Sat Apr 18 2026

Logo

PIT NDPS એક્ટ હેઠળ મોટી કાર્યવાહી, નાર્કોટિક્સનાં ગુનામાં સંડોવાયેલા વધુ પાંચ રીઢા આરોપીઓની અટકાયત

2026-04-18 11:46:00
Author: Vimal Prajapati
Article Image

ગાંધીનગરઃ ગુજરાત પોલીસ દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વર્ષ 2025 દરમિયાન કુલ 86 આરોપીઓને PIT NDPS અધિનિયમ હેઠળ અટકાયત કરીને રાજ્યની વિવિધ જેલોમાં મોકલવામાં આવ્યા હતા, ચાલુ વર્ષે ચાર મહિનામાં 21 વ્યક્તિઓને આ કડક અભિયાન હેઠળ અટકાયત કરવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. રાજ્ય સરકારે નશીલા પદાર્થ સંબંધિત ગુનાઓ સામે ‘ઝીરો ટોલરન્સ’ ની નીતિ અપનાવી છે.

DGPના આદેશથી કરવામાં આવી આ કાર્યવાહી

ગુજરાત પોલીસે નશીલા પદાર્થ સંબંધિત ગુનાઓ સામે કડક કાર્યવાહી તેજ બનાવી છે. પોલીસ દ્વારા Prevention of Illicit Traffic in Narcotic Drugs and Psychotropic Substances Act, 1988 (PIT NDPS Act) હેઠળ વધુ પાંચ આરોપીઓને અટકાયત કરી રાજ્યની વિવિધ જેલોમાં મોકલી આપ્યા છે. આ અટકાયતના આદેશો ગુજરાત રાજ્યના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP-CID Crime) ડૉ. કે.એલ.એન. રાવ દ્વારા કરવામાં આવ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

વધુ વિગતે વાત કરવામાં આવે તો, એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) અને CID ક્રાઈમની ટીમો દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. આ સાથે રાજકોટ શહેર, અરવલ્લી, બનાસકાંઠા, નવસારી અને જુનાગઢ જિલ્લાનાં આ આરોપીઓ સામે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. 

આ આરોપીઓની અટકાયત કરવામાં આવી

અટકાયત કરાયેલા વ્યક્તિઓમાં ભિલોડા તાલુકાના વાંકાટીંબા ગામના બાબુભાઈ નીનામા (49 વર્ષ), બનાસકાંઠાના ઈશ્વર ઉર્ફે હેંડલ સલાટ (28 વર્ષ), વાંસદાના મનોજગીરી ગોસ્વામી (45 વર્ષ), જુનાગઢના વહીદ પંજા (50 વર્ષ) અને રાજકોટના ઇમરાન બેલીમ (32 વર્ષ)નો સમાવેશ થાય છે. આ તમામને અગાઉ NDPS અધિનિયમની વિવિધ કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તેઓ જામીન પર મુક્ત હતા. 

PIT NDPS અધિનિયમ હેઠળ કેવી કાર્યવાહી થાય છે?

ગુજરાત પોલીસનાં જણાવ્યા પ્રમાણે PIT NDPS અધિનિયમ હેઠળ આવા વ્યક્તિઓને પૂર્વગામી અટકાયત હેઠળ રાખી શકાય છે, જેથી તેઓ નશીલા પદાર્થોના વેચાણ, ખરીદી, પરિવહન અથવા સંગ્રહ જેવી પ્રવૃત્તિઓમાં ફરી જોડાય નહી. જેલમુક્ત થયા પછી પણ આવા લોકો ફરીવખત નશીલા પદાર્થોનાં વેચાણ અથવા તેના કારોબારમાં ફરી વખત સક્રિય થઇ શકે તેમ છે, તેવા સમયે આ કાર્યવાહી કરવામાં આવે છે. 

નશીલા પદાર્થ સંબંધિત ગુનાઓ સામે ‘ઝીરો ટોલરન્સ’ ની નીતિ 

રાજ્ય સરકારે નશીલા પદાર્થ સંબંધિત ગુનાઓ સામે ‘ઝીરો ટોલરન્સ’ ની નીતિ અપનાવી છે. ગુજરાત પોલીસે જણાવ્યું કે, જેમ અસામાજિક તત્વો સામે PASA લાગુ કરવામાં આવે છે, તેમ જ  નાર્કોટિક્સ સંબધિત ગુનાનાં આરોપીઓ સામે PIT NDPS અધિનિયમ લાગુ કરવામાં આવે છે. રાજ્યને ‘નશામુક્ત’ બનાવવા માટે ગુજરાત સરકાર પ્રતિબદ્ધ છે અને આ માટે જે કોઇ કાર્ય કરવુ પડે તેના માટે તમામ પગલા લેવામાં આવી રહ્યાં છે.