મુંબઈ: ભારતીયની રીતભાવ મોટાભાગે વિદેશમાં ક્યારેક ધ્યાન ખેંચનારી હોય છે, પરંતુ તાજેતરમાં મુંબઈની મેટ્રોમાં મુસાફરી કરનારી અમેરિકન મહિલા ખુશખુશાલ થઈ ગઈ હતી અને પોતાનો અનુભવ શેર કરીને અમેરિકન્સને પણ એ ફોલો કરવાનો અનુરોધ કર્યો હતો.
લીઝ નામની એક અમેરિકન કન્ટેન્ટ ક્રિએટર મુંબઈ મેટ્રોમાં પોતાના પહેલા પ્રવાસના અનુભવને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. લીઝે ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલો પોતાનો અનુભવ પણ હવે વાયરલ થઈ રહ્યો છે. 'મુંબઈ મેટ્રો એક્સપિરિયન્સ' નામના આ વીડિયોમાં તે શહેરની આધુનિક મેટ્રો પરિવહન વ્યવસ્થા વિશે પ્રસંશા કરતા થાકતી નથી, તેણે ત્યાં સુધી કીધું હતું કે અમેરિકાએ ભારત પાસેથી આ બાબતે નોંધ લેવી જોઈએ.
આ વીડિયોના શરૂઆતમાં લીઝ પોતાની ટિકિટ ખરીદે છે અને મેટ્રો રાઈડ કેટલી સસ્તી છે તેના વખાણ કરે છે. ત્યાર બાદ તે ઉત્સાહથી કહે છે કે 'હું મુંબઈમાં છું અને પહેલીવાર મેટ્રોમાં જઈ રહી છું. એક ટિકિટ ફક્ત 20 રૂપિયામાં છે.'
સ્ટેશનમાં પ્રવેશતાની સાથે જ લીઝ સ્ટેશન પરિસરની સ્વચ્છતા અને સલામતીને જોઈને પ્રભાવિત થઇ ગઈ હતી. બાદમાં મેટ્રો પરિસરમાંથી પસાર થતી વખતે તે કહે છે કે 'સ્ટેશન ખૂબ જ સ્વચ્છ છે અને મને અહીંના દરવાજા ખૂબ ગમે છે. તે સુરક્ષિત પણ છે, પરંતુ તેનું આશ્ચર્ય ત્યાં અટકતું નથી.
પોતાના વતન સાથે તેના અહીંના અનુભવની સરખામણી કરતા લીઝે સ્વીકાર્યું હતું કે મુંબઈ મેટ્રો તેની અપેક્ષાઓ કરતા ઘણી સારી હતી. તેણે વીડિયો ક્લિપમાં જણાવ્યું હતું કે 'વાહ ફર્સ્ટ ઇમ્પ્રેશન આ મેટ્રો ન્યૂ યોર્ક કરતા ઘણી સ્વચ્છ અને ખરેખર ઠંડી છે. મુંબઈમાં અસહ્ય ગરમી લાગે છે, તેથી એસી ખૂબ રાહત આપે તેવું છે.'
બીજી અન્ય અંગે ખાસિયત સૌનું ખાસ ધ્યાન ખેંચ્યું હતું અને તે હતું મહિલાઓ માટે અલગ કમ્પાર્ટમેન્ટ, જે તેણે પહેલા બીજે ક્યાંય જોયુ નહોતું. તેણે કહ્યું કે 'અહીં મહિલાઓ માટે અલગથી કમ્પાર્ટમેન્ટ પણ છે, મેં બીજા કોઈ દેશમાં આવું જોયું નથી. અહીંની મેટ્રો ઉત્તમ છે. અમેરિકાને ભારત પાસેથી શીખવાની જરૂર છે.'
આ અમેરિકન મહિલાનો સોશિયલ મીડિયા પરનો આ પ્રસંશા કરતો વિડિયો ઝડપથી યુઝર્સ વચ્ચે ફેલાઈ ગયો હતો. નેટિઝન્સે ગર્વથી લઈને રમતિયાળ ટિપ્પણીઓથી કમેન્ટ સેક્શન ભરી દીધું હતું. એક યુઝરે લખ્યું 'આમચી મુંબઈમાં આપનું સ્વાગત છે.' બીજા યુઝરે મજાકિયા અંદાજમાં લખ્યું હતું કે 'મહેરબાની કરીને પીક અવરમાં મુંબઈની લોકલ એકવાર પ્રયાસ કરો અને પછી તમારો અનુભવ શેર કરો.' કેટલાક યુઝર્સે અન્ય ભારતીય મેટ્રોને પણ સમર્થન આપ્યું. જેમાં એક યુઝરે કહ્યું 'મેટ્રો શ્રેષ્ઠ છે.'
અલબત્ત મુંબઈની જાણીતી લોકલ ટ્રેનો પણ આ ચર્ચામાં સામેલ થઈ હતી. કોઈ યુઝરે મજાકમાં લખ્યું 'એકવાર તમે મુંબઈ લોકલ ટ્રેનમાં પ્રવાસ કરશો તો ફરીથી તમે આવું કરવાનું વિચારશો પણ નહી.' ઘણી બધી પ્રતિક્રિયાઓ વચ્ચે એક ટિપ્પણીએ કદાચ આ ભાવનાને શ્રેષ્ઠ રીતે રજૂ કરી હતી, 'પહેલીવાર એવું જાણવા મળ્યું હતું કે જેમાં અમેરિકા ભારત પાસેથી શીખે છે.'