અમદાવાદ: ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે પારસ ચંદ્રક અર્પણ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે તેમના હસ્તે 'પારસ પટેલની વાર્તાઓ' પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.
વર્ષ 2025 માટે પદ્યના શ્રેષ્ઠ સર્જક તરીકે રાજેન્દ્ર શુક્લ
પારસ ચંદ્રક અર્પણ સમારોહમાં વર્ષ 2025 માટે પદ્યના શ્રેષ્ઠ સર્જક તરીકે રાજેન્દ્ર શુક્લ, ગદ્યના શ્રેષ્ઠ સર્જક તરીકે પદ્મશ્રી કુમારપાળ દેસાઈ, પદ્યના શ્રેષ્ઠ યુવા સર્જક તરીકે હર્ષવી પટેલ, ગદ્યના શ્રેષ્ઠ યુવા સર્જક તરીકે શ્રી અજય સોની તથા સાહિત્ય સેવા માટે હરધ્વાર ગોસ્વામીને પારસ ચંદ્રક એનાયત કરવામાં આવ્યા હતા.
વર્ષ 2026 માટે પદ્યના શ્રેષ્ઠ યુવા સર્જક તરીકે અનિલ ચાવડા
વર્ષ 2026 માટે પદ્યના શ્રેષ્ઠ સર્જક તરીકે સંજુ વાળા, ગદ્યના શ્રેષ્ઠ સર્જક તરીકે મણિલાલ પટેલ, પદ્યના શ્રેષ્ઠ યુવા સર્જક તરીકે અનિલ ચાવડા, ગદ્યના શ્રેષ્ઠ યુવા સર્જક તરીકે મયુર ખાવડું તથા સાહિત્ય સેવા માટે હિતેન આનંદપરાને પારસ ચંદ્રક એનાયત કરવામાં આવ્યા હતા.
સંસ્કૃતિને પ્રેમ કરનારા લોકો રાષ્ટ્રની સાચી મૂડી
આ તકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે લક્ષ્મી અને વિદ્વત્તાનો મેળ ઓછો જોવા મળતો હોય છે, પરંતુ પારસ પટેલે એક સફળ બિઝનેસમેન હોવાની સાથે સાહિત્ય અને સંસ્કૃતિ પ્રત્યે અનન્ય અનુરાગ દાખવી આ વિડંબનાને ખોટી સાબિત કરી છે. આર્થિક સંપન્નતાની સાથે ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિને પ્રેમ કરનારા લોકો રાષ્ટ્રની સાચી મૂડી છે.
अहमदाबाद में आयोजित पारस चंद्रक अर्पण समारोह में सम्मिलित होकर अत्यंत प्रसन्नता हुई। वर्ष 2025 और 2026 के लिए उत्कृष्ट साहित्य सृजन करने वाले विद्वानों को सम्मानित करना मेरे लिए गौरव का क्षण था।
— Acharya Devvrat (@ADevvrat) June 3, 2026
सभ्यता हमें भौतिक सुविधाएं देती है, लेकिन संस्कृति हमें सत्य, अहिंसा, करुणा और… pic.twitter.com/86wbXnGx2w
સાહિત્ય અને સંસ્કૃતિ વિહીન સમાજ પથ્થર સમાન
સભ્યતા અને સંસ્કૃતિ વચ્ચેનો માર્મિક ભેદ સ્પષ્ટ કરતાં રાજ્યપાલે ઉમેર્યું કે, આધુનિક સુવિધાઓ, ટેકનોલોજી અને ભૌતિક સાધનો 'સભ્યતા' ના સૂચક છે જે જીવન સરળ બનાવે છે, જ્યારે અહિંસા, સત્ય, કરુણા, દયા અને સહિષ્ણુતા એ 'સંસ્કૃતિ' ના સૂચક છે. સંસ્કૃતિ એ સમાજનો આત્મા છે અને સભ્યતા એ તેનું શરીર છે. સાહિત્ય અને સંસ્કૃતિ વિહીન સમાજ પથ્થર સમાન બની જાય છે.
