Wed Jun 03 2026

Logo

દિલ્હી હોટલ અગ્નિકાંડમાં હોટલના માલિક લવકેશ બજાજની ધરપકડ

2026-06-03 22:55:02
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી: દક્ષિણ દિલ્હીના માલવિયા નગર વિસ્તારમાં એક હોટલમાં લાગેલી ભીષણ આગના કારણે 21 લોકોએ જીવ ગુમાવ્યો છે. જોકે, પોલીસે હોટલના માલિક લવકેશ બજાજની ધરપકડ કરી છે. આ  હોટેલ ફાયર એનઓસી વિના કાર્યરત હતી અને  સલામતીના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. દિલ્હી પોલીસે લવકેશ બજાજ અને તેની પત્નીને દેશ છોડીને ભાગી ન જાય તે માટે લુક-આઉટ સર્ક્યુલર (LOC)જાહેર કર્યો હતો. પોલીસે બંનેને શોધવા માટે એક ખાસ ઓપરેશન શરૂ કર્યું હતું.

અનેક પરિવાર ગુમ પ્રિયજનોને શોધી રહ્યા છે

આ દુર્ઘટનામાં 21 લોકોના મોત થયા હતા. જેમાં 10 ભારતીય, 9 આફ્રિકન નાગરિકો અને તુર્કમેનિસ્તાનના 2 નાગરિકોનો સમાવેશ થાય છે. જ્યારે અનેક પરિવારોએ પોતાના ગુમ પ્રિયજનોને શોધી રહ્યા છે. બચાવ અને ઓળખના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેમ તેમ ઘણા પરિવારો હોસ્પિટલોની બહાર ભેગા થવા લાગ્યા હતા અને પરિવારજનની જાણકારી મેળવી રહ્યા છે. એક વ્યક્તિ તેની પુત્રી અને બે પૌત્રીઓને શોધી રહ્યો હતો. તેણે કહ્યું કે પરિવારને તેમના જમાઈના મૃત્યુ વિશે જાણ કરવામાં આવી હતી,તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

તેમણે કહ્યું કે "મારી દીકરી તારિણી અગ્રવાલ 42 વર્ષની છે. તેણીને બે પુત્રી છે. એક 20 વર્ષની એન્જલ અને બીજી 17 વર્ષની છે. અમને ખબર નથી કે તેઓ ક્યાં છે. તેઓએ બિલ્ડિંગમાં એક રૂમ લીધો હતો. અમને મારા જમાઈના મૃતદેહ વિશે સમાચાર મળ્યા છે પરંતુ અમને હજુ સુધી બાકીના વિશે કોઈ માહિતી મળી નથી." 

લોકોને બચાવવા સ્થાનિકોએ હોટેલની બારીઓ તોડી

દિલ્હીમાં હોટલમાં લાગી આગમાં સ્થાનિકોના કારણે અનેક લોકોનો જીવ બચ્યો હતો. સ્થાનિકોએ લોકોને બચાવવા માટે બારીઓના કાચ તોડ્યા હતા અને જમીન પર ગાદલા પાથર્યા અને ધાબળા લઈને દોડ લગાવી હતી. સ્થાનિક રહેવાસી અનિતા ચૌધરીએ જણાવ્યું હતું કે અનેક વિસ્ફોટોના અવાજ થતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. મેં ઘણા વિસ્ફોટ જેવા અવાજો સાંભળ્યા અને પછી ઇમારતમાંથી ચીસો સંભળાતી હતી. લોકો મદદ માટે બૂમો પાડી રહ્યા હતા અને કેટલાક પોતાને બચાવવા માટે બારીઓમાંથી કૂદી રહ્યા હતા. રહેવાસીઓ અંદર ફસાયેલા લોકોને મદદ કરવા માટે ઇમારત તરફ દોડી ગયા હતા.

રહેવાસીઓએ ધાબળા અને રજાઇ એકઠી કરી

બીજા એક પ્રત્યક્ષદર્શી સંજય ગોયલે જણાવ્યું હતું કે ધુમાડો નીકળતો જોતાં જ બધા ભેગા થઈ ગયા અને લોકોને બચાવવાના કામે લાગી ગયા હતા. અમે ઇમારતમાંથી ધૂમાડો નીકળતો જોયો અને ખ્યાલ આવ્યો કે લોકો અંદર ફસાયેલા છે. રહેવાસીઓએ ધાબળા અને રજાઇ એકઠી કરી અને બહાર નીકળવાનો પ્રયાસ કરી રહેલા લોકોને મદદ કરવાનો પ્રયાસ કર્યો. અમે કાચની બારીઓ તોડીને ઘણા લોકોને બચાવવામાં સફળ રહ્યા. અંદરના લોકો સતત મદદ માટે બૂમો પાડી રહ્યા હતા.