અમદાવાદઃ હવામાન વિભાગે ચોમાસું લંબાવાની આગાહી કરી છે. નવરાત્રિને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે હવામાન વિભાગની આગાહીથી ખેલૈયાઓમાં ફફડાટ ફેલાયો છે. આ ઉપરાંત આગાહી મુજબ નવરાત્રિના ગરબાને વરસાદનું વિઘ્ન નડી શકે છે. હવામાન વિભાગ મુજબ, આજે સમગ્ર ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં મેઘગર્જના સાથે વરસાદ પડી શકે છે. જોકે આવતીકાલથી ગુજરાતમાં વરસાદની તીવ્રતા ઘટવાની શક્યતા છે. હવામાન વિભાગ મુજબ, દેશમાંથી ચોમાસાની વિદાય શરૂ થઈ હોવા છતાં બંગાળની ખાડી સહિતની સક્રિય હવામાન પ્રણાલીઓને કારણે દેશના મધ્ય, પૂર્વ અને દક્ષિણ ભાગોમાં આગામી દિવસોમાં વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે.
હવામાન વિભાગ મુજબ, રાજ્યમાં ચોમાસાની વિદાયની શરૂઆત કચ્છથી 20 સપ્ટેમ્બરથી થતી હોય છે, જોકે હજુ સુધી થઈ નથી. 5 ઓક્ટોબર સુધીમાં સંપૂર્ણ ગુજરાતમાંથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસું વિદાય લેશે. અમદાવાદમાંથી 27 સપ્ટેમ્બર આસપાસ ચોમાસું સત્તાવાર રીતે વિદાય લેશે. રાજસ્થાન, હરિયાણા અને પંજાબના વધુ વિસ્તારોમાંથી નૈઋત્યનું ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે. આગામી બે-ત્રણ દિવસ દરમિયાન પંજાબ, હરિયાણા-ચંદીગઢ-દિલ્હીના બાકીના ભાગો, રાજસ્થાનના વધુ વિસ્તારો તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાંથી પણ ચોમાસાની વિદાય માટે અનુકૂળ સ્થિતિ સર્જાઈ શકે છે.
નવરાત્રિમાં ગરમી અને વરસાદ બંનેનો સામનો કરવો પડી શકે
ગુજરાતમાં ચોમાસાની વિદાયના કાઉન્ટડાઉન વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં હજુ પણ વરસાદી માહોલ યથાવત્ રહેવાની મહત્ત્વની શક્યતા વ્યક્ત કરી છે. અંબાલાલ મુજબ, નવરાત્રિ દરમિયાન પણ ખેલૈયાઓને ગરમી અને વરસાદ બંનેનો સામનો કરવો પડી શકે છે. 4થી 7 ઓક્ટોબર દરમિયાન પણ કેટલાક છૂટોછવાયો વરસાદ પડી શકે છે, જ્યારે દશેરા સુધી ક્યાંક વરસાદી ઝાપટાં ચાલું રહી શકે છે.
ગુજરાતમાં સિઝનનો સરેરાશ કેટલો વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ રાજ્યમાં સિઝનનો સરેરાશ 88.84 ટકા વરસાદ વરસ્યો છે. કચ્છમાં 57.60 ટકા, ઉત્તર ગુજરાતમાં 71.04 ટકા, પૂર્વ મધ્યમાં 89.66 ટકા, સૌરાષ્ટ્રમાં 70.49 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 113.87 ટકા વરસાદ પડ્યો છે.