સાહિત્યકારો જ્યોત સમાન છે
સાહિત્યને સમાજનો અરીસો ગણાવતા રાજ્યપાલે કહ્યું કે, સાહિત્યકારો જ્યોત સમાન છે જે પોતે પ્રજ્વલિત થઈને સમાજને સાચા દિશાદર્શન અને પ્રકાશ આપે છે. ચાર-પાંચ પેઢીઓથી ચાલી આવતી આ ગૌરવવંતી સાહિત્યિક પરંપરાને વરિષ્ઠોએ જાળવી રાખી છે, જેના કારણે જ આજે યુવા પેઢી પણ આ ક્ષેત્રમાં ઉત્સાહભેર આગળ આવી રહી છે.
'પારસ પટેલની વાર્તાઓ' પુસ્તક સંદર્ભે વાત કરતા રાજ્યપાલએ જણાવ્યું કે, વાર્તાઓ રમત-રમતમાં માણસની રુચિ જગાડીને ઘણું મોટું જ્ઞાન આપી જાય છે અને આ વાર્તા સંગ્રહ નવી પેઢીને ભારતીય જીવનમૂલ્યો સાથે જોડીને તેમના જીવનને પથભ્રષ્ટ થતાં બચાવશે. આ પ્રસંગે ઉપસ્થિત સાહિત્ય જગતના મૂર્ધન્ય વિદ્વાનો અને પદ્મશ્રી મહાનુભાવોના પ્રદાનને બિરદાવી રાજ્યપાલે તેમની કલમ સતત ગતિમાન રહીને સમાજને પ્રેરણા આપતી રહે તેવી મંગલકામના વ્યક્ત કરી હતી.
ગુજરાતી સાહિત્યની ચાર-ચાર પેઢીઓનો ગૌરવવંતો સમન્વય જોવા મળ્યો
ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ ઝાએ જણાવ્યું હતું કે આજે અહીં એક જ મંચ પર ગુજરાતી સાહિત્યની ચાર-ચાર પેઢીઓનો ગૌરવવંતો સમન્વય જોવા મળ્યો છે. આપણું સાહિત્ય આજે ઇન્ટરનેટ અને આધુનિક ટેકનોલોજીના માધ્યમથી વૈશ્વિક સ્તરે વિસ્તરી રહ્યું છે. પારસ ચંદ્રક એનાયત કરવાની આ સરાહનીય પરંપરાને બિરદાવતા તેમણે જણાવ્યું કે, પારસ પટેલે વ્યાપારની સાથે પોતાના વાર્તા સંગ્રહમાં ઉત્તર ગુજરાતના લોકજીવન, તળપદી બોલી અને સામાજિક મૂલ્યોને ખૂબ જ અનોખી શૈલીમાં જીવંત કર્યા છે.
પારસ ફાઉન્ડેશન દ્વારા 'પારસ ચંદ્રક અર્પણ સમારોહની શરૂઆત
પારસ ચંદ્રક અર્પણ સમારોહમાં પારસ ફાઉન્ડેશન વતી ઉપસ્થિત સૌ મહાનુભાવોનું હાર્દિક સ્વાગત કરતાં પારસ પટેલે જણાવ્યું હતું કે, ધનવાન સમાજ બનાવવો સરળ છે. પરંતુ સંવેદનશીલ સમાજ બનાવવો ખૂબ અઘરું કાર્ય છે અને આ ભગીરથ કાર્ય સાહિત્યકારો કરે છે. સાહિત્ય અને સંસ્કૃતિની આ પરંપરાને જીવંત રાખવા માટે જ પારસ ફાઉન્ડેશન દ્વારા 'પારસ ચંદ્રક અર્પણ સમારોહ'ની શરૂઆત કરવામાં આવી છે.