Sun Sep 06 2026

Logo

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીની જાહેરાત, 26 એપ્રિલના રોજ મતદાન 28 એપ્રિલે પરિણામ

2026-04-01 17:49:05
Author: Chandrakant Kanoja
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીની જાહેરાત, 26 એપ્રિલના રોજ મતદાન 28 એપ્રિલે પરિણામ

ગાંધીનગર: ગુજરાતમાં રાજ્ય ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીની જાહેરાત કરી છે. જેમાં 15 મનપા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે. આ તમામ ચૂંટણી માટે 26 એપ્રિલના રોજ એક જ તબક્કામાં મતદાન યોજવામાં આવશે. જ્યારે  28 એપ્રિલના રોજ  પરિણામ  જાહેર કરવામાં આવશે. આ તમામ ચૂંટણીમાં ઇવીએમથી મતદાન કરવામાં આવશે. 

15 મહાનગરપાલિકામાં રાજ્યની 9 નવી મહાનગરપાલિકાનો પણ સમાવેશ

આ અંગે  રાજ્ય ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, 15 મહાનગરપાલિકામાં રાજ્યની 9 નવી મહાનગરપાલિકાનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત  24 જિલ્લા પંચાયતોમાં હદ ફેરફાર થયો છે. તેમજ રાજ્યમાં  જૂનાગઢ અને ગાંધીનગર સિવાય તમામ મહાનગરપાલિકામાં ચૂંટણી  યોજાશે. જ્યારે  7 નવી નગરપાલિકા સાથે 84 નગરપાલિકામાં પણ ચૂંટણી યોજાશે. 

ચૂંટણીમાં કુલ 4 કરોડ 40 લાખ જેટલા મતદારો મતદાન કરશે

આ ચૂંટણીમાં કુલ 4 કરોડ 40 લાખ જેટલા મતદારો મતદાન કરશે. જેમાં મહાનગરપાલિકાઓમાં 1 કરોડ 10 લાખ મતદારો મતદાન કરશે. જ્યારે નગરપાલિકાઓમાં 33.66 લાખ મતદારો, SIR નવી યાદી પ્રમાણે  તાલુકા-જિલ્લા પંચાયતમાં 2 કરોડ 44 લાખ મતદારો નોંધાયા છે.  

06 એપ્રિલથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે

રાજ્ય ચૂંટણી પંચે જણાવ્યું હતું કે ચૂંટણી માટે 06 એપ્રિલથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. જ્યારે 11 એપ્રિલ ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. જ્યારે  13 એપ્રિલે ફોર્મ ચકાસણી કરવામાં આવશે.  તેમજ  26 એપ્રિલે ઇવીએમથી  મતદાન યોજવામાં આવશે.  28 એપ્રિલે પરિણામ જાહેર કરવામાં આવશે.  

સમગ્ર ચૂંટણી પ્રક્રિયા 30 એપ્રિલના રોજ પૂર્ણ થશે

રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનરના જણાવ્યા અનુસાર મહાનગરપાલિકામાં કુલ 262 વોર્ડ, નપામાં 656 વોર્ડ, જિલ્લા પંચાયતમાં 1090 વોર્ડ, તાલુકા પંચાયતમાં 5234 વોર્ડ, નગરપાલકિાઓમાં 2624 વોર્ડમાં ચૂંટણી યોજાશે. તેમજ મતદાનનો સમય સવારે 7થી સાંજના 6 સુધીનો રહેશે. તેમજ  જરૂર જણાશે  તો 27 એપ્રિલના રોજ પુન:મતદાન હાથ ધરવામાં આવશે. તેમજ સમગ્ર  ચૂંટણી પ્રક્રિયા 30 એપ્રિલના રોજ પૂર્ણ થશે. 

નિર્ધારિત 14 ડોક્યુમેન્ટના આધારે મતદાન 

આ ચૂંટણીમાં નિર્ધારિત 14 ડોક્યુમેન્ટના આધારે મતદાન કરવામાં આવશે. જેમાં  મહાનગરપાલિકા- નગરપાલિકા માટે 23667  મલ્ટી ચોઈસ કંટ્રોલ યુનિટ  અને  47102 બેલેટ યુનિટ, જિલ્લા અને તાલુકા પંચાયત માટે  23665 કંટ્રોલ યુનિટ અને  28841 બેલેટ યુનિટની વ્યવસ્થા કરવામાં આવી છે.