
ડૉ. જયંતિ રવીએ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત લીધી
આ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતિ રવીએ ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)ની મુલાકાત લીધી હતી. રાહત કમિશનર શ્રી ગૌરાંગ મકવાણા પાસેથી સમગ્ર સ્થિતિની વિગતો મેળવ્યા બાદ ડૉ. રવીએ કંટ્રોલ રૂમની મુલાકાત લઈ તમામ ટીમોને ચોવીસ કલાક એલર્ટ મોડ પર રહેવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.