Fri Sep 04 2026

Logo

વિકાસના કામો માટે જમીન સંપાદીત કરવા નવો નિયમઃ સંપાદીત જમીન એક વર્ષ માટે બિનખેતી કરી શકાશે નહીં

2026-06-04 15:17:54
Author: Pooja Shah
વિકાસના કામો માટે જમીન સંપાદીત કરવા નવો નિયમઃ સંપાદીત જમીન એક વર્ષ માટે બિનખેતી કરી શકાશે નહીં


(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ વિકાસ કામો માટે સંપાદીત કરવામાં આવતી જમીન જો બિનખેતી લાયક હોય તો તેનું વળતર વિકાસ કાર્યો કરતી એજન્સીએ બજારભાવ અનુસાર અથવા તેના કરતા પણ વધારે ચૂકવવાનું રહે છે. આથી જે તે પ્રોજેક્ટનો ખર્ચ વધી જાય છે. આ સ્થિતિને ટાળવા માટે ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે એક નવો પરિપત્ર બહાર પાડ્યો છે. આ પરિપત્રમાં જે તે વિસ્તારોમાં કોઈપણ વિકાસકાર્ય હાથ ધરવામાં આવતું હોય ત્યાં એક વર્ષ માટે જમીનને બિનખેતી કરી શકાશે નહીં. 

જમીન મહેસૂલ કાયદાની કલમ- 65 હેઠળ બિનખેતી કરવામા આવતી જમીન મામલે અમુક સુધારા કરવામાં આવ્યા છે. આ સુધારા અનુસાર 
કોઈપણ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવે ત્યારે તેનો ડિટેઈલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર થાય છે. આ રિપોર્ટમાં જ જે ગામનો સમાવેશ થાય તેમ હોય તેની યાદી કલેક્ટર કચેરીમાં સોંપવામાં આવશે અને ત્યારબાદ તે ગામની તમામ જમીનની 60 દિવસ માટે બિનખેતી કરી શકાશે નહીં.  ત્યારબાદ જે જમીન પ્રોજેક્ટ માટે સંપાદીત કરવાની જરૂરી છે તેને બાદ કરતા અન્ય જમીન બિનખેતી માટે ખુલ્લી મૂકી દેવામાં આવશે. એકવાર પ્રોજેક્ટ ફાયનલ થાય અને તેમાં જરૂરી સંપાદીત જમીનના સર્વે નંબરની અંતિમ યાદી તૈયાર થાય ત્યારબાદ તે જમીનને એક વર્ષ માટે બિનખેતી કરી શકાશે નહીં, તેવી માહિતી મહેસૂલ ખાતાના પરિપત્ર અને સૂત્રો દ્વારા મળી હતી.