Wed Jun 03 2026

Logo

વડોદરામાં પત્નીની છેડતીનો વિરોધ કરનાર પતિને મોતને ઘાટ ઉતારી દીધો

2026-06-03 19:48:00
Author: Pooja Shah
Article Image

અમદાવાદઃ મંગળવારે અમદાવાદમાં એક યુવકની સરાજાહેર હત્યાનો બનાવ બન્યો હતો ત્યારે વડોદરાના કલાલીમાં પણ હત્યાનો કિસ્સો બહાર આવ્યો હતો. અહીં જૂની અદાવતને કારણે એક યુવકની તેની પત્નીની નજર સામે જ હત્યા કરવામાં આવી હતી. થોડા સમય પહેલા પત્નીની છેડતી કરનારા યુવકે કથિત રીતે  30 વર્ષીય ગિરિશ ભાલીયા નામના યુવકની હત્યા કર્યાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. 

ઘટનાની મળતી વિગતો અનુસાર આટલાદર પોલીસ સ્ટેશનમાં મૃતકની પત્ની પૂજા ભાલીયાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર એપ્રિલ મહિનાના અંતમાં અમદાવાદના દહેગામ ખાતે એક લગ્નપ્રસંગમાં આરોપી દર્શન મારવાડીએ તેનો હાથ પકડી છેડછાડ કરી હતી. આ ઘટના અંગે તેણે પતિ અને પરિવારજનોને જણાવ્યું હતું. તે સમયે દર્શન ભાગી ગયો હતો, પરંતુ ત્યારબાદ સમાજે બોલાવેલી પંચાયતમાં તેણે છેડતી કર્યાનું કબૂલ કરતા તેનું અપામાન થયું હતું. 

આ વાતનો ખાર રાખી 2જી જૂને એક ધાર્મિક પ્રસંગમાં પૂજા, પતિ ગિરિશ અને ગિરિશનો પિતરાઈ મેહુલ ગયા હતા. અહીં મોડી રાત્રે તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે દર્શન અને તેની સાથે કરણ મારવાડી ગાડીમાં આવ્યા હતા અને ગિરિશ સાથે ઝગડો કરી તેને ચપ્પુના ઘા માર્યા હતા. પત્નીએ બૂમાબૂમ કરતા મેહુલ દોડી આવ્યો હતો, પરંતુ બન્ને જણ ત્યાંથી ભાગી નીકળ્યા હતા. ગિરિશને લોહીલુહાણ હાલતમાં હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. યુવકના મોતથી પરિવારમાં શોક સાથે રોષની લાગણી પણ છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.