Tue Aug 18 2026

Logo

ગુજરાત પોલીસ યોજશે દેશની સૌથી મોટી AI હેકાથોન: સ્માર્ટ પોલિસિંગ તરફ મોટું કદમ

2026-08-17 10:08:00
Author: Mumbai Samachar Team
Article Image

ગાંધીનગરઃ રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ સક્ષમ, સચોટ અને સ્માર્ટ બનાવવાના ઉદ્દેશ સાથે ગુજરાત પોલીસ દ્વારા ‘ગુજરાત પોલીસ ઇનોવેશન ચેલેન્જ ૨૦૨૬’ અંતર્ગત દેશના સૌથી મોટા CCTV ઇન્ટિગ્રેશન અને AI-આધારિત હેકાથોનનું આયોજન કરવામાં આવ્યું છે. સ્માર્ટ અને પ્રો-એક્ટિવ પોલિસિંગના વાસ્તવિક પડકારોને ઉકેલવા માટે સમગ્ર દેશમાંથી ઇનોવેટર્સ, સ્ટાર્ટઅપ્સ, ટેકનોલોજી કંપનીઓ, ડેવલપર્સ અને સંશોધકોને આ પહેલ દ્વારા એક મંચ પર લાવવામાં આવશે. રાજ્યના પોલીસ વડા જી. એસ. મલિકના માર્ગદર્શનમાં આ પહેલ દ્વારા વાસ્તવિક સુરક્ષા પડકારો સામે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત સોલ્યુશન્સ વિકસાવવામાં આવશે. 

રાજ્યના ૮૦,૦૦૦થી વધુ કેમેરાઓ સાથે ઇન્ટિગ્રેટ થઈ શકે તેવા સ્કેલેબલ સોલ્યુશન્સ સાથે મજબૂત, ઝડપી અને સક્ષમ પબ્લિક સેફ્ટી ઇકોસિસ્ટમ તૈયાર કરવાનો આ હેકાથોનનો મુખ્ય લક્ષ્યાંક છે. વિવિધ સરકારી વિભાગોમાં અલગ-અલગ વેન્ડર્સ, ટેકનોલોજી, VMS પ્લેટફોર્મ અને નેટવર્ક આર્કિટેક્ચર પર ચાલતા સીસીટીવી કેમેરાઓને ઇન્ટીગ્રેટ કરીને સુરક્ષિત, ઝડપી અને સક્ષમ પબ્લિક સેફ્ટી ઇકોસિસ્ટમ બનાવવી એ આ હેકાથોનનો મુખ્ય હેતુ છે.

સીસીટીવી ઇન્ટિગ્રેશન અને AI-આધારિત વિડિયો એનાલિટિક્સ ક્ષેત્રે ભારતની આ સૌથી મોટી હેકાથોન છે. જેમાં વિજેતા પ્રતિભાશાળી ટીમને કુલ રૂ. ૩૭ લાખના રોકડ પુરસ્કારો આપવામાં આવશે. 

હેકાથોન સ્પર્ધાની સૌથી મહત્વની બાબત એ છે કે, દેશમાં સર્વપ્રથમ વખત સ્પર્ધકો લાઇવ સીસીટીવી કેમેરા ફીડ્સ પર વાસ્તવિક પરિસ્થિતિ મુજબ કામ કરશે. આ ઉપરાંત શંકાસ્પદ વ્યક્તિઓ, વાહનો અને અસામાન્ય ગતિવિધિઓની રિયલ-ટાઇમ ઓળખ અને તાત્કાલિક એલર્ટ સિસ્ટમ અને ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન, વ્હીકલ ટ્રેકિંગ, વોચલિસ્ટ મેચિંગ અને ક્રોસ-કેમેરા સર્ચ જેવી ક્ષમતાઓનું પણ વાસ્તવિક પરીક્ષણ કરવામાં આવશે. 

બે તબક્કામાં આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્ટેજ ૧-ઓપન ઇનોવેશન ચેલેન્જ અંતર્ગત બે કેટેગરીમાં સ્પર્ધકોની પસંદગી કરવામાં આવશે. કેટેગરી-૧માં વિદ્યાર્થીઓ અને નાના-મધ્યમ સ્ટાર્ટઅપ્સ અને કેટેગરી-૨માં મોટા સ્ટાર્ટઅપ્સ અને સ્થાપિત ટેકનોલોજી કંપનીઓ ભાગ લેશે. 

સ્ટેજ-૨ એટલે કે ફિનાલેમાં સ્ટેજ-૧ માંથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી ટોચની ૬ ટીમો લાઇવ પ્રોડક્શન એન્વાયર્નમેન્ટમાં વાસ્તવિક પોલિસિંગ સિનારિયો સાથે ડેમોન્સ્ટ્રેશન આપશે. સ્પર્ધામાં ભાગ લેવા અને તેના નિયમો, પાત્રતા અને ગાઇડલાઇન્સની વધુ જાણકારી સત્તાવાર પોર્ટલ  https://sentinel.gujarat.gov.in ઉપર આપવામાં આવી છે. સંભવિત સપ્ટેમ્બર મહિનામાં આ હેકથોન શરૂ થશે.