આંતરરાષ્ટ્રીય મંચ પર ભારત વિરૂદ્ધ ઝેર ઓકવું એ પાકિસ્તાનની જૂની આદત રહી છે, પરંતુ દર વખતની જેમ આ વખતે પણ તેને વૈશ્વિક સ્તરે શરમજનક સ્થિતિનો સામનો કરવો પડ્યો છે. યુનાઈટેડ નેશન્સ હ્યુમન રાઇટ્સ કાઉન્સિલ (UNHRC)ની બેઠકમાં પાકિસ્તાને ફરી એકવાર કાશ્મીર રાગ આલાપીને ભારતને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, આ વખતે ભારત તરફથી મોરચો સંભાળનારા જાંબાઝ મહિલા રાજદ્વારી અનુપમા સિંહે પાકિસ્તાનને એવો જડબાતોડ જવાબ આપ્યો છે કે સમગ્ર વિશ્વમાં તેની ચર્ચા થઈ રહી છે. ચાલો જોઈએ કોણ છે આ અનુપમા સિંહ...
અનુપમા સિંહે પોતાના ધારદાર ભાષણમાં પાકિસ્તાનને અરીસો બતાવતા તેને 'ફ્રેન્કેન્સ્ટાઈન સ્ટેટ' એટલે કે પોતાના જ હાથે રાક્ષસ પેદા કરનાર દેશ ગણાવ્યું હતું. આ આકરા પ્રહાર બાદ ઇન્ટરનેટ પર લોકો સર્ચ કરી રહ્યા છે કે આખરે આ નીડર ભારતીય રાજદ્વારી અનુપમા સિંહ કોણ છે?
#WATCH | First Secretary at the Permanent Mission of India to the United Nations, Anupama Singh says, "This is the country where the sitting Defense Minister boast of hosting, training and deploying terrorist estate policy and yet Pakistan calls itself a victim of terrorism,… pic.twitter.com/OrKNKUITev
— ANI (@ANI) June 18, 2026
યુનાઈટેડ નેશન્સ હ્યુમન રાઇટ્સ કાઉન્સિલમાં ભારતના 'રાઈટ ઓફ રિપ્લાય'નો ઉપયોગ કરીને પ્રથમ સચિવ અનુપમા સિંહે પાકિસ્તાનના પ્રતિનિધિના જૂઠાણાંના ચીંથરા ઉડાવી દીધા હતા. તેમણે પાકિસ્તાનની સરખામણી અંગ્રેજી નવલકથાના પ્રખ્યાત પાત્ર 'ફ્રેન્કેન્સ્ટાઈન' સાથે કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાન એક એવું 'ફ્રેન્કેન્સ્ટાઈન સ્ટેટ' બની ગયું છે, જેણે પોતાના જ આંગણામાં આતંકવાદના રાક્ષસને જન્મ આપ્યો, તેને દૂધ પિવડાવીને મોટો કર્યો અને આજે એ જ રાક્ષસ તેના પોતાના જ લોકોને ડંખી રહ્યો છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, જે દેશ પોતાની ધરતી પર ખુલ્લેઆમ ફરતા આંતરરાષ્ટ્રીય આતંકવાદીઓને આશ્રય અને સરકારી ભંડોળ પૂરું પાડે છે, તેને ભારતના આંતરિક મામલાઓ અથવા માનવાધિકાર પર બોલવાનો કોઈ કાનૂની કે નૈતિક અધિકાર નથી.
વાસ્તવમાં, પાકિસ્તાનના પ્રતિનિધિએ કાઉન્સિલ સમક્ષ જમ્મુ-કાશ્મીરમાં માનવાધિકારોના ઉલ્લંઘનનો ખોટો અને મનઘડંત પ્રોપગેન્ડા ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. તેનો જડબાતોડ જવાબ આપતા અનુપમા સિંહે વૈશ્વિક સમુદાય સામે સ્પષ્ટ શબ્દોમાં જાહેર કર્યું કે, "જમ્મુ, કાશ્મીર અને લદ્દાખ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય હિસ્સો હતા, છે અને હંમેશા રહેશે. પાકિસ્તાન ગમે તેટલા ગતકડાં કરે, તે આ ભૌગોલિક વાસ્તવિકતાને બદલી શકશે નહીં."
તેમણે પાકિસ્તાનને આડે હાથ લેતા કહ્યું કે, બીજા પર આંગળી ઉઠાવતા પહેલા પાકિસ્તાને પોતાના દેશમાં લઘુમતીઓ પર થઈ રહેલા અત્યાચારો અને તેમના ધાર્મિક સ્થળો પર થઈ રહેલા હુમલાઓ તરફ જોવું જોઈએ.
કોણ છે ભારતની આ તેજસ્વી દીકરી અનુપમા સિંહ?
અનુપમા સિંહ ભારતીય વિદેશ સેવાના સક્ષમ અને તેજસ્વી અધિકારી છે. હાલમાં તેઓ સ્વિટ્ઝર્લેન્ડના જેનિવા ખાતે સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી મિશનમાં પ્રથમ સચિવ તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓ આંતરરાષ્ટ્રીય કાયદા, માનવાધિકાર અને વૈશ્વિક રાજનીતિના ઊંડા અભ્યાસુ માનવામાં આવે છે. વિદેશ મંત્રાલયમાં તેમની છબી એક શાંત પરંતુ અત્યંત આક્રમક અને તાર્કિક દલીલો કરનાર અધિકારી તરીકેની છે. આ પહેલા પણ તેઓ વૈશ્વિક મંચો પર ભારતીય હિતોનું સફળતાપૂર્વક પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. તેમની બોલવાની શૈલી એટલી પ્રભાવશાળી છે કે તેઓ તથ્યો અને આંતરરાષ્ટ્રીય નિયમોના આધારે વિરોધી દેશોને ઘૂંટણિયે લાવી દે છે.
અનુપમા સિંહના આ સિંહગર્જના સમાન ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. ભારતીય નેટીઝન્સ દેશની આ દીકરીની બહાદુરી અને હાજરજવાબીપણું જોઈને ગર્વ અનુભવી રહ્યા છે. લોકો લખી રહ્યા છે કે, સ્મૃતિ ઈરાની અને સ્નેહા દુબે બાદ હવે અનુપમા સિંહે પણ સાબિત કરી દીધું છે કે જ્યારે દેશની વાત આવે ત્યારે ભારતની દીકરીઓ દુશ્મન દેશોને વૈશ્વિક સ્તરે કેવી રીતે પરાસ્ત કરી શકે છે.